“વીરડાનાં વરદાન” : ખારાપાટ વાળા ભટ્ટવદરમાં શ્રીજી મહારાજ દ્વારા મીઠું પાણી કાઢવાનો ચમત્કારી પ્રસંગ.

0
436

પ્રસંગસ્થાન : ભટ્ટવદર, જાફરાબાદ (અમરેલી)

ભટ્ટવદર ગામ એટલે દાદા ખાચર નું સાસરું અને એમના લગ્ન સમયનો આ પ્રસંગ છે. બધા ન્યાતીલાઓ ભટ્ટવદર આયા અને કહે, “તમે સમાચાર મોકલ્યા એટલે આયા છીએ. સાંભળ્યું છે કે ગઢપૂર થી શ્રીજી મહારાજ આવી રયા છે. અને તમે દીકરીબાનાં લગન લખી દેવાનાં છો. ઈ સાચી વાત ?”

“હા ભાઇ ! દીકરી જસુબાને, ગઢપૂરમાં દાદા ખાચરને દીધાં, એટલે ન્યાત ના રિવાજે વેવાઇ લગન લેવા પોતે આવતા હોય છે. પણ આપણે ત્યાં તો વેવાઇને બદલે શ્રીજીમહારાજ પોતે આવી રયા છે ! ધન્ય ભાગ્ય આપણાં…!’‘

“એમાં તો કાંઇ જ ખોટું નથી, આપા નાગપાલ ! પણ પાણીનું શું કરીશું? આપણું ભટ્ટવદર તો ખારાપાટનું ગામ ! તળમાં મીઠાં પાણીનો છાંટો ય નથી ! તમો જાનને પાણી કઇ રીતે પાશો? એકલાં માણસ હોય તો પહોચી વળાય ! પણ જાનમાં તો ગાડાનાં બળદો, ઘોડા, ઊંટ અને હાથી પણ આવશી ! ઓછામાં ઓછાં પાંચસો જેટલા તો પશુઓ જ હશે. આટલાં બધાં જાનવરોને પાણી પાવાની વાત, હથેળીનો ગોળ નથી હો, આપા !”

અને વાતને લઈને સૌવ મૂંઝાઇ ગયા. ત્યાં સમજદાર માણસે સમાધાન દેખાડ્યું, “આપા ! આપણે એમ કરીએ કે, લગન આપણે રૂડી રીતે લખી દઇએ. પછી મહારાજ પાસે પાણીનો પ્રશ્ન મૂકવો કે, અમારી આ મૂંઝવણનો ઉકેલ આપ જ કરી આપો. આખી જાનને અમે પરંપરા મુજબ સરસ રીતે સાચવશું. સાત પકવાન જમાડીશું. પણ મહારાજ ! પાણી માટે નું કાઈંક કરો !.

વાહ વાહ સાથે બેઠકમાં આ સમાધાનને વધાવી લીધું. “ભારે રસ્તો કાઢ્યો, તમે તો ! પાણી જેવી ચીજ માંગવામાં કોઈ જ વાંધો નથી.”

મળસ્કે મહારાજને તેડવા માટે શણગારેલા બળદવાળા ચાર ગાડાં સામે મોકલ્યાં. અને વાજતે ગાજતે શ્રીજી મહારાજ ભટ્ટવદર પધાર્યા. શુભ ચોઘડિયે લગન લખવા માટે બાજોઠ ઢળાયા. ગોર મહારાજ પણ આવી ગયા. અને કાઠી રિવાજ પ્રમાણે ઓસરીમાં દાયરો ભરાયો. નિર્વિધ્ને લગ્ન ય લખાઇ ગયાં. પણ ઈ વખતે ત્યાં પાણીની વાત કરવા કોઇની હિંમત જ નો થઈ. સૌ મૂંઝાતા કે, રજૂઆત કેવી રીતે કરીએ?

પણ શ્રીજી મહારાજ સૌની મૂંઝવણ પામી ગયા અને સામે થી કીધું “બોલો દરબાર ! અમારા માટે કાંઇ કામકાજ હોય તો ખુશી થી જણાવો ! તમે અમારા વેવાઇ થાવ છો. અમારે તમને બધી રીતે ઉપયોગી થવું જોઇએ..!”

દરબાર કહે, “મહારાજ ! આપને બીજું તો શું કામકાજ સોંપવાનું હોય? આપનાં પગલાં, અમારે આંગણે થયાં છે. ઇ જ અમારા ધનભાગ્ય. પણ બીજી નાની એક મૂંઝવણ છે. કહેતાં જીવ જ નથી હાલતો..”

મહારાજ કહે, “પણ જણાવો તો ખરાં, શાની મૂંઝવણ છે?”

દરબાર કહે, “મહારાજ ! અમારો આ આખો વિસ્તાર ખારાપાટનો છે. જાફરાબાદનો દરિયો નજીક હોવાથી અમારી ધરતીમાં ખારાસ ઊંડે સુધી ગઈ છે. અમારા ગામમાં મીઠું પાણી ક્યાય પણ નથી. બીજું તો બધુ ઠીક. પણ, પાણી વિના અમે શું કરી શકીશું?”

મલકાઇ ને મહારાજ કહે, “અચ્છા, તો મુંજવણ પાણીની છે. એમ ને? તો પાણી, અમે લેતા આવીશું..!”

દરબાર કહે, “અરે, પણ મહારાજ ! જાન કેવી રીતે, પાણી લઇને આવે? અને લેતા આવે, તો કાંઇ સારું લાગે? અમારી કેટલી ટીકા થાય.”

અને મહારાજ ગભીર થઈને કહે, “એવું ના હોય. તમારી ટીકા તો ત્યારે થાય કે, ભોજન અમે લઇને આવીએ ! આમાં ટીકા શાની થાય? કોઈ જાતરાએ જાય ત્યારે પાણી સાથે લઈને જતાં જ હોય છે ને !’

દરબાર કહે, “પણ મહારાજ ! છેક ગઢપુર થી અંહિયા સુધી પાણી કેવી રીતે આવશે?”

‘તમે આની ચિંતા નઈ કરો’ એમ કહીને મહારાજ લગ્નોતરી લઇને ગઢડે પહોંચ્યા. અને દાદા ખાચરના લગ્નોત્સવ નિમિત્તે ત્રણ દિવસ પહેલા ગઢડાથી ભટ્ટવદર જવા રવાના થઈ.

વિસામો, ભોજન અને રાતમુકામ કરતાં ત્રીજા દિવસની વહેલી સવારે ભટ્ટવદર પહોચ્યા. એ વખતે સાઇઠેક જેટલા માણસની વસ્તી ધરાવતું ભટ્ટવદરખૂબ જ નાનું ગામ હતું. પાંચસો જાનૈયા સાથે બળદગાડાં, ઘોડા, ઊંટ અને એક હાથીથી આખાય ગામની વસ્તી ઘેરાઇ ગઇ.

પાદરના વડલે હાથી બાંધ્યો.. ચાકળા નખાયા. વાજિંત્રો વાગ્યાં અને લગ્ન ગીતોની ઝંકોળ બોલી. માંડવેથી જાનૈયાઓ માટે કિઢયેલ દૂધનાં બોઘરાં આયા. અને સ્વાગત કરતા કરતા માંડવિયા ઝીણી નજરે જોવા લાગ્યા કે, “શ્રીજી મહારાજ…….

પાણી અમે લેતા આવીશું…..

તો પાણી ક્યાં છે ? આજુ બાજુ, આગળ પાછળ બધે જોઇ વળ્યા પણ ક્યાંય પાણીનો ટાંકો કે કોઠી કે પખાલ દેખાયાં જ નઈ !

અને ફફડતા જીવે દરબારને ખબર આપ્યા કે, જાનવાળા પાણી નથી લાવ્યા. અને માંડવેથી બે ચાર મોટેરાને સાથે લઇને આપા, શ્રીજી મહારાજ પાસે પહોંચ્યા, “મહારાજ ! પાણી નથી. આપ પાણી સાથે લાવ્યા છો?’

મહારાજ કહે, “દરબાર ! પાણી તો તમારા ગામની ધરતીમાં જ છે. પછી અમારે શું કામ સાથે લાવવું જોઈએ?’

દરબાર કહે, ‘અરે મહારાજ ! આ ધરતીમાં તો ખારો ઉસ દરિયો જ છે. ઇ ખારું પાણી કેવી રીતે પીવાય?”

અને મહારાજ કહે, “તમે તીકમ અને પાવડો લઇને મારી સાથે આવો. હું તમને મીઠું પાણી દેખાડું છું.’

અને મહારાજ પોતે ઊભા થયા. અને માંડવિયા તીકમ પાવડો લઇ આવ્યા. પછી મહારાજ ભટ્ટવદર ગામની દક્ષિણે જઇને ઊભા રયા. થોડી વાર જમીનમાં નિરીક્ષણ કરીને, તીકમ પોતાના હાથમાં લઈ ને ખોદવાનું ચાલુ કર્યું.

આ અદ્દભુત લીલા લોકો નવાઈ અને રમૂજથી જોઈ ર’યા કે, મહારાજ પણ ખરા છે ને? તરસ લાગી ત્યારે કૂવો ખોદવા મંડ્યા. થોડીવારમાં તીકમ ચલાવીને, મહારાજે બીજાને કીધું, “તમે થોડું ખોદો. હવે પાણી આવવાની તૈયારી છે. ભગવાનની કૃપાથી ઘણું બધું પાણી નીકળશે..!”

અને ઈ વીરડો માંડ બે હાથ જેટલો ઊંડો થયો કે, સુસવાટ કરતું પાણી આવ્યું ! એકાદ બે મિનિટ માં તો આખો વીરડો છલકાઇ ગયો. પછી સૌએ પાણી ચાખ્યું તો, એકદમ મીઠું ટોપરા જેવું ચોખ્ખું અને નિર્મળ પાણી…!

આખા ગામમાં આ ચમત્કારની વાત ફેલાઇ ગઇ, અને થોડી જ વારમાં તો હર્ષઘેલા માણસો ના ટોળાં ભેગા થઈ ગયા. અને મહારાજે, નિષ્કુળાનંદ સ્વામીના હાથે વીરડાને કાંઠે હનુમાનજીની મૂર્તિ પધરાવી. અને વરદાન આપ્યું, “આ જળ ક્યારેય ખૂટશે નહીં. હમેશા અખૂટ જ રહેશે ! ભગવાનમાં શ્રદ્ધા રાખજો…!”

નાનકડા એવા ભટ્ટવદર ગામની ચારેય છેડા વચ્ચે ની ધરતીમાં ક્યાંય પણ, મીઠું પાણી નહોતું. અને આ વીરડામાં ગંગાજળ સમુ મધુર પાણી જોઇને લોકોએ મહારાજના પરચાનો દિવ્ય અનુભવ કર્યો. આ કારણે બધી બાજુ દાદા ખાચર ના લગ્નનો ઉત્સાહ પણ ડબલ થઈ ગયો.

આજે પણ આ મીઠી વીરડીના નામે ઓળખાતો એ કૂવો, ભટ્ટવદરના દક્ષિણ તરફના છેડા ઉપર મોજૂદ છે. એના પર ડંકી મૂકીને આખું ગામ આ અખૂટ જળનો લાભ લઈ રહ્યું છે.

જય શ્રી સ્વામિનારાયણ…!

– સાભાર વલ્લભ ઝડફિયા (અમર કથાઓ ગ્રુપ)