આનંદ :
– માણેકલાલ પટેલ
થોડા મહિના પહેલાં જ પરેશની બદલી આ શહેરમાં થઈ હતી.
એ નોકરીએથી થાક્યો પાક્યો આવ્યો હોય તો પણ એ ચા તો એનાં બાની પાસે બેસીને જ પીતો. આ એનો રોજનો નિત્યક્રમ બની ગયો હતો. સંજના કહેતી : ” પછી નિરાંતે બા પાસે બેસતા હોય તો?”
પણ, પરેશ નોકરીએથી આવીને તરત જ બાને મળતો. એને એમની વાતો સાંભળવાની મજા આવતી. આજે તો એનાં બા ભૂતકાળની વાતોએ ચઢી ગયાં હતાં : ” તારા પપ્પા મને ફરવા ક્યાંય લઈ જ ના ગયા, બેટા?”
” કેમ ?”
” એમની નોકરી જ એવી હતી. વળી, તું અને સીમા ભણતાં હતાં. આજ- કાલ, પછી, આવતા વર્ષે એમ કરતાં કરતાં એ તો આ દુનિયા છોડીને ચાલ્યા પણ ગયા.”
” ઓહ..” પરેશે પૂછ્યું : ” બા, તો તો તમારી ઈચ્છા……”
” હા, બેટા ! મને એ હિમાલય, ગિરનાર, પાવાગઢ જેવા સ્થળે લઈ જવા ઈચ્છતા હતા. એ કહેતા હતા કે ત્યાંના ડુંગરો અને ચારે તરફ ફેલાયેલી હરિયાળી જોઈએ એટલે દિલ બાગબાગ થઈ જાય.” અને એમણે નિ:સાસો નાખતાં કહ્યું : ” હવે તો હું સિત્તેરે પહોંચી. પગ પણ થાક્યા છે. નસીબમાં નહિ હોય, બીજું શું?”
પરેશ એમના ચહેરા પર તરવરતા અસંતોષને અનુભવી રહ્યો.
આ વાતને થોડો સમય વીત્યા પછી ચોમાસુ શરૂ થયું.
એક દિવસ પરેશે કહ્યું : ” બા ! ચાલો, આજે તો બહાર ફરવા જઈએ.”
એ સંજના અને એનાં બાને ગાડીમાં બેસાડી એના શહેરથી ત્રણેક કિલોમીટર દૂર એક ટેકરી હતી તેની તળેટીમાં લઈ આવ્યો. ગાડી ત્યાં પાર્ક કરી. એણે અને સંજનાએ એનાં બાને ધીરેધીરે છેક ટેકરી પર ચઢાવ્યાં.
ડુંગરની ટોચ પર પહોંચ્યાં ત્યારે ત્યાંની હરિયાળી જોઈ એનાં બા હરખાઈને બોલી ઉઠ્યાં : ” મોટા ડુંગર પર ચઢવાનો આનંદ પણ આવો જ હશે ને, પરેશ?!”
ત્યારે એનાં બાના ચહેરા પર ઉપસી આવેલી સંતોષની રેખાઓ નિહાળી પરેશ પણ આનંદમાં આવી ગયો.
– માણેકલાલ પટેલ (અમર કથાઓ ગ્રુપ)