મધ્યમ વર્ગના યુવકના જીવનમાં બનેલો આ પ્રસંગ હિંમત ન હારતા શીખવાડે છે, સમય કાઢીને અચૂક વાંચજો.

0
761

આજે દવેકાકા નો ફોન આવ્યો… બેટા.. ઘર ખાલી કરતા પહેલા અમારે ત્યાં રાત્રે ડિનર નો પ્રોગ્રામ રાખ… મારો દીકરો અને પુત્રવધુ… બેંગ્લોર થી અહીં સ્થિર થવા આવ્યા છે.. તારી ઓળખાણ પણ થશે.

દવેકાકા અને કાકી ભગવાન ના માણસ… તેમના દીકરા વહુ ના સંપર્ક માં હું હતો નહિ.. પણ દવે કાકા ને કોઈ તકલીફ પડી હોય ત્યારે મારા ડ્રાઇવર સાથે કાર હું તેમને આપી દેતો.. હું તેમની સોસાયટી માં તેમના મકાન ની સામે ભાડે થી ઘણા સમય થી રહેતો હતો.

આજે સાંજે જ્યારે ડ્રાઇવરે કાર દવેકાકા ના ઘર પાસે ઉભી રાખી ત્યારે અંદર થી દવેકાકા કાકી… તેમનો પુત્ર અને પુત્રવધુ મને આવકારવા બહાર આવ્યા.

મેં હાથ જોડી દરેક નો આભાર માન્યો.. પણ જ્યારે તેની પુત્રવધુ તરફ મારી નજર ગઈ તો અમે બન્ને ચમક્યા.. મેં તરત મારી જાત ઉપર કાબુ કર્યો અને ફક્ત સ્માઈલ આપ્યું… પણ તેની પુત્રવધુ બોલી… અરે સમીર તું?

દવેકાકા બોલ્યા… તમે એકબીજા ને ઓળખો છો?

મેં કીધું… હા કાકા ઘણી સારી રીતે. વર્ષો પહેલા તેમના પડોશી તરીકે રહેતો હતો…. હવે તો એ શહેર છોડે મને 12 વર્ષ થયાં.

આ પુત્રવધુ એટલે બીજી કોઈ નહિ એ કામિની હતી.

ઈશ્વરે નિરાંત ના સમયે તેને ઘડી હોય તેટલું તેનું રૂપ.

દરેક વ્યક્તિ જીવન માં છેતરાતી હોય તો રૂપ અને રૂપિયા ની ચમક થી… હું પણ તેમાંનો એક હતો.

અમે બન્ને સરખી ઉમ્મર ના હતા. યુવાની માં સુંદર છોકરી જોઈએ એટલે જીવનસાથી બનાવવા ના સ્વપ્ન દરેક યુવાનો જોવા લાગે અને પ્રયત્ન પણ અંત સુધી ના કરી લેતા હોય છે. અને આ તો પાછી અમારી બાજુ માં જ રહેતી હતી એટલે હું રસ્તો સરળ સમજી બેઠો હતો.

કામિની ના પપ્પા જાનીકાકા તેના આખા પરિવાર ની મધ થી પણ મીઠી જુબાન નો હું ભોગ બન્યો હતો.

જાનીકાકા ને સંતાન માં કામિની જ દીકરી તરીકે હતી.

મને પણ બેટા બેટા કરી જાનીકાકા અને કાકી ઘણા કામો કરાવી લેતા. હું પણ તેની મીઠી જીબાન ને ઓળખી ન શક્યો. કામિની પણ હું ઓફિસે જતો ત્યારે તેની બાલ્કની માં ઉભી રહી મને આવજો કરતી. તેના ઘરે મળવા જાઉં ત્યારે મને હાથ માં તાળીઓ આપી વાતો કરતી. મને મારુ સ્વપ્ન સાકાર થતું હોય તેવું લાગતું હતું. ફ્લેટ મેમ્બરો પણ ધીરે ધીરે અમારા સંબધો ની વાતો કરવા લાગ્યા હતા.

મારા પપ્પા મમ્મી ને તો આ સબંધ થી કોઈ તકલીફ હતી નહિ પણ પપ્પા એ એક વખત મને ચેતવ્યો હતો અને કીધું હતું બેટા છોકરીઓ ના સ્વપ્ના માં રાજકુંવર જ ઘોડા ઉપર બેસી ને આવે છે. તે કદી સાંભળ્યું મધ્યમવર્ગીય કે ગરીબ છોકરા સ્વપ્નાં માં ઘોડા ઉપર બેસી ને આવ્યા? હું પપ્પા ની માર્મિક ટકોર ત્યારે સમજી શક્યો ન હતો.

હજુ ભણી ને બહાર આવ્યો હતો. 2 વર્ષ માંડ થયાં હોવાથી આકર્ષક પગાર કે પોસ્ટ મારી પાસે હતી નહિ.

છતાં પણ કામિની ને આકર્ષવા નવું બાઈક હપ્તે થી લીધું હતું. મારા વ્યક્તિત્વ કે પર્સનાલિટી તરફ મને શંકા હતી જ નહીં. કારણ કે અરીસો પણ મારા ચહેરા નો દિવાનો હતો.

કામિની પણ અમારી જ્ઞાતિ ની જ હતી. કોલેજ સમય થી સ્ટેજ ઉપર ગીત ગાવા નો શોખીન હું હતો. અમારી જ્ઞાતિ ના ફંક્શન માં પણ લોકો મને પિક્ચર ના ગીતો ગાવા ઉભો કરતા. બસ.. એક જ તકલીફ હતી.. અમારો પરિવાર આર્થિક રીતે નબળો હતો. મારે મહેનત કરી મારા પરિવાર ને આ તકલીફ માંથી બહાર કાઢવા નો હતો.

વિધિ ના વિધાન અને વ્યક્તિઓ ના મગજ માં શુ ચાલે છે એ કોઈ જાણી શકતું નથી.

કામિની ના પરિવાર ને એક દિવસ મળવા હું સાંજે ગયો.

ત્યારે તેમને ત્યાં મહેમાન બેઠા હતા. અંદર થી તૈયાર થઈ કામિની બહાર આવી. જાનીકાકા એ મને ઓળખાણ આપતા કીધું આ સંજય જેનું કામિની સાથે અમે નક્કી કરી રહ્યા છીયે.

સ્વાભાવિક છે. આઘાત તો લાગે. પણ વગર પ્રત્યઘાતે મેં મારા ચહેરા ઉપર ખોટું સ્મિત બતાવ્યું. ખરેખર અંદર થી સદંતર એકાએક હું તૂટી ગયો હતો. છતાં પણ બહાર થી હસતા મોઢે બન્ને ને મેં અભિનંદન આપ્યા.

મને બેસવા માટે આગ્રહ કર્યો પણ મારે કામ છે કહી ત્યાંથી હું નીકળવા નો પ્રયત્ન કરતો હતો ત્યાં કામિની એ મારી ઓળખ આપતા કીધું. આ સમીર અમારા સંબધો ભાઈ બહેન જેવા પવિત્ર છે. આપણી બાજુ માં રહે છે.

હું ચૂપ રહ્યો.

કાચીંડા ની જેમ કલર બદલતી દુનિયા ને હું જૉઇ રહ્યો હતો. પોતાના સ્વાર્થ પ્રમાણે સબંધ ને નામ આપતી મતલબી દુનિયા ને નજીક થી હું જોઈ રહ્યો હતો. પોતાની મહત્વકાંક્ષાઓ છુપાવવા સંબધો ને કોઈ પણ નામ આપી દેતા કામિની ને શરમ કે સંકોચ નો અનુભવ પણ ન થયો.

જો આપણા ભાઈ બહેન જેવા સંબધો હતા તો આટલા વર્ષ માં રક્ષા બંધને રાખડી બાંધવા ઘરે કેમ ન આવી?

મેં જ્યારે તને લગ્ન માટે પ્રસ્તાવ છ મહિના પહેલા મુક્યો હતો. ત્યારે તે હસી ને એવું શા માટે કીધું “શુ ઉતાવળ છે?” ત્યારે જ આપણા સંબધો નો ખુલાસો કરી નાખ્યો હોત તો હું આજે આટલો દુઃખી ન થાત. તે દહીં દૂધ માં પગ રાખી મારી લાગણી સાથે રમત રમી. તે એક સારા મિત્ર બનવા નો ચાન્સ પણ ગુમાવ્યો.

હું જાણતો હતો.. મારી નોકરી અને મારી આર્થિક નબળી સ્થતિ એ મને ભાઈ બનવા મજબુર કર્યો છે. બાકી ભાઈ બહેન ના સંબધ કે પ્રેમ ને ન જાણી શકું તેવો બાળક કે અજ્ઞાની તો હું ન હતો.

જેમની નજર માં આપણી કોઈ કિંમત ન હોય ત્યાં ખુલાસા કરી આપણી કિંમત અને સમય વ્યર્થ ન કરવો. હું મારુ સન્માન સાચવવા મૌન બની ત્યાંથી નીકળી ગયો.

દિલ તૂટવા નો અવાજ આવતો નથી, પણ તેના પત્યાઘાત અને પડઘા દૂર દૂર સુધી પહોચતા હોય છે.

મારુ મન બેચેન હોવાથી એ દિવસે ઓફીસ જવાની સ્થિતિ માં ન હતો. એટલે શહેર થી દુર મને ગમતું નદી કિનારે આવેલ મહાદેવજી નું એક મંદિર હતું ત્યાં હું ગયો અને કલાકો સુધી ઝાડ નીચે બેસી આ ઘટના પાછળ જવાબદાર કોણ? તેનો વિચાર કરતો રહ્યો.

અંતે હું એ તારણ ઉપર આવ્યો કે અમારા પરિવાર ની આર્થિક નબળી સ્થિતિ આ ઘટના પાછળ જવાબદાર છે.

તો મારે પ્રથમ ધ્યાન કેન્દ્રિત મારી આર્થિક સ્થિતિ કેવી રીતે સુધરે એ તરફ વિચારવું જોઈએ.

મેં કામિની અને તેના પરિવાર થી અંતર બનાવી લીધું. જે વ્યક્તિ નજર માંથી ઉતરી જાય એ દિલ માંથી પણ ઉતરી જાય. મેં કામિની ને જાણ કર્યા વગર શહેર છોડી દીધું.

મને રિજેક્ટ કર્યો તેનું દુઃખ ન હતું એ તેનો વ્યક્તિગત નિર્ણય હતો. પણ જેમના પરિવાર સાથે આત્મીયતા બંધાણી હોય એ વ્યક્તિ ને છેલ્લી ઘડી સુધી આવા નિર્ણય ની જાણ પણ ન કરે એવી વ્યક્તિઓ પાછળ સમય ની બરબાદી કરવી વ્યર્થ હતી.

સંબધોની ગહનતા સમજ્યા વગર સંબધો ને મજાક ઉડાવવા નું કામ કામિની તે કર્યું હતું. મારી આર્થિક પરિસ્થિતિ ની તે મજાક ઉડાવી. તને મારી નોકરી તરફ અસંતોષ હતો તો એક વખત ખુલ્લા મને ચર્ચા કરવી હતી. દરવાજા તો બન્ને માટે ખુલ્લા હતા. કોઈ આગ્રહ હતો નહિ. વગર પૂર્વગ્રહ થી આપણે છુટ્ટા પડ્યા હોત.

મુંબઇ આવે મારે 12 વર્ષ થયા મહેનતનું પરિણામ મને ધીરે ધીરે મળવા લાગ્યું. ઈશ્વર કૃપા થી શહેર ની એક મોટી કોઓપરેટિવ બેન્ક નો આજે હું રિજ્નલ મેનેજર બની ગયો છું.

અમે ડાનિંગ ટેબલ ઉપર ડિનર લેવા સાથે બેઠા.

દવેકાકા તેમના પરિવાર ને મારી વધુ ઓળખ આપતા તેમના પુત્ર સંજય ને કીધું સમીર એક સંસ્કારી ઘર નો સુંદર દેખાવડો છોકરો છે. છતાં પણ હજુ તેણે લગ્ન કર્યા નથી. આપણા શહેર ની મોટી કોઓપરેટિવ બેન્ક નો રિજ્નલ મેનેજર છે. તેનો અંદાજે સાત થી આઠ કરોડ નો બંગલો તૈયાર થઈ ગયો છે. હવે થોડા દિવસ માટે આપણી સોસાયટી નો મહેમાન છે.

કાકા.. મમ્મી પપ્પા ની ઈચ્છા પૂરી કરવા લગ્ન પણ હું કરી રહ્યો છું. આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે આપણો હાથ કોણ પકડે.

ખોટું કીધું મેં બેન કામિની?

કામિની મારા કટાક્ષ ને સમજી ગઈ હતી..તે ફક્ત સ્માઈલ આપતી રહી

કાકા.. હું ઘણા સમય થી મારા જેવી આર્થિક નબળી સ્થિતિની છોકરી ગોતવા નો પ્રયત્ન કરતો હતો. હું મુંબઈ માં આવ્યો ત્યારે અમારા પરિચિત પંડ્યાકાકા અને તેની દીકરી જંખના એ મારા સંઘર્ષ ના સમય માં ખૂબ જ સપોર્ટ કર્યો હતો.

જંખના મને પ્રેમ કરતી હતી પણ મને કહેતા સંકોચ નો અનુભવ કરતી હતી. મેં તેના મુંગા પ્રેમ ને વાચા આપવા પ્રયત્ન કર્યો અને હું તેમાં સફળ થયો. ઈશ્વર જે કરે છે એ સારા માટે કરે છે. બુદ્ધિ બદામ ખાવા થી નહિ ઠોકર ખાવાથી આવે છે કાકા.

બધા હસી પડ્યા.. પણ કામિની ઊંડા વિચાર માં પડી ગઈ હતી.

મેં કીધું.. આવતા મહિને મારા લગ્ન છે તમારે બધા એ આવવા નું છે. કંકોત્રી મમ્મી પપ્પા સાથે આપવા હું આવીશ કહી હું ઉભો થયો.

દવે કાકા બોલ્યા બેટા… એક કામ હતું.

બોલો… કાકા.

તારા ધ્યાન માં કોઈ સારી નોકરી હોય તો કહેજે. તારે ત્યાં ફેકટરી ના માલિકો લોન લેવા ઘણા આવતા હશે.

બેંગ્લોરમાં સંજય ની જોબ ઘણા સમય થી જતી રહી હતી. એટલે એ લોકો ફરી મુંબઈ સ્થિર થવા આવ્યા છે.

કાકા તમે ચિંતા છોડો. હવે સંજય ની જવાબદારી મારી છે. કોઈ જગ્યા એ નહિ થાય તો મારે ત્યાં તો 100% થઈ જશે.

કાકા આભાર માનતા બોલ્યા આવતા અઠવાડિયે જ્ઞાતિ નો પ્રોગ્રામ છે. તું આવવવા નો છે?

હા કાકા, મંડળ માંથી ફોન હતો. વ્યસ્ત નહિ હોઉં તો ચોક્કસ આવીશ.

બધાનો હાથ જોડી આભાર માની હું દવે કાકા ના ઘરે થી બહાર નીકળ્યો.

થોડા દિવસ પછી જ્ઞાતિ ના ફંક્શન માં મને ગીત ગાવા નો આગ્રહ કર્યો. મેં એજ ગીત ગાયું જ્યારે હું મારુ શહેર છોડવા મજબુર બન્યો હતો. કામિની ત્યારે પણ હાજર હતી અને આજે પણ.

આજના મારા અવાજ માં દર્દ હતું, ફરિયાદ હતી.

तू मेरा मिलना समझ लेना एक सपना था

तुझको आखिर मिल ही गया… जो तेरा अपना था

हम को दुनिया में समझना… ना सनम, आज के बाद

तेरे मिलने को ना आएंगे सनम, आज के बाद..

तेरी गलियों में ना रखेंगे कदम, आज के बाद…

મિત્રો…

પ્રેમ એ સંયમ છે, ધૈર્ય છે, ત્યાગ છે, સમર્પણ છે.

મેળવવા કરતા ગુમાવવા ની તૈયારી હોય તોજ પ્રેમ કરવો.

સમય નું કામ તો પડખા ફરવાનું છે. ક્યારે કોનો સમય બદલાય એ ખબર નથી. પણ એ જ્યારે પડખું ફરે છે ત્યારે કોઈની પણ પથારી ફેરવી નાખે છે.

મારા અનુભવ ઉપર થી કહું છું હિંમત કદી હારવી નહિ.

જિંદગી આપણને દરેક વ્યક્તિ કે વસ્તુ વગર ચલાવતા શીખવાડે છે. તેને સ્કૂલ કે કોલેજ સમજી પરીક્ષા આપતા રહો.

મજબુર બનવું છે કે મજબૂત બનવુ છે એ નક્કી કરો.

મજબુર વ્યક્તિ સમાજ માંથી ફેંકાય જાય છે અને જે વ્યક્તિ પરિસ્થતી સામે લડી મજબૂત બને છે તેને સફળતા મળે જ છે. સમાજ માં ઈજ્જત મેળવે છે.

યાદ રાખો. જીવન માં અમુક ખરાબ સમય કે તોફાન રસ્તો સાફ કરવા જ આવે છે તેથી તેને કુદરતી સંકેત સમજી આગળ વધો.

આત્મ વિશ્વાસ સાથે બોલો, I WILL GET WHAT I WANT.

પાર્થિવ.

(સાભાર નાણાવટી પાર્થિવ, અમર કથાઓ ગ્રુપ)