સુગંધનો શોખીન રાજા પાસેથી જયારે ફકીરે માંગી રાજાની સૌથી કિંમતી વસ્તુ, વાંચો રસપ્રદ સ્ટોરી.

0
411

એક હતો રાજા. તે સુગંધનો ભારે શોખીન. તેના મહેલમાં, ગામમાં અને આખા રાજ્યમાં સુગંધી ફૂલથી ભરપૂર બાગ-બગીચાનો પાર નહિ. રાજમહેલના અને રાજધાનીના નગરના તમામ ફુવારાઓમાં સુગંધભર્યું પાણી ઊડતું. રાજાના વસ્ત્રભંડારમાં સુગંધી પદાર્થની થેલીઓ એવી ચતુરાઈથી ગોઠવેલી હતી કે દરેક વસ્ત્ર સુગંધથી મહેકી ઉઠતી. રાજાના રસોડામાં પણ ચતુર રસોઈયાઓ નિત્ય નવીન વાનીઓમાંથી ભાત ભાતની સુગંધી નાંખી ખુશી કરતા. માથામાં સુવાસિત તેલ, ખુશબોદાર અત્તરોનું તો રાજમહેલમાં એક સંગ્રહસ્થાન જ હતું. સુગંધિત પુષ્પોનાં મોટાં મોટાં ઝાડ રાજાએ એવી રીતે ઉગાડ્યાં હતાં કે પવનની સાથે રાત-દિવસ સુવાસ રાજમહેલના દરેકદરેક ખંડમાં મહેક્યા કરે.

હવે આ સુગંધના શોખીન રાજાને એક વાર એવું બન્યું કે દરબાર ભરાયેલો છે, રાજા સિંહાસન ઉપર બેઠો છે, તેવામાં ત્યાં એક બૂઢો ફકીર આવ્યો. ફકીરના હાથમાં એક વિચિત્ર આકારની પેટી હતી. ફકીરે આવીને ન તો રાજાને નમન કર્યું કે ન તો સલામ કરી. જ્યારે પ્રધાનજીએ આ અવિનય તરફ ધ્યાન દોર્યું, અને રાજાને નમન કરવાનું સૂચવ્યું, ત્યારે તે બૂઢો ફકીર જરા હસ્યો ને બોલ્યો : ‘નમન તો માત્ર એક માલિકને જ કરું છું.’ પછી તે રાજા તરફ જોઈને બોલ્યો, ‘મારી પાસે અતિમૂલ્યવાન એવાં અત્તર છે – દરેકનો રંગ જુદો અને દરેકની સુગંધ જુદી છે. હું આજ સુધી દેશપરદેશ ફર્યો છું, પણ હજી સુધી એક પણ અત્તરની શીશી વેચી શક્યો નથી.’

‘તેનું કારણ ?’ નવાઈ પામી રાજાએ પૂછ્યું. ‘કારણ કે મારાં અત્તરની કોઈ કિંમત ચૂકવી શકતું નથી. તમે સુગંધના શોખીન છો, એમ સાંભળીને હું આજે તમારે આંગણે આવ્યો છું. મેં જોયું કે શહેરની બહાર તમે એક સુંદર નવો મહેલ બંધાવી રહ્યા છો. મારી પાસે એક એવું અત્તર છે, કે તેની એક શીશી તમારા ચાકડામાં ઢોળી નાંખશો, તો તમારા મહેલની આખી ઈમારત હરહંમેશ સુગંધથી મહેક મહેક થશે.’

‘સુગંધી મહેલ !’ રાજા તો હર્ષથી ઘેલો બની ગયો! તેણે અનેક રીતે સુગંધનો ઉપયોગ કર્યો હતો, પણ સુગંધી મહેલની તેને કલ્પના જ નહીં આવેલી. તેણે અધીરાઈથી ફકીરને પૂછ્યું : ‘બોલો, બાવા બોલો! તમારા અત્તરની શી કિંમત છે?’

પ્રધાનજી તથા ખજાનચી આ હકીકત સાંભળી વિમાસણમાં પડ્યા, કારણ કે આ ઘડીએ રાજા આખું રાજ્ય પણ વેચી મારે. એક અત્તરની શીશી ખરીદી લેશે એવી એમને બીક લાગી. ફકીર એકાગ્ર નજરે લાંબા વખત સુધી રાજાના ચહેરા સામે જોઈ રહ્યો, અને પછી ધીરા ગાઢા અવાજે તે બોલ્યો : ‘હે રાજા ! તારી કિંમતીમાં કિંમતી ચીજ તું મને આપે, તો આ શીશી તને આપી દઉં. પણ મને લાગતું નથી કે તું આ અત્તરનું મૂલ ચૂકવી શકે.’

સર્વ દરબારીઓ આશ્ચર્યચકિત બની ગયા ! આ તે કેવી માગણી ? હવે રાજા શું કરશે, તે જાણવા સૌનાં મન તલપાપડ થઈ રહ્યાં. રાજાએ ઘણા લાંબા વખત સુધી વિચાર કરીને જવાબ દીધો, ‘બાવા, તમે હાલ મારા મહેલમાં માનવંતા મહેમાન તરીકે રહો. હું પૂરેપૂરો વિચાર કરીને તમને જવાબ દઈશ.’

‘ભલે, પણ યાદ રાખજે કે તું દગો દઈશ, તો આ અત્તરની સુગંધ ઊડી જશે અને તે સાદુ પાણી બની જશે. તારી સૌથી વહાલી કિંમતી ચીજના બદલામાં જ આ અત્તર મળશે.’ એમ કહી તે ડોસાને પેલી પેટીમાંથી એક શીશી કાઢી તેમાં નારંગી રંગનું અત્તર જણાતું હતું. શીશી રાજાની ટચલી આંગળીથી વધારે મોટી નહિ હોય. રાજા તો વિચારમાં ગરકાવ બની ગયો, અને પ્રધાનજીએ દરબાર વિખેરી નાખ્યો. રાજાને ખરું પૂછો તો ખબર જ નહોતી કે પોતાને સૌથી કિંમતી કઈ ચીજ છે ! આજ સુધી તેને આવો વિચાર કરવાની જરૂર પણ ક્યાં પડી હતી? રાજાએ એટલું તો નક્કી કરી જ લીધું કે સૌથી કિંમતી ચીજ આપીને પણ અત્તર તો લેવું જ. સુગંધી મહેલમાં રહેવાની કેવી મઝા પડશે ! એવા મહેલમાં રહેવાને રાજાનું મન ઉત્સુક થઈ ગયું.

પણ એ પ્યારી કિંમતી વસ્તુ કઈ? રાણી? છોકરાં? રાજ્ય? ધનભરેલી તિજોરી? રાજાએ વિચાર કરવા માંડ્યો. ‘રાણી ઘણી વહાલી હતી, પણ ખરેખર જ શું તે સૌથી કિંમતી ચીજ ગણાય? રાણી ફકીરને આપી દેવી પડે તો? તો દુ:ખ તો ખૂબ જ થાય પણ રાજ્ય ચલાવવામાં, રાજબાળકોના સહવાસમાં અને સુગંધી મહેલમાં રહેવાથી રાણીની ખોટ અસહ્ય તો ન જ લાગે.

‘ત્યારે…. બાળકો? કેવા સુંદર બે બાળકો હતાં ! ગુલાબના ફૂલ જેવો બેટો ને જૂઈની કળી જેવી કુંવરી ! રાજાને ઘડીભર તો એમ જ થઈ ગયું, કે ખરેખર આ જ મારો કિંમતીમાં કિંમતી ખજાનો છે, તેમનાથી હું વિખૂટો ન જ પડી શકું ! જો બાવાને તેમની ભેટ આપવી પડે, તો બાળકોનો વિજોગ ન ખમાય… પણ પછી વિચાર આવ્યો. ધારો કે ન કરે નારાયણ ને કોઈ દુર્ભાગી ઘડીએ કોઈ એક અકસ્માત અથવા રોગનો ભોગ થઈ મારાં બાળકો મરી જાય તો? તો શું હું જીવી શકું? દુ:ખ કરું, શોક કરું, પણ ગમગીનીમાં રાજ્ય તો ચલાવું જ ને? અને હજી જુવાન છું, તે ભગવાન બીજાં બાળકો આપશે, એવી આશા પણ અન્તરને ખૂણે તો ખરી જ ને?’

‘ત્યારે રાજ્ય? સાચું પૂછો તો રાજ્ય પ્રત્યે મને એવો રાગ નથી. કુંવર મોટો થાય એટલે બધી રાજ્ય-લગામ એને સોંપી દેવાને તો હું ખૂબ તત્પર છું. ધનથી ભરેલી તિજોરી તો તદ્દન ક્ષણિક વસ્તુ છે. હું એવો મૂર્ખ નથી કે તેને મારા જીવનની સૌથી વધારે કિંમતી ચીજ માની બેસું.’ આ પ્રમાણે વિચારની પરંપરામાં રાજાએ આખો દિવસ પસાર કર્યો. સંધ્યાકાળે તે મંદિરમાં ગયો અને મધરાત સુધી ત્યાં તેણે પ્રાર્થના કરી. ભગવાન પાસે માંગ્યું કે, ‘પ્રભુ, મારી સૌથી વહાલી કિંમતી ચીજ કઈ છે તે મને સમજાવો.’

પાછલી રાતે રાજા પોતાના શયનખંડમાં ગયો. સુગંધી તેલના દીવા બળતા હતા. સુખડનો પલંગ અને સુવાસભર્યા રૂવાળી તળાઈમાં સૂતાવેંત જ રાજાને ઊંઘ આવી ગઈ. ઊંઘમાં રાજાએ પાંચ સ્વપ્નો જોયાં. રાજાની રાણી જાણે મરી ગઈ છે. રાજા ડાઘુવેશે સ્મશાનેથી પાછો આવે છે. તે ઘણો ગમગીન છે, પણ સર્વસ્વ ગુમાવ્યા જેવો તેને હૈયે શોક નથી. બીજા સ્વપ્નમાં રાજબાળકો અદશ્ય થઈ ગયાં છે. રાજા ગાફેલ બની શોધ કરાવે છે, ત્યાં રાજાની રાણી હાથમાં નવું જન્મેલું બાળક લઈને આવે છે. રાજા તે બાળકને રમાડવા મંડી પડે છે. ત્રીજા સ્વપ્નમાં રાજાએ જોયું કે પોતે રાજપાટ ગુમાવી બેઠો છે, પણ તેનો તો તેને જરાયે શોક નથી. ચોથા સ્વપ્નમાં રાજાએ જોયું કે રાજાની તિજોરી લૂંટાઈ ગઈ છે, પણ રાજા તો બેપરવાઈથી હસી રહ્યો છે.

પાંચમું અને છેલ્લું સ્વપ્ન બહુ વિચિત્ર આવ્યું. આકાશમાંથી જાણે એક લાંબો તેજવન્ત હાથ પૃથ્વી ઉપર લંબાઈ રહ્યો છે, અને તેની એક આંગળી બરાબર રાજાના નાક ઉપર અડકી રહી છે. આ સ્વપ્ન જોઈ રાજા ચમકી ઊઠ્યો. ખરેખર મારું નાક જ મારી સૌથી કિંમતી ચીજ છે, એમ રાજાને લાગી આવ્યું, અને પછી તરત રાજાની આંખ ખૂલી ગઈ. જ્યારે રાજા જાગ્યો, ત્યારે સવાર પડી ગઈ હતી. પૂર્વ દિશામાંથી નવા ઊગેલા સૂર્યનાં કિરણો, રાજાના શયનગૃહની બારીની નકશીદાર જાળીમાં થઈને રાજાના પલંગ ઉપર આવતાં હતાં. તેમાનું એક કિરણ સીધું રાજાના નાક ઉપર તેજ નાખી રહ્યું હતું.

રાજાને ભાન થયું કે ખરેખર મને સુગંધનો આટલો બધો શોખ છે, અને તે આનંદ મારા નાક વડે જ હું ભોગવું છું. એટલે મારું નાક એ જ મારો સૌથી કિંમતી ખજાનો છે, પણ જો હું નાક કાપીને ફકીરને આપી દઉં, તો પછી દુનિયાનું સૌથી ખુશ્બોદાર અત્તર પણ મારે શા કામનું ? હું શા વડે તે સૂંઘું? અને નહીં તો પણ રાજા કદી પોતાનું નાક કોઈને આપે ખરો? માથું અપાય – નાક ન અપાય. આવો રાજાએ નિશ્ચય કર્યો.

બીજે દિવસે દરબાર ભરાયો. લોકોની કાંઈ ભીડ – કાંઈ ભીડ ! કારણકે રાજા કઈ ચીજ સૌથી કિંમતી માને છે, તે જાણવાનું સૌને મન હતું. દરબારમાં વખતસર પેલો બાવા આવીને ઊભો રહ્યો. સભામાં શાંતિ પથરાયા પછી રાજાએ બોલવા માંડ્યું, ત્યારે કીડી ચાલે તો પણ અવાજ થાય એવું શાન્ત વાતાવરણ બની ગયું હતું. રાજાએ ફકીરને કહ્યું : ‘બાવા, તમે સાચું જ કહ્યું હતું કે તમારા અત્તરનું મૂલ મારાથી નહીં ચૂકવાય. મારી સૌથી કિંમતી પ્યારી ચીજ તે મારું નાક છે. તે જો હું તમને આપી દઉં, તો મારું જીવતર ધૂળમાં રોળાય. તે કરતા તો મોત જ ભલું. માટે તમે તમારું અમૂલ્ય અત્તર લઈને બીજા કોઈ યોગ્ય ઘરાક પાસે જાવ.’

‘રંગ છે, શાબાશ, રાજા !’ ફકીર બોલ્યો. આજે મને ખરો માનવી જડ્યો. નાકની કિંમત તેં આંકી, તેવી કોઈએ હજી સુધી આંકી નથી – તેથી ખુશી થઈને હું તને આ અત્તરની અણમોલ શીશી વિનામૂલ્યે ભેટ આપું છું.

– વિનોદિની નીલકંઠ