ગુરુએ શિષ્યને ઝરણાનું પાણી લેવા મોકલ્યો, પાણી ગંદુ હોવાથી તે ખાલી હાથે આવ્યો, પછી જે થયું તે જાણવું જોઈએ

0
844

જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. કેટલીકવાર પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની જાય છે તો ક્યારેક તે સરળ હોય છે. ઘણીવાર લોકો ભયંકર પરિસ્થિતિઓથી ભાગવાનો પ્રયાસ કરે છે અથવા ખોટો નિર્ણય લે છે. જ્યારે એવું ન કરવું જોઈએ.

જ્યારે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થાય, ત્યારે વ્યક્તિએ ધીરજ રાખવી જોઈએ અને સમય આવે ત્યારે યોગ્ય નિર્ણયો લેવા જોઈએ. આજે અમે તમને એવો જ એક પ્રસંગ જણાવવા જઈ રહ્યા છીએ, જેનો સાર એ છે કે વિષમ પરિસ્થિતિઓથી ગભરાવું નહીં અને આવનારા યોગ્ય સમયની રાહ જોવી જોઈએ.

જ્યારે ગુરુએ શિષ્યને પાણી લાવવા કહ્યું :

એકવાર ગુરુ તેમના શિષ્યો સાથે જંગલની વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા. ચાલતાં ચાલતાં ગુરુને તરસ લાગી. તેમણે પોતાના સૌથી પ્રિય શિષ્યને કહ્યું કે, “નજીકમાં એક ઝરણું છે, ત્યાં જઈને પાણી લાઈ આવ.”

ગુરુના કહેવાથી તે શિષ્ય તેમણે જણાવેલ જગ્યાએ ગયો. ત્યાં તેણે જોયું કે ઝરણાનું પાણી ખૂબ જ ગંદુ હતું. આ જોઈને તે પાછો ફર્યો અને ગુરુને ગંદા પાણી વિશે જણાવ્યું. અને સાથે સાથે એ પણ કહ્યું કે “હું બીજા કોઈ ઝરણામાંથી પાણી લાવું છું.”

ગુરુએ કહ્યું, “અહીં આસપાસ પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી. તો તું ફરી એ જ ઝરણા પાસે જા. અત્યાર સુધીમાં એનું પાણી ચોખ્ખું થઈ ગયું હશે. જા ત્યાં જઈને પાણી લઈ આવ.”

શિષ્ય ફરી એ જ ઝરણા પાસે ગયો, પણ પાણી હજી ડહોળું જ હતું. તે ફરીથી તેના ગુરુ પાસે ગયો. થોડો સમય રોકાયા પછી, ગુરુએ ફરીથી શિષ્યને તે જ ઝરણા પાસે પાણી લેવા મોકલ્યો. પણ આ વખતે પાણી થોડું ચોખ્ખું હતું, પણ પીવાલાયક ન હતું. જ્યારે શિષ્યએ થોડીવાર રાહ જોઈ, ત્યારે પાણી ચોખ્ખુ અને પીવાલાયક થઈ ગયું.

શિષ્ય પાત્રમાં પાણી ભરીને ગુરુ પાસે પાછો ગયો. ગુરુએ શિષ્યને પૂછ્યું કે, “આ વખતે તેં ઘણો સમય લીધો.”

શિષ્યએ કહ્યું, “આ વખતે જ્યારે હું ઝરણા પાસે ગયો ત્યારે પાણી થોડું ચોખ્ખું હતું, પણ પીવા યોગ્ય નહોતું. પાણી સંપૂર્ણપણે સાફ ન થાય ત્યાં સુધી મેં રાહ જોઈ, ત્યાર બાદ હું પાણી લાવી શક્યો.”

ગુરુએ શિષ્યને સમજાવ્યું કે, “જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિ પણ આવે છે જ્યારે આપણને કોઈ રસ્તો સૂઝતો નથી. ત્યારે સંજોગોને સમજીને ધીરજથી કામ લેવું. અને જ્યારે સંજોગો અનુકૂળ હોય ત્યારે યોગ્ય નિર્ણયો લેવા જોઈએ.
શિષ્ય ગુરુની વાત સમજી ગયો.

નિષ્કર્ષ એ છે કે, જીવનમાં જ્યારે પણ કોઈ મુસીબત આવે ત્યારે તેનાથી ભાગવું ન જોઈએ. પરિસ્થિતિ સુધરવાની રાહ જોવી જોઈએ, ત્યારપછી કોઈ નિર્ણય લેવો જોઈએ. ઉતાવળમાં લીધેલા નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે.