શું થયું જ્યારે પહેલી વખત કોઈ છોકરાએ છોકરીને ઘોડેસવારી કરતાં જોઈએ, વાંચો રસપ્રદ પ્રસંગ.

0
470

ખૂબ જ નાનકડો પરંતુ મને ઘણી પ્રેરણા આપનારો એક સુંદર પ્રસંગ આજે લખવાની ઈચ્છા થઈ છે. ખૂબ જ નાનો પ્રસંગ.

આજથી લગભગ પંદર વર્ષ પહેલાં હું કેરલ ફરવા ગયો હતો. કેરલમાં કોચીન શહેર દરિયાકાંઠે છે. ત્યાંના દરિયામાં એક નાનકડો ટાપુ છે. જ્યાં આપણે હોડીમાં બેસીને ફરવા જઇ શકીએ. હું પણ ત્યાં ફરવા ગયેલો. આ ટાપુ પર એક સુંદર બગીચો છે. હું બગીચામાં એક બાંકડા ઉપર બેઠો હતો. ખાસ કશું કામ હતું નહી અને સમય પૂરતો હતો. એટલે હું શાંતિથી બેઠો હતો. ત્યાંની પ્રકૃતિ અને દરિયાનું દર્શન કરતો હતો.

એવામાં એક સુંદર રોમેન્ટિક દ્રશ્ય જોયું. મારાથી લગભગ 500 ફુટ જેટલા અંતરે એક છોકરી ઘોડા ઉપર સવારી કરતી જતી હતી. આ દ્રશ્ય મારી આંખે ચડી ગયું. મેં નજરે કોઈ છોકરીને ઘોડે સવારી કરતી પહેલીવાર જોઇ હતી. મારે બીજું કશું કામ હતું નહિ. એટલે એ બાજુ જોયા કરતો હતો. મને મજા આવતી હતી. ધીમે ધીમે ઘોડો મારી બાજુ આવતો હતો. પરંતુ જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ મારા મનમાં ચિત્ર બદલાવા માંડ્યું અને સૌથી છેલ્લે ઘોડો મારાથી માત્ર 25 ફુટ દૂર હતો.

એ છોકરી ઘોડા ઉપરથી ઉતરી ત્યારે મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. કારણ કે હકીકતમાં એ છોકરી હતી જ નહીં. લગભગ 75 થી 80 વર્ષની એક અમેરિકન વૃદ્ધા હતી અને લીલા રંગનો છોકરી જેવો પંજાબી ડ્રેસ પહેર્યો હતો અને શરીર સપ્રમાણ હોવાથી ઘણે દૂરથી મને છોકરી જેવું લાગ્યું હતું. આ પ્રસંગ જોયા પછી મારી આંખો પર મને વિશ્વાસ જ ન બેઠો કે કોઈ 75 થી 80 વર્ષની વૃદ્ધા માત્ર પોતાના આનંદ માટે આટલી સહજતાથી ઘોડે સવારીનો આનંદ માણી શકે. આ પ્રસંગે મને ઘણી પ્રેરણા આપી. આપણા લોકો આટલા સહજ બની શકતા નથી. આવું કેમ હશે?

થોડા વખત પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામા એક શોપિંગ મોલમાં કોઈ અજાણી વ્યક્તિના બાળકને જમીન પર આળોટીને રમાડતા હતા, એવા ફોટા આપણે છાપામાં જોયા હતા. એવી જ રીતે હમણાં કેનેડાના વડાપ્રધાન પોતાની ઓફિસના પટાવાળા અને વોચમેનને પણ સારી રીતે મળતા હતા અને કોઇ પણ સામાન્ય વ્યક્તિની જેમ સહજતાથી સેલ્ફી પડાવતા હતા. આપણે ત્યાં, માજી સરપંચ હોય તો પણ રાયડાનો ફંટો હાથમાં રાખીને માથે નહાવાનો રૂમાલ બાંધીને એવો રોફ મારે કે જાણે દેશના સંરક્ષણ ખાતાના પ્રધાન હોય. શું આપણા લોકો સહજ ન બની શકે? આપણા નેતાઓ આટલા સહજ ન બની શકે? આપણા લોકો કેમ બ્રહ્માંડનો ભાર લઈને ફરે છે? મારુ કહેવું એવું છે કે શેનો ભાર લઈને ફરે છે?

– કર્દમ ર. મોદી, આચાર્ય (અમર કથાઓ ગ્રુપ) (પ્રતીકાત્મક ફોટા)