મહાવીર સ્વામીના જીવન પ્રસંગ પરથી આ વાત શીખશો તો જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે.
જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર મહાવીર સ્વામીના ઘણા પ્રસંગ પ્રચલિત છે, જેમાં સુખી અને સફળ જીવનના સૂત્ર જણાવવામાં આવ્યા છે. જો આ સુત્રોને જીવનમાં ઉતારી લેવામાં આવે તો આપણી ઘણી સમસ્યાઓ દુર થઇ શકે છે. આજે આપણે જાણીશું મહાવીર સ્વામીજીના એક એવા કિસ્સા વિષે, જેમાં ક્ષમાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
એક દિવસ મહાવીર સ્વામી જંગલમાં ધ્યાનમાં બેઠા હતા. ત્યાં કેટલાક ગોવાળો તેમની ગાયોને ચરાવવા માટે આવ્યા. ગોવાળોએ તેમને ધ્યાનમાં મગ્ન થયેલા જોયા. તે બધા મહાવીર સ્વામીને ઓળખતા ન હતા. તેઓ અભણ પણ હતા. તે બધા ગોવાળોએ સ્વામીજી સાથે મજાક-મસ્તી કરવાનું શરુ કરી દીધી.
સ્વામીજી તો ધ્યાનમાં હતા. ગોવાળોની વાતોની તેમની ઉપર કોઈ અસર ન થઇ, તો તેમણે સ્વામીજીને વધારે હેરાન કરવાનું શરુ કરી દીધું. થોડા જ સમયમાં આ વાત નજીકના ગામમાં ફેલાઈ ગઈ.
ગામમાં કેટલાક વિદ્વાન પણ રહેતા હતા જે મહાવીર સ્વામીને ઓળખતા હતા. તે બધા તરત જ તે જગ્યા ઉપર આવ્યા, જ્યાં સ્વામીજી ધ્યાનમાં બેઠા હતા. થોડી વારમાં ત્યાં ગામના લોકોની ભીડ જમા થઈ ગઈ. ભીડનો અવાજ સાંભળીને સ્વામીજીએ પોતાની આંખો ખોલી.
ગામના વિદ્વાનોએ ગોવાળોની ભૂલ માટે માફી માંગી. ગામના લોકોએ સ્વામીજી માટે ત્યાં એક મોટો રૂમ બનાવવાની વાત કરી, જેથી કોઈ તેમની સાધનામાં કોઈ તકલીફ ન ઉભી કરે.
મહાવીર સ્વામીએ બધાની વાતો સાંભળી. પછી તે બોલ્યા કે, આ બધા ગોવાળો પણ મારા પોતાના જ છે. નાના બાળકો પોતાના માતા પિતાનું મોઢું ખેંચે છે, તેમના પર હાથ ઉપાડે છે, પણ માતા પિતા તે બાળકોથી નારાજ નથી થતા. હું પણ આ ગોવાળોથી નારાજ નથી. તમે મારા માટે રૂમ ન બનાવશો. તે ધન તમે ગરીબોના કલ્યાણમાં ખર્ચ કરજો.
આ પ્રસંગનો ઉપદેશ એ છે કે, જો કોઈ વ્યક્તિથી જાણે અજાણે કોઈ ભૂલ થઇ જાય છે તો તે વ્યક્તિને તરત માફ કરી દેવા જોઈએ. જો કોઈ તમને હેરાન પણ કરે છે તો ગુસ્સો ન કરો. ધીરજ જાળવી રાખો અને તે લોકોને માફ કરો. તે વાતનું ધ્યાન રાખવાથી જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. જો આપણે પણ ગુસ્સો કરવા લાગીએ તો વાત બગડી જશે અને બીજાની સાથે સાથે આપણે પણ અશાંત થઇ જઈશું.
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.