દક્ષીણ કોરિયાના લોકો અયોધ્યાને માને છે પોતાનું મોસાળ, જાણો શું છે તેની પાછળની સ્ટોરી.

0
434

આવો જાણીએ કે દક્ષીણ કોરિયાના લોકો શ્રીરામની નગરી અયોધ્યાને કેમ માને છે પોતાનું મોસાળ?

હિંદુ ધર્મમાં ન જાણે કેટલીય કથાઓ પ્રચલિત છે જે પ્રાચીન કાળની સંસ્કૃતિને દર્શાવે છે. એવી સ્ટોરીઓ માંથી એક રામચંદ્ર અને અયોધ્યાની સ્ટોરીઓ તમે બધાએ ઘણી વખત સાંભળી હશે. પણ જો અમે તમને જણાવીએ કે, ભારતની બહાર પણ એક એવો દેશ છે જ્યાં રામજીના અનુયાયીઓ છે, એટલું જ નહિ ભારતની બહાર એક એવી પણ જગ્યા છે જ્યાંના લોકો અયોધ્યાને પોતાનું મોસાળ માને છે અને રામની નગરી સાથે વિશેષ સંબંધ ધરાવે છે. તો કદાચ તમને નવાઈ લાગે.

અમે વાત કરી રહ્યા છીએ દક્ષીણ કોરિયાના લોકોની. તે સત્ય છે કે ત્યાંના લોકો આજે પણ અયોધ્યાને પોતાનું મોસાળ માનીને અહીં દર્શન માટે આવે છે. આ એક એવો સંબંધ છે જેને નિભાવવાની પરંપરા હજારો વર્ષોથી ચાલતી આવે છે, અને દક્ષીણ કોરિયાના લોકો તે પ્રથાને નિભાવવા અયોધ્યા આવે છે. આવો જાણીએ આ તથ્ય પાછળની સ્ટોરી વિષે જે તમે કદાચ જ સાંભળી હશે.

કઈ છે એ સ્ટોરી?

પૌરાણીક કથાઓ મુજબ, કોરિયાના લોકોને તેરમી સદીમાં લખવામાં આવેલા કોરીયન ગ્રંહ સમ્યુક યુસા માંથી જાણવા મળ્યું કે, તેમની રાણી હૉ હાંક-ઓકે અયોધ્યામાંથી આવ્યા હતા. તેમાં જણાવવામાં આવ્યું છે કે, અયોતા નામના સ્થળેથી આવેલી રાજકુમારીના લગ્ન કાયા રાજ્યના રાજા સુરો સાથે થયા હતા. આ ગ્રંથ મુજબ અયોતા એટલે અયોધ્યાની રાજકુમારીના લગ્ન કીમ સુરો સાથે 48 ઈ.સ. માં થયા હતા. આ સ્ટોરી મુજબ અયોધ્યા નગરી તેમની રાણીનું પિયર અને ત્યાંના લોકોનું મોસાળ માનવામાં આવે છે. હવે આ સ્ટોરી ઉપર ન માત્ર કોરિયાના લોકો પણ ભારતના લોકો પણ વિશ્વાસ કરવા લાગ્યા છે.

અયોધ્યા સાથે ગાઢ સંબંધ છે :

અયોધ્યા સાથે પોતાનો સંબંધ જોડવા વાળા દેશ દક્ષિણ કોરિયામાં કિમ વંશના લોકો દર વર્ષે અયોધ્યા આવે છે, અને તેમની માન્યતા છે કે અયોધ્યા તેમની રાણીમાંનું પિયર છે. ભારતના ઈતિહાસ કે દંતકથાઓમાં આ સ્ટોરી સાંભળવા કે વાંચવા ભલે ન મળી હોય, પણ કોરિયાના ગીમહે શહેરમાં જાવ તો દરેકની જીભ ઉપર આ સ્ટોરી સાંભળવા મળશે. ખાસ કરીને દક્ષીણ કોરિયા અને ભારતની મિત્રતા 2000 વર્ષ પહેલા શરૂ થઈ હતી.

એ વાત આપણે જાણીએ છીએ કે, શ્રીરામને રાજા દશરથે 14 વર્ષ માટે વનવાસ પર મોકલી દીધા હતા. વનવાસ પૂરો થતા જ રામ પાછા અયોધ્યા આવી ગયા હતા. પણ તે જ નગરીની એક રાજકુમારી હતી સુરીરત્ના જે 2000 વર્ષ પહેલા દક્ષીણ કોરિયા ગયેલા અને ત્યાં જ વસી ગયા હતા. કોરિયામાં તેમણે તે સમયના રાજા કીમ સોરો સાથે લગ્ન કરી લીધા હતા. ત્યાર પછી ભારત અને કોરિયાની મિત્રતા વધુ ગાઢ થઇ ગઈ.

કોરિયાની રાણી હૉ હોંક-ઓકેનું સ્મારક (queen heo hwang ok korea) :

હવે આ સ્ટોરી માત્ર કોરિયાની દંતકથાઓમાં જ નહિ, પણ ભારતની જમીન ઉપર પણ દેખાવા લાગી છે. કોરિયાની સરકારે અયોધ્યામાં સરયુ નદીના કાંઠા ઉપર રાણી હૉ નું સ્મારક પણ બનાવરાવ્યુ છે, અને દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચની વચ્ચે કોરીયન લોકો અયોધ્યા આવીને રાની હૉ ને શ્રધાંજલિ અર્પણ કરે છે.

કોણ હતા એ રાજકુમારી?

અયોધ્યાની રાજકુમારી સૂરી રત્ના એક જહાજમાં બેસીને કોરિયા દ્વીપના કાયા રાજ્ય માટે રવાના થયા હતા. ઈશ્વરે તેમના માતા પિતાને સપનામાં આદેશ આપ્યો હતો કે, સુદુર કાયા રાજ્યના રાજા કિમ સુરો જ તેમની દીકરીના પતિ બનશે. આ સપના પછી તેમણે પોતાની દીકરીને થોડા અંગરક્ષકો અને સેવક-સેવિકાઓ સાથે કાયા રાજ્ય તરફ રવાના કરી દીધી.

તો બીજી તરફ કોરિયાના કાયા રાજ્યમાં કિમ સુરોના રાજા બનવાની સ્ટોરી પણ રસપ્રદ છે. કહેવામાં આવે છે કે, કિમ સુરો દેવલોક માંથી આવેલા છ સોનાના ઈંડા માંથી જન્મ્યા હતા, અને તેમણે રાજકુમારીના આવવાની આશાએ લગ્ન ન કર્યા હતા. જયારે મંત્રીઓએ તેમને લગ્નનો આગ્રહ કર્યો, તો તેમણે જણાવ્યું કે તેમનો સંબંધ સ્વર્ગમાંથી જ નક્કી થઈ ગયો છે અને તે રાજકુમારીની રાહ જોઈ રહ્યા છે.

જયારે રાજકુમારીનું જહાજ કોરિયાના કાયા રાજ્યની સરહદમાં પહોંચ્યું તો રાજા કિમ સુરોના સૈનિકો રાજકુમારીને રાજા પાસે લઇ ગયા. રાજાએ તેમને પોતાના રાજમહેલમાં સ્થાન આપ્યું અને પછી બંનેના લગ્ન થયા. અહિયાં રાજકુમારીને રાણી હૉ હોંક-ઓકે નામ આપવામાં આવ્યું.

હકીકતમાં દક્ષીણ કોરિયા અને અયોધ્યા સાથે જોડાયેલી સ્ટોરી ઘણી રસપ્રદ છે અને લોકોનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કરે છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.