જે ઓછામાં વધુ સમજી લે તે ખરો પુરુષ, આ લઘુકથા દ્વારા સમજો વાતમાં છુપાયેલો મર્મ.

0
500

લઘુકથા – “ટિકિટ” :

– માણેકલાલ પટેલ.

રાકેશ ઓફિસે જવા નીકળ્યો એટલે એની પત્નીએ કહ્યું : ” બારી પાસે નંબર આવે એ રીતે ટિકિટ લેજો. ”

પાડોશી પ્રવીણને પણ આજ રાતના જ અમદાવાદ જવા નીકળવાનું હતું. એણે રાકેશને પૂછ્યુ : ” રમાભાભી એકલાં જ જવાનાં છે? ”

” હા. રક્ષાબંધન આવે છે ને? ”

” તમે નથી આવવાના? ”

” મારે ઓફિસનું કામ છે એટલે બે દિવસ પછી આવું છું. ”

” મારે પણ આજે નીકળવું છે.” પ્રવીણે રમા સામે જોઈને કહ્યું : ” મારી પણ ટિકિટ લેતા આવજોને? ”

પછી પ્રવીણ ઓફિસે જવા નીકળી ગયો.

સાંજે પ્રવીણ આવ્યો ત્યારે રાકેશનું ઘર બંધ હતું.

આઠેક વાગે રાકેશે આવી પ્રવીણને ટિકિટ આપતાં કહ્યું : ” સાતની લક્ઝરી બસમાં રમાને મૂકતો આવ્યો અને દસ વાગ્યાની બસની તમારી ટિકિટ લેતો આવ્યો છું, પ્રવીણભાઈ ! તમારો ધક્કો બચી ગયો. ”

પ્રવીણ ટિકિટ સામે એકીટસે જોઈ રહ્યો.

– માણેકલાલ પટેલ.