જેને નાલાયક ગણતા હતા તેણે જ મુશ્કેલ સમયમાં દીકરા તરીકેની ફરજ બજાવી, વાંચો હૃદય સ્પર્શી પ્રસંગ.

0
1800

માં બાપને ખરેખરી જરૂર હતી ત્યારે લાયક દીકરાઓ મદદે ના આવ્યા, એવા સમયે નાલાયક દીકરાએ જે કર્યું તે જાણવા જેવું છે.

દીકરા, અમારો અકસ્માત થયો છે, મને તો વધારે વાગ્યું નથી પરંતુ તારી માં ની હાલત ગંભીર છે. થોડા પૈસાની જરૂર છે અને તારી માં ને લો-હી પણ ચડાવવાનું છે. બાસઠ વર્ષના માધવભાઈએ પોતાના મોટા દીકરાને ફોન ઉપર કહ્યું.

પપ્પા હું ઘણો બીઝી છું આજકાલ, મારાથી નહી આવી શકાય. મને વિદેશમાં નોકરીનું પૈકેજ મળ્યું છે તો એની જ તૈયારી કરી રહ્યો છું. તમારું પણ આ જ સપનું હતું ને? એટલા માટે પૈસા પણ નથી. અત્યારે તમે પૈસાની વ્યવસ્થા કરી લો, હું પછી તમને આપી દઈશ. તેમના મોટા ઈજનેર દીકરાએ જવાબ આપ્યો. તેમણે તેમના બીજા ડોક્ટર દીકરાને ફોન કર્યો તો તેણે પણ આવવા માટે ના પાડી દીધી. તેને તેના સાસરે લગ્નમાં જવાનું હતું. હા, તેણે એટલું ચોક્કસ કહ્યું કે પૈસાની ચિંતા ના કરતા હું મોકલી દઈશ.

હા એ જુદી વાત છે કે તેણે ક્યારે પણ પૈસા નથી મોકલ્યા. તેમણે દુઃખ સાથે ફોન મૂકી દીધો.

હવે તે નાલાયકને ફોન કરીને શું ફાયદો, જયારે આ બે લાયક દીકરા કઈ નથી કરી રહ્યા તો પછી તે નાલાયક શું કરશે?તેમણે વિચાર્યું અને ઘણા ભારે પગલે હોસ્પિટલમાં પત્ની પાસે પહોંચ્યા અને ખુરશીમાં ફસડાઈ પડ્યા. તેમને જૂની વાતો યાદ આવવા લાગી.

માધવભાઈ સ્કૂલમાં શિક્ષક હતા. તેમને ત્રણ દીકરા અને એક દીકરી હતી. મોટો ઈજનેર અને વચ્ચેનો ડોક્ટર હતો, બંને ના લગ્ન મોટા કુટુંબમાં થયા હતા અને પોત પોતાની પત્નીઓ સાથે અલગ અલગ શહેરમાં રહેતા હતા. દીકરીના લગ્ન પણ તેમણે ખુબ ધામધૂમથી કર્યા હતા.

સૌથી નાના દીકરાનું ભણવામાં ધ્યાન નોહતું. અગિયારમી પછી તેણે ભણવાનું મૂકી દીધું અને ઘરમાં જ રહેવા લાગ્યો. કહેતો હતો કે મારે નોકરી નથી કરવી. મારે માતા-પિતાની સેવા કરવી છે. આ વાત ઉપર માસ્તર સાહેબ તેનાથી ખુબ દુઃખી હતા.

તેમણે તેનું નામ જ નાલાયક રાખી દીધું હતું. બાળપણમાં બંને મોટા ભાઈઓ પિતાના આજ્ઞાકારી હતા, પણ પેલો નાલાયક દીકરો ખોટી વાત ઉપર તેમની સાથે પણ બોલાચાલી કરી નાખતો. એટલા માટે માધવભાઈ તેને પસંદ કરતા નોહતા.

જયારે માધવભાઈ રીટાયર થયા ત્યારે તેમની પાસે જમા મૂડી કંઈપણ નોહતી. બધી બચત બંને દીકરાના ઉચ્ચ અભ્યાસ અને દીકરીના લગ્નમાં ખર્ચ થઇ ગયા હતા. શહેરમાં એક ઘર અને થોડી જમીન અને ગામમાં થોડી જમીન હતી. ઘરનો ખર્ચ તેમના પેન્શનમાંથી ચાલી રહ્યો હતો.

માધવભાઈને જયારે લાગ્યું કે નાનો સુધરવાનો નથી તો તેમણે વહેંચણી કરી દીધી અને તેના ભાગની જમીન તેને આપીને તેને ગામડે જ રહેવા મોકલી દીધો. હા તે જવા નોહતો માંગતો પણ પિતાની જીદ સામે નમતું ઝોખ્યું અને ગામમાં ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યો.

માધવભાઈ બધાની સામે પોતાના હોશિયાર અને લાયક દીકરાના વખાણ કરતા રહેતા. ત્યારે તેમની છાતી ગર્વ સાથે ફુલાઈ જતી હતી. પણ તે નાલાયક દીકરાનું નામ પણ લેતા નોહતા.

બે દિવસ પહેલા બંને પતિ-પત્નીનો અકસ્માત થઇ ગયો હતો, તે તેમની પત્ની સાથે સરકારી હોસ્પિટલમાં દાખલ હતા અને ડોક્ટરે તેમની પત્નીનું ઓપરેશન કરવાનું કહ્યું હતું.

પપ્પા… પપ્પા… આ સાંભળીને નિંદ્રા તૂટી અને જોયું તો સામે એ જ નાલાયક દીકરો ઉભો હતો. તેમણે ગુસ્સામાં મોઢું ફેરવી લીધું. પણ તેણે પપ્પાના ચરણ સ્પર્શ કર્યા અને રડતા રડતા બોલ્યો – પપ્પા તમે આ નાલાયકને કેમ ના જણાવ્યું? પણ મેં પણ તમારા લોકો ઉપર જાસૂસ છોડી રાખ્યા છે, એટલે સમાચાર મળતા જ દોડી આવ્યો છું.

પપ્પાના વિરોધ છતાં તેણે તેમને મોટી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. માં નું ઓપરેશન કરાવ્યું અને પોતાનું લો-હી પણ આપ્યું. દિવસ રાત તેમની સેવામાં લાગેલો રહ્યો. પણ એક દિવસ તે ગાયબ થઇ ગયો.

માતા પિતા તેના વિષે ખરાબ વિચારવા લાગ્યા હતા કે તે ત્રીજા દિવસે પાછો આવી ગયો. એક મહિનામાં જ માં એકદમ સ્વસ્થ થઇ ગઈ. તે હોસ્પિટલમાંથી રજા લઈને તેમને ઘરે લઈને આવ્યો. માધવભાઈના પૂછવા પર જણાવ્યું કે તે ટ્રસ્ટની હોસ્પિટલ હતી એટલે પૈસા નથી થયા.

ઘરમાં કામવાળી હતી એટલે કામનું ટેન્શન ન હતું. તે તેમને મૂકીને પાછો ગામડે ચાલ્યો ગયો. ધીરે ધીરે બધું સામાન્ય થઇ ગયું.

એક દિવસ એમ જ માધવભાઈના મનમાં વિચાર આવ્યો કે તે નાલાયકની ખબર લેવા જઈએ. બંને પતિ પત્ની જ્યારે ગામના ખેતરે જઈને જોયું તો ઝુંપડી ઉપર તાળું લાગેલું જોઈને તેઓ ચક્કિત થઇ ગયા. તેમણે ખેતરમાં કામ કરતા માણસને પૂછ્યું તો તેણે કહ્યું – આ ખેતર હવે મારું છે.

શું? પણ આ ખેતર તો…. માધવભાઈને ઘણું આશ્ચર્ય થયું.

પેલા માણસે કહ્યું – હા, તેની માં ની તબિયત ઘણી ખરાબ હતી. તેની પાસે પૈસા નોહતા, તો તેણે તેના બધા ખેતર વેચી નાખ્યા. તે કામધંધાની શોધમાં બીજા શહેર ચાલ્યો ગયો છે. બસ આ ઝૂંપડી તેની પાસે રહી છે. આ રહી તેની ચાવી. તે માણસે કહ્યું.

તે ઝૂંપડીમાં દાખલ થયા અને તેમને એ નાલાયકની યાદ આવવા લાગી. ટેબલ ઉપર પડેલ કાગળ ખોલીને જોયા તો તેમાં મુકેલા હોસ્પિટલના 9 લાખના બિલ હતા. તે જાણે કે તેમને ખીજવી રહ્યા હોય તેવું લાગતું હતું.

તેમણે પોતાની પત્નીને કહ્યું – જાનકી તારો દીકરો નાલાયક તો હતો જ સાથે સાથે જુઠ્ઠો પણ નીકળ્યો.

અચાનક તેમની આંખમાંથી આંસુ ફૂટી નીકળ્યા અને તે જોરથી રડવા લાગ્યા અને બુમો પાડવા લાગ્યા કે – તું ક્યાં ચાલ્યો ગયો નાલાયક, પોતાના પપ્પાને મૂકીને… એકવાર પાછો આવી જા. પછી હું તને ક્યાંય પણ નહી જવા દવ.

તેમની પત્નીના આંસુ પણ સતત વહી રહ્યા હતા. અને માધવભાઈ રાહ જોવા લાગ્યા પોતાના નાલાયક દીકરાને ગળે લગાવવા માટે.

સાચે જ ઘણો નાલાયક હતો તે…