ગુરુએ શિષ્યને આપ્યો ચમત્કારી અરીસો, શિષ્યને તેમાં ગુરુનું જે રૂપ દેખાયું તે જોઇને તેની હાલત ખરાબ થઈ ગઈ.

0
1069

દરેક માણસની એવી ટેવ હોય છે કે તે બીજાની ભૂલો તરત જોઈ લે છે, પણ પોતાની અંદરની ભૂલો તેને નથી દેખાતી. જો કોઈ વ્યક્તિ તેને ભૂલો દેખાડી પણ દે તો પણ તે વ્યક્તિ તેને સ્વીકારવા તૈયાર નથી હોતા. આ માનવીય સ્વભાવ છે.

હંમેશા આપણે એ ભૂલી જઈએ છીએ કે જયારે પણ આપણે કોઈ ઉપર આંગળી ઉઠાવીએ છીએ તો બાકીની ચારે આંગળીઓ આપણી પોતાની તરફ વળેલી હોય છે. તેથી સૌથી પહેલા આપણી ભૂલો દુર કરીએ. ત્યાર પછી બીજાના દુર્ગુણો તરફ ધ્યાન આપીએ. આજે અમે તમને એવો પ્રસંગ જણાવી રહ્યા છીએ જે જણાવે છે કે બીજાના અવગુણ જોતા પહેલા આપણી અંદર પણ જોઈ લેવું જોઈએ.

એક ગુરુકુળના આચાર્ય પોતાના શિષ્યની સેવાથી ઘણા પ્રભાવિત થયા. અભ્યાસ પૂરો થયા પછી જયારે શિષ્ય વિદાય લઇ ઘરે જવા લાગ્યો તો ગુરુએ તેને આશીર્વાદના રૂપમાં એક અરીસો આપ્યો. તે સામાન્ય અરીસો ન હતો. એ અરીસામાં કોઈ પણ વ્યક્તિના મનના ભાવને દર્શાવવાની ક્ષમતા હતી.

શિષ્ય, ગુરુના આ આશીર્વાદથી ખુબ પ્રસન્ન હતો. તેણે વિચાર્યું કે જતા પહેલા અરીસાની ક્ષમતા તપાસી લઉં. ઉતાવળમાં તેણે અરીસાનું મોઢું સૌથી પહેલા ગુરુજી સામે કરી દીધું. તેમાં જે દેખાયું તેનાથી શિષ્યને આઘાત લાગ્યો. તે અરીસો દર્શાવી રહ્યો હતો કે ગુરુજીના હ્રદયમાં મોહ, અહંકાર, ગુસ્સો વગેરે અવગુણો રહેલા છે.

મારા આદર્શ, મારા ગુરુજી આટલા અવગુણોથી ભરેલા છે. આવું વિચારીને તે ઘણો દુઃખી થયો. દુઃખી મનથી તે અરીસો લઈને ગુરુકુળમાંથી રવાના થઇ તો ગયો, પણ આખા રસ્તામાં તેના મનમાં એક જ વાત ચાલતી રહી કે, જે ગુરુજીને સમસ્ત અવગુણોથી રહિત એક આદર્શ પુરુષ સમજતા હતા તેમના વિષે અરીસાએ તો કંઈક અલગ જ જણાવ્યું.

તેના હાથમાં હવે બીજાને પારખવાનું યંત્ર આવી ગયું હતું. એટલા માટે તેને રસ્તામાં જે મળતા તેમની તપાસ કરતો. તેણે પોતાના ઘણા મિત્રો અને બીજા સંબંધીઓ સામે અરીસો રાખીને તેમની પરીક્ષા લીધી. બધાના હ્રદયમાં કોઈને કોઈ અવગુણો જરૂર જોવા મળ્યા.

જે પણ અનુભવ રહ્યા બધા દુઃખી કરવા વાળા રહ્યા. તે વિચારવા લાગ્યો કે આ સંસારમાં બધા આટલા ખરાબ કેમ થઇ ગયા છે. બધા બેધારી માનસિકતા વાળા લોકો છે. જે જેવા દેખાય છે તેવા હકીકતમાં છે નહિ. તે નિરાશાથી ભરેલા અને દુઃખી મન સાથે કોઈ રીતે ઘર સુધી પહોંચી ગયો.

પછી તેને પોતાના માતા પિતાનો વિચાર આવ્યો કે, મારા માતા પિતાની તો સમાજમાં ઘણી પ્રતિષ્ઠા છે. મારી માતાને તો લોકો સાક્ષાત દેવ સમાન જ માને છે. તો તેમનામાં કોઈ અવગુણો છે કે નહિ તે જોઈ લઉં. પછી તેણે તે અરીસાથી માતા પિતાની પણ પરીક્ષા લીધી. તેમના હ્રદયમાં પણ કોઈને કોઈ દુર્ગુણ જોયા. તેઓ પણ દુર્ગુણોથી સંપૂર્ણ રીતે મુક્ત ન હતા.

હવે શિષ્યના મનની બેચેની ક્ષમતાની બહાર જઈ ચુકી હતી. તે અરીસો લઈને ચાલી નીકળ્યો ગુરુકુળ તરફ. ત્યાં પહોંચ્યો અને સીધો જઈને પોતાના ગુરુજીની સામે ઉભો રહી ગયો.

ગુરુજી તેની બેચેની જોઇને બધી વાતનો અંદાજો લગાવી ચુક્યા હતા. તેણે ગુરુજીને વિનમ્રતાપૂર્વક કહ્યું, ગુરુદેવ મેં તમારા દ્વારા આપવામાં આવેલા અરીસાની મદદથી જોયું કે બધાના દિલમાં જાત જાતના દોષ છે. કોઈ પણ દોષ રહિત સજ્જન મને હજુ સુધી કેમ નથી દેખાયો? ક્ષમા સાથે કહું છું કે સ્વયં તમારામાં અને મારા માતા પિતામાં મને દોષોનો ભંડાર દેખાયો. તેનાથી મારું મન ઘણું વ્યાકુળ છે.

ત્યારે ગુરુજી હસ્યા અને તેમણે અરીસો શિષ્યની તરફ કરી દીધો. શિષ્ય દંગ રહી ગયો. તેના પોતાના મનમાં દરેક ખૂણામાં રાગ-દ્વેષ, અહંકાર, ગુસ્સો જેવા દુર્ગુણ ભરેલા પડ્યા હતા. એવો કોઈ ખૂણો ન હતો જે નિર્મલ હોય.

ગુરુજી બોલ્યા દીકરા, આ અરીસો મેં તને તારા દુર્ગુણ જોઇને જીવનમાં સુધારો લાવવા માટે આપ્યો હતો, નહિ કે બીજાના દુર્ગુણ શોધવા માટે. જેટલો સમય તે બીજાના દુર્ગુણ જોવામાં લગાવ્યો એટલો સમય જો તે સ્વયંને સુધારવામાં લગાવ્યો હોત તો અત્યાર સુધીમાં તારું વ્યક્તિત્વ બદલાઈ ગયું હોત.
શિષ્યને પોતાની ભૂલનો અનુભવ થયો અને અરીસો ગુરુની પાસે મૂકીને ત્યાંથી જતો રહ્યો, અને પ્રતિજ્ઞા લીધી કે સૌથી પહેલા હું મારી અંદરના દુર્ગુણો દુર કરીશ.

લાઈફ મેનેજમેન્ટ : સુધારાની શરુઆત પોતાનાથી કરવી જોઈએ, નહિ કે કોઈ બીજાથી. હંમેશા લોકો બીજાની ભૂલો તો સરળતાથી જોઈ લે છે અને પોતાનામાં શું ભૂલો છે, તેના વિષે વિચાર નથી કરતા.