શિષ્યોની પરિક્ષા લેવા ગુરુએ તેમને તિક્ષ્ણ પથ્થરો પર દોડાવ્યા, પછી જે થયું તે આપણે સમજવા જેવું છે

0
762

ભાગદોડ વાળા આ જીવનમાં દરેક વ્યક્તિ આગળ વધવા માંગે છે. પછી ભલે તેના માટે તેણે કાંઈપણ કરવું પડે. દરેક વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થ પૂરા કરવામાં વ્યસ્ત છે. પોતાની આસપાસ રહેતા લોકો વિશે કોઈ વિચારતું પણ નથી.

આપણા સ્વાર્થના કારણે આપણે આપણી આવનારી પેઢીને માત્ર સ્વાર્થી બનવાનું શીખવીએ છીએ, લોકોને મદદ કરવાનું નહિ. આ સ્થિતિ ભવિષ્ય માટે મુશ્કેલી ભરેલી સાબિત થઈ શકે છે. આજે અમે તમને એક એવો પ્રસંગ જણાવવા જઈ રહ્યા છીએ જે બીજાના વિષે વિચારવાના ગુણ બાબતે સમજાવે છે.

ગુરુએ પોતાના શિષ્યોની લીધી પરીક્ષા :

એક ગામમાં એક આશ્રમ હતો. ત્યાં ગુરુ શિષ્યોને શિક્ષણ આપતા હતા. એક દિવસ વર્ષોથી ભણી રહેલા શિષ્યોના એક જૂથનું શિક્ષણ પૂરું થઈ રહ્યું હતું અને બધા પોતપોતાના ઘરે પાછા જવાની તૈયારી કરી રહ્યા હતા. જતા પહેલા ગુરુએ બધા શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા.

બધા શિષ્યો આવ્યા અને તેમની સામે ભેગા થયા. ગુરુએ બધા શિષ્યોને કહ્યું કે “આ આશ્રમમાં આજે તમારો છેલ્લો દિવસ છે. હું ઈચ્છું છું કે તમે બધા અહીંથી જતા પહેલા દોડમાં જોડાઓ. આ એક વિઘ્ન દોડ છે, જેમાં તમારે વિવિધ પ્રકારની અડચણોનો સામનો કરવો પડશે. શું તમે બધા આ દોડમાં ભાગ લેવા તૈયાર છો?”

“અમે તૈયાર છીએ.” બધા શિષ્યો એક સ્વરમાં બોલ્યા.

દોડ શરૂ થઈ. બધા ઝડપથી દોડવા લાગ્યા. તમામ અડચણોને પાર કરીને આખરે તેઓ એક સુરંગ સુધી પહોંચ્યા. સુરંગમાં ખૂબ જ અંધારું હતું. જ્યારે શિષ્યો સુરંગમાં ભાગવા લાગ્યા ત્યારે તેમને દરેક જગ્યાએ તીક્ષ્ણ પથ્થરો મળ્યા. તે પથ્થરો તેમના પગમાં વાગવા લાગ્યા અને તેમને અસહ્ય દુ:ખાવો થવા લાગ્યો, પરંતુ તેમણે કોઈ પણ રીત દોડ પૂરી કરવી હતી એટલે તેઓ દુઃખાવો સહન કરી દોડ પૂરી કરીને ગુરુ પાસે પહોંચી ગયા.

ગુરુએ તેમને પૂછ્યું, “શિષ્યો, તમારામાંથી કેટલાકને દોડ પૂરી કરવામાં વધુ સમય લાગ્યો અને કેટલાકને ઓછો સમય લાગ્યો, આવું કેમ?”

જવાબમાં એક શિષ્યએ કહ્યું, “ગુરુજી! અમે બધા સાથે દોડી રહ્યા હતા. પરંતુ સુરંગમાં પહોંચ્યા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. કેટલાક લોકો બીજાને ધક્કો મારીને આગળ નીકળવામાં વ્યસ્ત હતા તો કેટલાક લોકો ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. કેટલાક એવા હતા જેઓ રસ્તામાં પડેલા પથ્થરો ઉપાડીને પોતાના ખિસ્સામાં રાખી રહ્યા હતા, જેથી પાછળથી આવનારાઓને કોઈ તકલીફ ન પડે, તેથી બધાએ અલગ-અલગ સમયે દોડ પૂરી કરી.

એ શિષ્યની વાત સાંભળીને ગુરુએ કહ્યું, “ઠીક છે. હવે એ લોકો આગળ આવો જેમણે રસ્તા પરના પથ્થરો ઉપાડ્યા છે. મને તે પથ્થરો બતાવો.”

ગુરુની વાત સાંભળીને કેટલાક શિષ્યો આગળ આવ્યા અને ખિસ્સામાંથી પથ્થર કાઢવા લાગ્યા, પરંતુ તેમણે જોયું કે તેઓ જેને પથ્થર માનતા હતા તે ખરેખર કિંમતી હીરા હતા. બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને ગુરુ તરફ જોવા લાગ્યા.

ગુરુ બોલ્યા – “હું જાણું છું કે તમે આ હીરા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છો. મેં જ આ હીરા સુરંગમાં મૂક્યા હતા. આ હીરા એ શિષ્યો માટે મારું ઈનામ છે જેમણે બીજાનો વિચાર કર્યો. શિષ્યો, આ દોડ જીવનના ધસારાને રજૂ કરે છે, જ્યાં દરેક વ્યક્તિ કંઈકને કંઈક મેળવવા માટે દોડે છે, પરંતુ અંતે ધનિક તે જ ગણાય છે જે આ દોડધામમાં બીજા વિશે વિચારે છે અને બીજાનું ભલું કરે છે.

લાઈફ મેનેજમેન્ટ : આજના સમયમાં દરેક વ્યક્તિ બીજા કરતા આગળ નીકળવા માંગે છે, તેના માટે તેઓ દરેક પ્રકારની યુક્તિઓ પણ અપનાવે છે. પણ એવી સફળતાનો શું અર્થ જ્યારે સફળતા પછી તમારો સાથ આપવા માટે કોઈ ન હોય. તેથી આગળ વધવાનું તો વિચારો જ, પણ બીજાના હિતોનું બલિદાન ન આપો.