સંતે દાનમાં મળેલી ગાયો પાછી આપી તો શિષ્યો થઈ ગયા નિરાશ, પછી સંતે તેમને જે શીખ આપી તે દરેકે જાણવી જોઈએ.
પહેલાના સમયમાં એક સંત હતા. તેઓ પોતાની બુદ્ધિ અને ધાર્મિક સ્વભાવના કારણે ખુબ પ્રસિદ્ધ હતા. સંત પાસે નાનાથી લઈને મોટા સુધી દરેક ભક્ત પોત-પોતાની સમસ્યાઓ લઈને જતા, અને સંત તેમની સમસ્યાઓનો ઉકેલ લાવી આપતા હતા. તે સંતનું આશ્રમ હતું અને તેમના આશ્રમમાં ઘણા શિષ્યો પણ રહેતા હતા.
એક દિવસ એક વ્યક્તિ આવ્યો અને તેણે સંતને કહ્યું કે, તમે મારી સમસ્યાનો ઉકેલ જણાવ્યો હતો એટલા માટે હું તમને કેટલી ગાય દાન તરીકે આપવા માંગુ છું, તો તમે તે ગાયોને સ્વીકારો. સંતે દાનમાં મળેલી ગાયોને આશ્રમમાં એક અલગ જગ્યામાં રાખી અને શિષ્યોને તે ગાયોનું ધ્યાન રાખવાનું કીધું. ગાયોને જોઈને શિષ્યો ઘણા ખુશ થઇ ગયા. શિષ્યોએ વિચાર્યું કે, હવે અમને દરરોજ ગાયનું તાજું દૂધ મળશે.
સંતે શિષ્યોને ખુશ થતા જોયા અને કહ્યું કે ‘ચાલો સારું થયું, હવે દરેક માટે તાજું દૂધની વ્યવસ્થા થઇ જશે’. ઘણા દિવસો સુધી સંત અને તેમના શિષ્યોને ગાયનું તાજું દૂધ મળતું રહ્યું. શિષ્યો પણ ગાયની સેવા કરવા લાગ્યા, અને ગાયોને કોઈ સમસ્યા ન થાય તેનું પણ ધ્યાન રાખતા હતા.
થોડા દિવસો પસાર થયા પછી જે વ્યક્તિએ ગાય આપી હતી તે પાછા પોતાની સમસ્યા લઈને આવ્યા. તેમના પર દુઃખોનો પહાડ તૂ ટી પડ્યો હતો. તેમની પાસે ધન કમાવાનું કોઈ સાધન બચ્યું નહોતું. સંત પાસે આવેલા વ્યક્તિએ બધી સમસ્યાઓ જણાવી તો સંતે કહ્યું કે, તમે મને જે ગાયો આપી છે તે તમે પછી લઇ લો અને ગાયનું દૂધ વેચીને તમે તમારું ગુજરાન ચલાવો.
પહેલા તો વ્યક્તિએ ના પાડી, પણ સંતના સમજાવવા પર તે વ્યક્તિ પોતાની ગાય પાછો લઇ ગયો. સંત જોઈ રહ્યા હતા કે તેમના આ નિર્ણયથી તેમના શિષ્યો નાખુશ હતા. તેઓ દુઃખી થઈને આશ્રમમાં એક તરફ બેસી રહ્યા. પછી સંત તેમની પાસે જાય છે અને તેમને પૂછે છે કે, તમે નિરાશ થઈને કેમ બેઠા છો? ત્યારે શિષ્યો જવાબ આપે છે કે, હવે આપણને દરરોજ ગાયનું તાજું દૂધ મળશે નહિ.
તે સંત શિષ્યોનો આ જવાબ સાંભળીને હસી પડ્યા. આથી શિષ્યોએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે, ‘ગુરુજી તમે અમારા જવાબ પર કેમ હસી પડ્યા’. પછી સંતે જવાબ આવ્યો, ‘તેમાં નિરાશ થવાની શું જરૂર છે, તમે હવે એ વિચારો કે હવે આપણે ગાયનું છાણ અને ગંદકી સાફ કરવી પડશે નહિ. હવે જે સમય બચશે તેમાં ભગવાનની ભક્તિ અને તપ કરીશું.
પછી શિષ્યોએ પૂછ્યું કે, ‘ગુરુજી તમને આ વાતનું દુઃખ નથી કે આપણને હવે તાજું દૂધ મળશે નહિ’. ત્યારે સંત બોલ્યા, આપણે હંમેશા સકારાત્મક વિચાર રાખવા જોઈએ. તમે એવું કેમ નથી વિચારતા કે, ફક્ત તાજા દૂધ માટે આપણો ઘણો સમય ગાય માતાની સેવામાં જતો હતો, તે હવે ભગવાનની ભક્તિમાં જશે.
બીજું એ કે આપણે તે ગાયો આપીને તે વ્યક્તિના પરિવારની મદદ કરી, તો તેમના આશીર્વાદ મળશે. જો દુઃખના સમયમાં આપણે પોતાના સ્વાર્થ માટે કોઈનો સાથ ન આપીએ, તો આપણું માનવજીવન શું કામનું? ગાયો મળવાથી તે વ્યક્તિ પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકશે.
એક વાત હંમેશા યાદ રાખવી કે સમય કેવો પણ હોય હંમેશા સારુ જ વિચારો, આ જ સુખી અને સફળ જીવનનું રહસ્ય છે. જો આપણે નિરાશ થઇ જશું તો જીવનમાં અશાંતિ અને દુઃખ વધતા રહેશે. સુખ અને દુઃખ આવતા રહે છે. આપણે દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવું જોઈએ.
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.