અહીં આવેલું છે એશિયાનું સૌથી ઊંચું શિવ મંદિર, અહીંના પથ્થરોમાંથી આવે છે ડમરુ જેવો અવાજ.
મહાશિવરાત્રીના શુભ અવસર પર લોકો શિવ મંદિરો અને શિવાલયોમાં દર્શન માટે જાય છે. ભારતમાં આવા અનેક શિવ મંદિરો છે, જેનો ઈતિહાસ ઘણો ઊંડો છે. આ મંદિરો સાથે પૌરાણિક કથા જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરોના દર્શન કરવાથી દરેક મનોકામના પૂરી થાય છે. આજે અમે તમને આવા જ એક શિવ મંદિર વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જેને એશિયાનું સૌથી ઉંચુ મંદિર કહેવામાં આવે છે. આ મંદિરમાં લોકો દૂર-દૂરથી મહાકાલના દર્શન કરવા આવે છે. મંદિરનું નામ જટોલી શિવ મંદિર છે અને તે હિમાચલમાં આવેલું છે.
ભગવાન શિવનું આ મંદિર પોતાના ચમત્કારો તેમજ પોતાની શક્તિઓ માટે પણ ઘણું પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે આ મંદિરના પથ્થરોને થાબડવા પર ડમરુ જેવો અવાજ આવે છે. આવો હવે, વિલંબ કર્યા વિના તમને હિમાચલમાં સ્થિત આ શિવ મંદિર વિશે જણાવીએ.
મહાશિવરાત્રી પર ભક્તોની ભીડ જામે છે :
આ મંદિરને એશિયાનું સૌથી ઊંચું શિવ મંદિર માનવામાં આવે છે. તે હિમાચલ પ્રદેશના સોલન શહેરથી લગભગ સાત કિમી દૂર છે. મહાશિવરાત્રીના દિવસે દૂર-દૂરથી ભક્તો અહીં આવે છે. જટોલી શિવ મંદિર દક્ષિણ-દ્રવિડિયન શૈલીમાં બનાવવામાં આવ્યું છે. મંદિરનું ભવન એ નિર્માણ કળાનો સુંદર નમૂનો છે.
મંદિરની માન્યતા શું છે?
કહેવાય છે કે ભગવાન ભોલેનાથ આ મંદિરમાં થોડા સમય માટે રહ્યા હતા. એ પછી સ્વામી કૃષ્ણ પરમહંસે અહીં તપસ્યા કરી હતી. તેમના માર્ગદર્શન હેઠળ મંદિરનું નિર્માણ થયું હતું. આ મંદિરને બનાવવામાં 39 વર્ષ લાગ્યા હતા.
એવી પણ માન્યતા છે કે પહેલા આ જગ્યાએ પાણીની ઘણી સમસ્યા રહેતી હતી. આ સમસ્યાને દૂર કરવા માટે સ્વામી કૃષ્ણાનંદ પરમહંસે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. તેનાથી પ્રસન્ન થઈને શિવજીએ પોતાના ત્રિશૂળથી તે જગ્યા પર જમીન પર પ્રહાર કર્યો ત્યાંથી પાણી નીકળવા લાગ્યું. તે દિવસથી આજ સુધી આ સ્થળે પાણીની અછત થઈ નથી.
મંદિરની રચના કેવી છે?
જો જટોલી મંદિરની રચનાની વાત કરીએ તો આ મંદિરનો ગુંબજ 111 ફૂટ ઊંચો છે. ભગવાન શિવના મંદિરમાં પ્રવેશવા માટે ભક્તોએ 100 પગથિયાં ચઢવા પડે છે. મંદિરની બહારની બાજુએ ચારેબાજુ અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. મંદિરની અંદર એક સ્ફટિક રત્ન શિવલિંગ છે. આ સાથે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવે છે. આ સાથે મંદિરના ઉપરના છેડે 11 ફૂટ ઉંચો વિશાળ સોનાનો કળશ રાખવામાં આવ્યો છે. મંદિરનું ભવન જોવા લાયક છે.
આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.