પૂર્વજોનું જ્ઞાન અને આજના યુવાઓની લાલચ : કોઈ દિવસ કોઇની મજબૂરીનો ફાયદો ઉઠાવવો નહીં.

0
580

મનોહરભાઈનું સુખી અને શાંત પરિવાર હતું. તેઓ પોતાના પિતા દ્વારા ચાલતી સાડીની દુકાનમાં વેપાર કરતા હતા. પિતાએ જે રીતે ધંધો કરતા શીખડાવ્યુ તેવી જ રીતે મનોહરભાઈએ ધંધો કર્યો અને સાડીના માર્કેટમાં તેમની દુકાનનું નામ બનાવ્યું. હવે તેમનો દીકરો નિકુંજ પણ આ ધંધામાં જોડાયો.

આજના આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજીના કારણે બાળકો ધંધામાં કંઈક નવું કરતા રહે છે. નિકુંજ પણ કંઈક નવું કરતો રહેતો હતો.

એક દિવસ મનોહરભાઈ અને તેમનો દીકરો નિકુંજ પોતાના નક્કી કરેલા સમયે દુકાન બંધ કરીને તાળું લગાવી રહ્યા હોય છે, ત્યારે અચાનક એક રીક્ષા વાળો આવે છે અને કહે છે, મહેરબાની કરીને તમે થોડા સમય માટે દુકાન ખોલો. આજે મારી પત્નીનો જન્મ દિવસ છે, એટલે હું તેને તેની મનપસંદ સાડી ગિફ્ટ આપવા માંગુ છું.

નિકુંજ : માફ કરજો. આજે પહેલાથી જ અમે મોડેથી દુકાન બંધ કરી છે, ફરી તમારા માટે દુકાન ખોલશું તો વધારે લેટ થઈ જશે.

રિક્ષા વાળો : મારે જે સાડી લેવી છે તે મને ખબર છે, ફક્ત પૈસા આપીને લેવાની જ છે.

મનોહરભાઈ : નિકુંજ, દુકાન ખોલીને તેમને સાડી આપી દે.

રિક્ષાવાળો ભાઈ સાડી લઈને બિલ બનાવવા માટે કાઉન્ટર પર આવ્યો.

નિકુંજ : ૬૫૦ રૂપિયા થયા ભાઈ.

રિક્ષાવાળો : સવારે તમારા કર્મચારીએ આ જ સાડીના ૫૦૦ રૂપિયા કીધા હતા.

નિકુંજ : એ તમે બીજી કોઈ પેટેન્ટ વાળી સાડી જોઈ હશે અથવા મારા કર્મચારીએ ભૂલથી ૫૦૦ રૂપિયા કહી દીધા હશે. જો તમારે લેવી હોય તો લો નહીં તો રહેવા દો. અને હમણાં કોઈ કર્મચારી પણ નથી એટલે તમને બીજી કોઈ સાડી પણ બતાવી શકીશું નહીં.

રિક્ષાવાળાએ પૈસા આપી દીધા અને જવા લાગ્યો.

મનોહરભાઈ આ બધુ જોઈ રહ્યા હતા. તેમણે રિક્ષાવાળાને રોક્યો અને કાઉન્ટર તરફ લઈ ગયા.

મનોહરભાઈ : મારા દીકરાથી ભૂલ થઈ ગઈ છે. ૬૫૦ વાળી સાડી બીજી છે આ ૫૦૦ વાળી છે. અને આ સાડી પર ૧૦ ટકા ડિસ્કાઉન્ટ પણ છે. નિકુંજ ગલ્લામાંથી ૨૦૦ રૂપિયા કાઢીને આ ભાઈને આપી દે.

રિક્ષાવાળો સાડી અને પૈસા લઈને ખુશ થઈને ત્યાંથી નીકળી ગયો.

નિકુંજ : પપ્પા, મને ખબર હતી કે સાડી ૫૦૦ રૂપિયાની છે. પણ તેમણે દુકાન ફરીથી ખોલાવડાવી એટલે મેં વધારે પૈસા લીધા, અને તમે વધારાના ૫૦ રૂપિયા ઓછા કરીને સાડી આપી દીધી.

મનોહરભાઈ : તારા દાદાએ અને મેં આજ સુધી જે નામ કમાયું છે તે આજે તું ફક્ત ૧૫૦ રૂપિયા માટે ગુમાવી દેત. આ દુકાન ફક્ત પૈસા કમાવા માટે નહીં, પણ નામ કમાવા માટે પણ ખોલી છે. આજે જો તે રિક્ષાવાળો ૬૫૦ રૂપિયામાં સાડી લઈ જતો રહેતે તો પછી ક્યારેય તે આપણી દુકાનમાં ખરીદી કરવા આવતે નહીં. અને આપણા વિષે ખરાબ વાતો કરતે અને પોતાના સંબંધી, પાડોશી, મિત્રો અને ગ્રાહકોને આપણી દુકાનમાં ન આવવાની સલાહ આપતે.

તે સવારે જ સાડી પસંદ કરી ગયો હતો અને સવારથી લઈને અત્યાર સુધી તેના માટે પૈસા ભેગા કરવામાં લાગી ગયો હતો. તેના આખા દિવસની મહેનતના બદલે તારી ફરી એક વખત દુકાન ખોલવાની મહેનત માટે ૧૫૦ રૂપિયા યોગ્ય નથી.

મેં દુર ઉભા રહીને જોયું કે ૬૫૦ રૂપિયા કાઢ્યા પછી તેની પાસે ચિલ્લર સિવાય કાંઈ બચ્યું ન હતું. એટલા માટે મેં તેને ૧૦ ટકા ડિસ્કાઉન્ટ આપ્યું, જેથી તે બાળકો માટે કંઇક ખાવાનું લઇ શકે. સાંભળ દીકરા, ભલે નફો થોડો ઓછો મળે પણ ક્યારેય પણ કોઇની મજબૂરીનો ફાયદો ઉઠાવવો નહીં.

– દીપક મેટકર.