પોરબંદરમાં આવેલી આ ગુફાનો મહિમા છે નિરાળો, અહીં પાણીના ટીપાથી કૂદરતી રીતે બને છે શિવલીંગ, જાણો તેના વિષે

0
1252

આજે અમે તમારા માટે પોરબંદરમાં આવેલી જાંબુવનની ગુફા વિષેની રસપ્રદ જાણકારી લઈને આવ્યા છીએ. સૌરાષ્‍ટ્રના પ્રખ્યાત એવા બરડા ડુંગરની તળેટીમાં આવેલી આ જાંબુવનની ગુફા ઘણા જ ઓછા લોકોએ જોઇ હશે. પણ હકીકતમાં દરેકે એક વખત આ સ્થળની મુલાકાત લેવા જેવી ખરી. અહીં તમને જમીન પર અવેડા જેવી કુંડી જેવડી જગ્‍યાની નીચે વ્‍યવસ્‍થિત પથ્‍થરની સીડી, અને અંદર ઉતરતાં એક પછી એક વિશાળ ઓરડા જોવા મળશે.

જણાવી દઈએ કે, ભૂગર્ભમાં આવેલી જાંબુવનની ગુફા પોરબંદર જિલ્‍લાના રાણાવાવથી 5 કિલોમીટર દૂર બરડા ડુંગરની ગોદમાં આવેલી છે. આ પુરાતત્‍વના અભ્‍યાસુ અને પુરાતત્‍વવિદો માટે રસપ્રદ સ્‍થળ છે. નામ પરથી ખબર પડી જાય છે કે, જાંબુવન નામના રીંછ પરથી આ ગુફાનું નામ પડયું છે. એ તો તમે જાણતા જ હશો કે, ક્રૃષ્‍ણ અવતાર સમયે જાંબુવન નામનો રીંછ ભગવાન શિવનો અનન્‍ય ઉપાસક હતો. તો આ ગુફામાં જાંબુવને અનેક શિવલીંગની સ્‍થાપના કરી હતી, જેમાંથી પાતાળેશ્વર મહાદેવનું શિવલીંગ મુખ્‍ય છે અને તેના પર કુદરતી રીતે જલાભિષેક થાય છે.

એવું કહેવાય છે કે, પાણીના ટીપાં ટપકવાથી આપોઆપ શિવલીંગ બંધાય છે. તેની પાછળ રહેલી દંતકથા અનુસાર જાંબુવને 108 શિવલીંગની પૂજા કરવી હતી, પણ એક રાતમાં આટલી સંખ્‍યામાં શિવલીંગ ન થતાં તે ધ્‍યાન કરવા બેઠા. અને ભગવાન શિવ તેમનાથી પ્રસન્‍ન થયા અને તેમને વચન આપ્‍યું કે, ઉપરથી ગુફાની અંદર ટપકતાં પાણીના ટીપાંથી શિવલીંગ બની જશે.

અને આજે પણ આપણે જાંબુવન ગુફામાં અંદર ઉતરીને જોઇએ તો આ કુદરતી દ્રશ્‍ય જોવા મળે છે. ગુફાની ઉપરથી પાણીના ટીપા ગુફાની માટીમાં બનેલા શિવલીંગ પર ટપકે છે. અને કુદરતી રીતે બનતાં આ શિવલીંગો અદ્રશ્‍ય પણ થઇ જાય છે. અમરનાથમાં જેમ કુદરતી રીતે બરફનું શિવલીંગ બને છે, તેમ જાંબુવન ગુફામાં પાણીના ટીપાથી માટીના શિવલીંગ બને છે. અને ભાવિકોમાં તે ભારે શ્રધ્‍ધાનું સ્‍થળ છે. એટલું જ નહિ આ ગુફામાં જોવા મળતી સોના જેવી ચળકતી માટી પણ આકર્ષણનું કેન્દ્ર છે.

– યોગિતા મહેકની પોસ્ટનું સંપાદન.