પિતાએ આપેલ ફૂલ રાત્રી બની જતી પરી, પરીએ બાળકીને સમજાવ્યું ચોકસાઈનું મહત્વ, વાંચો બાળવાર્તા

0
525

એક ખેડૂત હતો.. સાવ નાનું કુટુંબ.. ઘરમાં પોતે, પત્ની, માં, એક દિકરી પુની અને એક નાનો દિકરો.. પોતાની સરસ વાડી હતી.. તેમાં જ નાનું મકાન બનાવેલ હતું.. ત્યાં રહે.. અને મજા કરે..

શરદ પુનમની રાત હતી.. ખેડૂત બળદોને પહર ચારવા લઈ ગયો.. ઘરથી ઘણે દુર, જંગલની નજીક એક સરોવર હતું.. તેની પાસે ઘાસની વીડી હતી.. ત્યાં બળદોને પેટ ભરીને ચારો કરાવ્યો.. સવાર પડી, એટલે એ પાછો ઘરે આવવા નિકળ્યો..

ચાલતાં ચાલતાં એ સરોવર પાસે પહોંચ્યો.. જોયું.. તો એક સુંદર ફુલ, સરોવરના કાંઠે કાદવમાં ખુંચેલું પડ્યું છે.. ફુલ સાવ નવી જાતનું હતું, એટલે વિચાર્યું કે ‘લાવ આ ફુલ પુની માટે લઈ જાઉં.. એને ગમશે..’

એણે તો ફુલ લઈ લીધું.. ઘરે આવીને પુનીને આપ્યું.. પુની તો રાજી રાજી થઈ ગઈ.. અને સાંચવીને પોતાની ઓરડીમાં મુકી દીધું..

આ ઓરડીમાં પુની રોજ દાદી સાથે સુતી.. પણ દાદી એની દિકરીને ત્યાં આંટો દેવા ગયા હતા.. એટલે આજે રાતે પુની ફુલ સાથે રમતી રમતી એકલી સુઈ ગઈ..

મધરાત થઈ.. પુનીને લાગ્યું કે .. કોક એના શરીર પર દાદીની જેમ હાથ ફેરવે છે.. એણે જાગીને જોયું.. તો એક રુપાળી પરી પાસે બેઠી છે.. એને બે સફેદ પાંખો હતી.. લાંબા સોનેરી સુંદર વાળ હતા..

પરીએ કહ્યું.. “પુની, મારાથી ડરતી નહીં.. હું ફુલપરી છું.. અમે ઘણી પરીઓ ગઈ રાતે સરોવરમાં નહાવા આવી હતી.. હું કાદવમાં ખુંચી ગઈ.. બીજી પરીઓ સવાર પહેલાં ઉડીને અમારા પરીલોકમાં જતી રહી.. ને સુરજ ઉગ્યો એટલે હું ફુલ બની ગઈ.. અને આજ મધરાત થઈ, એટલે પરી બની ગઈ.. સવારે સુરજ ઉગશે એટલે પાછી ફુલ બની જઈશ..“

પુનીએ પરી સાથે ઘણી વાતો કરી..

પરીએ કહ્યું.. “તારે અમારું પરીલોક જોવું હોય તો મારા ખોળામાં સુઈ જા.. હું તને સપનામાં પરીલોક બતાવીશ..”

પુની તો એના ખોળામાં માથું રાખી સુઈ ગઈ.. સપનું આવ્યું.. સપનામાં એણે પરીલોકના સોના રુપાના મહેલ , હીરા મોતીની બત્તીઓ, સુંદર બાગ બગીચા જોયા .. સપનું પુરું થયું.. પુની જાગી ગઈ..

પુનીએ કહ્યું.. “ફુલપરી.. મને પરીલોક જોવાની ખુબ મજા આવી.. ત્યાં બધું સારું સારું ને સુંદર હતું.. ક્યાંય ઉકરડા , ગંદકી કે કચરો ન હતાં.. અમારે તો અહીં ગામમાં બધે ગંદકી, ઉકરડા અને કચરો જ દેખાય..”

પરી હસી.. “પુની .. તમે માણસ છો જ સાવ ગંધારા.. ખુબ ગંદકી કરો.. એટલે અમે તમારાથી છેટાં રહીએ.. પણ તું તો રુપાળી ને ચોખ્ખી છો.. એટલે તું મને ખુબ ગમે છે..”

સવાર પડતાં જ પરી પાછી ફુલ બની ગઈ.. પુનીએ બા બાપુને પરીની વાત કરી..

પુનીએ કહ્યું.. “બાપુ , આપણે આ ફુલને સરોવરને કાંઠે મુકી આવશું.. એટલે રાતે એ પરી બનીને બીજી પરીઓ સાથે એના પરીલોકમાં જતી રહેશે..”

સાંજ પડ્યે .. બધા ગાડામાં બેસીને ફુલને સરોવરને કાંઠે મુકી આવ્યા..

મધરાતે ફુલપરી .. પાછી પરી બનીને પરીલોકમાં જતી રહી..

નાહી ધોઈને ચોક્ખાં રહીએ, ચોક્ખા રાખીએ ગામ..

પરી રુપાળી પ્રેમ કરીને, દેખાડે નીજ ધામ..

– જયંતીલાલ ચૌહાણ ૩૦-૫-૨૧ (અમર કથાઓ ગ્રુપ) (પ્રતીકાત્મક ફોટા)