શિવાજી – ન ભૂતો ન ભવિષ્યતિ….. નામ તો સૌ કોઈએ સાંભળેલું જ છે. સૌ કોઈ તેમનો આદર કરે છે. મારી જેમ ઘણા લોકોના તેઓ આદર્શ છે. પણ ખરેખર આપણને શિવાજી વિશે કેટલું જ્ઞાન છે? આપણને દિલ્લીના સુલતાનની આખી વંશાવળી યાદ છે પણ શિવાજીની કે મહારાણા પ્રતાપની વંશાવળી કેટલાને આવડે છે? શિવાજીના માતા પિતા અને પુત્ર સિવાય આપણને કેટલાના નામ આવડે છે?
માન્યું કે આમાં મુખ્ય વાંક આપણા શિક્ષણતંત્રનો છે પણ શું આપણને ક્યારેય અંદરથી ઈચ્છા થઈ છે શિવાજી વિશે જાણવાની? આજના ટેકનોલોજીના યુગમાં કે જ્યાં બધી માહિતી ખિસ્સામાં આવી ગઈ છે ત્યારે પણ નહિ.
કડવી વાસ્તવિકતા તો એ છે કે ગુજરાતે ક્યારેય શિવાજીના જીવનમાં રસ જ લીધો નથી. આપણે ક્યારેય શિવાજીના હાલરડાથી આગળ વધ્યાં જ નથી અને એ પણ મેઘાણીજીની દયા છે કે એટલું તો આપણને ખબર છે. શિવાજીના માતાનું નામ જીજાબાઇ હતું. આપણા સાહિત્યકારોએ મહારાણા પ્રતાપની જેટલી સાહિત્યરૂપી સેવા કરી છે એટલી શિવાજી મહારાજની નથી કરી અને કરી છે તો એ એટલી ખ્યાતિ નથી પામી આ પણ વાસ્તવિકતા છે.
ડાયરાના લોક સાહિત્યકારો જેઓ સંસ્કૃતિ બચાવવાની વાત કરે છે અને અમુક હદ સુધી તેઓ સાચા પણ છે, તેઓ પણ ક્યારેય શિવાજીના હાલરડાથી આગળ વધતાં નથી. રાજભા ગઢવીએ જરૂર થોડી આગળની વાતો તરફ ધ્યાન દોર્યું છે. પણ હવે આ બધું બદલવાનો સમય આવી ગયો છે જેમાં સૌ કોઈએ સહયોગ આપવો જોઈએ.
શિવાજીના દાદા એટલે કે માલોજી અહેમદનગરની નીઝામશાહિમાં ઉંચુ પદ પામેલા સરદાર હતાં. નિઝામે તેમને પુણેની અને આસપાસના મોટા ગામોની જાગીર આપી હતી અને સાથે શિવનેરીનો કિલ્લો પણ તેમના પરિવારને રહેવા માટે પુણેમાં જ આપેલો.
માલોજીના પુત્ર અને શિવાજીના પિતા શાહજીને પુણેની જાગીર અને શિવનેરી વારસામાં મળેલ. નીઝામશાહીનું જોર ઘટતા પુણેની જાગીર બિજાપુરના સુલતાન આદિલશાહ હેઠળ આવી. શાહજી હવે આદિલશાહના દરબારમાં જાગીરદાર તરીકે આવવા લાગ્યા. શિવાજીના મોટાભાઈ શંભાજીને પણ પોતાની સાથે બીજાપુરમાં રાખતા. માતા જીજાબાઇ પુણેમાં રહેતા. શાહજી સમય મળ્યે પુણે આવતા.
19 ફેબ્રઆરી,1630 ના રોજ શિવનેરીના કિલ્લામાં જીજાબાઇને બીજા પુત્રનો જન્મ થયો. ભોંસલે પરિવારમાં નવો કુળદીપક પ્રગટ્યો. સ્થાનિક દેવી શિવાઇ માતાના નામ પરથી તેનું નામ શિવાજી પાડવામાં આવ્યું. શાહજી બિજાપુરથી આવ્યા. પુણેમાં જન્મોત્સવ ઉજવાયો. એ સમયે કોઈને ખબર ન હતી કે વર્ષોની બેડીઓને તોડનારો, ક્રૂર અને દુરાચારી મુઘલો, નિઝામોની રાતની ઊંઘ ઉડાડનાર જન્મ્યો છે.
શિવાજીની ઉંમર 5-7 વર્ષની થઈ શાહજી પુણે આવ્યા શિવાજીને પોતાની સાથે બિજાપુર લઈ જવાના ઇરાદે. પણ જીજાબાઈએ શિવાજીને મોકલવાની ચોખ્ખી ના પાડી કેમકે તેમની યોજના તો કંઇક અલગ જ હતી. શાહજીએ ઘણી રકઝક કરી પણ જીજાબાઇ એકના બે ન થયા.
તેમણે કહ્યું, “શંભાજીને પણ તમે નાની ઉંમરથી લઈ ગયા હતા. શિવાજીને તો રહેવા દો જેથી હું મારો માતૃપ્રેમ કોઈક પર વરસાવી શકું. શિવો સોળ વર્ષનો થશે એટલે હું તેને સામેથી બિજાપુર મોકલી દઈશ.” શાહજી સહમત થયા અને પાછા બિજાપુર ચાલ્યા ગયા.
ફોટામાં શીવનેરી કિલ્લો અને તેમાં રહેલ પારણીયું દર્શાવ્યું છે. આ એ જ પારણીયું છે જેમાં માતા જીજાબાઇ બાળ શિવાજીને ઝુલાવતા હતા.
વધુ આવતા ભાગમાં.
મિત્રો પોસ્ટ ગમે તો લાઈક કૉમેન્ટ કરવા વિનંતી છે જેથી આ લાંબી સિરીઝ દરમિયાન પ્રેરણા મળતી રહે.
જય શ્રી રામ.
– સાભાર પિયુષ ડોંગા (અમર કથાઓ ગ્રુપ)