ટપાલી વિઠલે થેલામાંથી નિકળેલ ટપાલો વારાફરતી આવતી શેરીઓ પ્રમાણે ગોઠવી લીધી.. એક પરબીડિયું અલગ રાખ્યું હતું , તે પોસ્ટમાસ્તર કનુભાઈના ટેબલ પર મુક્યું.. મુછમાં હસતાં બોલ્યો.. ” સાહેબ , આ જુઓ..”
કનુભાઈએ પરબીડિયા પર લાલ નોંધ વાંચી .. ‘સ્વિકારવાની ના પાડે છે. મોકલનારને પરત’.. તપાસતાં અંદર રાખડી હોય તેમ લાગ્યું.. નામ સરનામા વાંચ્યા.. મોકલનાર ‘આશાબેન મોહનલાલ’ પોતાની શેરીમાં રહેતા હતા..
એને આખી વાત સમજાઈ ગઈ.. આશાએ પોતાના ભાઈને રાખડી મોકલી હતી , તે પરત આવી છે.. લોકોમાં થતી વાતો પરથી એને ખબર હતી કે આશાના પિતાની કેટલીક જમીન ડેમના બાંધકામમાં ગઈ હતી , તેના વળતરનો વિવાદ ચાલતો હતો.. વરસો પછી એનું નિરાકરણ આવ્યું હતું.. અને ભાઈને મોટી રકમ મળી હતી.. જતી વખતે પિતાએ કહેલ હતું કે વળતર આવે ત્યારે બેનને રાજી કરજે..
ભાઈનું ઘરમાં ઉપજે નહીં.. ભાભીએ નાનકડી રકમની વાત કરી.. આ તરફ મોહન પણ જીદ્દી હતો.. એ રકમ સ્વિકારવા દીધી નહીં.. આશાનું ઘર પૈસે ટકે સામાન્ય હતું.. એટલે થોડી સારી રકમની માંગણી પણ વ્યાજબી હતી.. વિવાદ વકર્યો.. અને રાખડી પાછી મોકલવા સુધી પહોંચી ગયો..
કનુભાઈએ વિચાર્યું.. સામાન્ય રીતે આવી ટપાલ પાછી આવે નહીં.. પણ સામાવાળાએ પોસ્ટ ઓફીસમાં દબાણ લાવીને મોકલી હશે..
કનુભાઈ રોંઢે ઘરે આવ્યા.. ચા પાણી પીયને આરામ કરવા આડા પડ્યા.. પત્ની શોભનાને બોલાવી, પરબીડિયું બતાવી વાત કરી..
શોભના બોલી ..” આશાબેન હમણાં બિમાર છે.. પોતાની ભાભી અને પતિની જીદ વચ્ચે ભીં સાઈ ગયા છે.. મનોમન ઘણા દુખી છે.. આ પરબીડિયું જોઈ બિચારીની કેવી હાલત થશે..?”
પાસે બેસી પતિનું માથું હળવે હળવે દાબતાં એ બોલી.. ” સો રુપિયા તો વાપરવામાં ક્યાંય ઉડી જાય.. આ પરબીડિયું એને પાછું ના આપો તો સારું.. તમે સો રુપિયા આપી આવજો.. ખોટું બોલજો.. કે તમારા ભાઈએ મોકલ્યા છે.. “
કનુભાઈ પત્નીના ચહેરાને ટીકીટીકીને જોવા લાગ્યા..
એ જરા હસી , બોલી.. ” આમ શું જુઓ છો..? જાણે કોઈદી મને જોઈ ના હોય..”
” શોભા , તું પરણીને આવી .. તે દિવસ કરતાં આજ વધારે રુપાળી લાગે છે..”
પતિ પત્નીએ જઈને આશાબેનના ખબર અંતર પુછ્યા.. સો રુપિયા આપ્યા..
આશાએ પોતાના પતિ તરફ જોઈને કહ્યું.. ” ગમે તેમ તોય .. મારો આ ભાઈ તો છે ને..”
પરબીડિયામાંથી નિકળેલ ” રાખડી ” .. કનુભાઈએ પોતે બાંધી લીધી હતી..
– જયંતીલાલ ચૌહાણ ૨૬-૭-૨૧