વ્યક્તિએ સાધુને જીવનમાં હંમેશા ખુશ રહેવાનું રહસ્ય પૂછ્યું તો તેમણે મોટો પથ્થર ઉપાડીને ચાલવાનું કેમ કહ્યું, જાણો.

0
663

મુશ્કેલીઓ દરેક વ્યક્તિના જીવનમાં આવતી જ હોય છે. ઘણા લોકો તેને સકારાત્મક રીતે લે છે અને જલ્દી તેનું નિરાકરણ પણ કરે છે, જયારે ઘણા લોકો તે મુશ્કેલીઓના નિરાકરણ વિષે વિચારવાને બદલે ચિંતામય બની જાય છે.

દુનિયામાં એવી કોઈ મુશ્કેલી નથી જેનો કોઈ ઉકેલ ન હોય. એટલા માટે હંમેશા સકારાત્મક વિચારો સાથે આગળ વધતા રહો. આજે અમે તમને એવો પ્રસંગ જણાવવા જઈ રહ્યા છીએ જે જણાવે છે કે, ચિંતા કરવાથી મુશ્કેલીઓ દુર નથી થતી પણ તેના નિરાકરણ વિષે સકારાત્મક વિચારસરણી રાખવી જરૂરી છે.

એક ગામમાં એક વ્યક્તિ રહેતો હતો. તેને લાગતું હતું કે દુનિયામાં સૌથી વધુ દુઃખી તે છે. એ કારણથી તે ઉદાસ રહેવા લાગ્યો. એક દિવસ તેના ગામમાં એક સાધુ આવ્યા. તે વ્યક્તિ એ સાધુને મળવા ગયો અને કહ્યું – મહારાજ હું ખુબ દુઃખી છું. જીવનમાં હંમેશા ખુશ રહેવાનું રહસ્ય શું છે? મહેરબાની કરીને મને એ રહસ્ય જણાવો.

સાધુએ તેને કહ્યું કે ઠીક છે, હું તને એ રહસ્ય જણાવીશ, પણ પહેલા તારે મારી સાથે જંગલમાં આવવું પડશે.

જયારે સંત અને તે વ્યક્તિ જંગલમાં ગયા તો સંતે એક મોટો પથ્થર ઉપાડ્યો અને તે વ્યક્તિને પકડાવી દીધો. સંતે તેને કહ્યું કે, આ પથ્થર લઈને મારી સાથે ચાલ.

મોટો પથ્થર ઉપાડીને તે વ્યક્તિ સંત સાથે ચાલવા લાગ્યો. થોડી જ વારમાં પથ્થરના વજનથી વ્યક્તિના હાથમાં દુઃખાવો થવા લાગ્યો, પણ તે કાંઈ બોલ્યો નહિ અને સાથે ચાલતો રહ્યો.

થોડી વાર ચાલ્યા પછી તેણે સાધુને કહ્યું કે, મહારાજ હવે હું આ પથ્થર ઉપાડીને આગળ નહિ ચાલી શકું, મારા હાથમાં દુઃખાવો થઇ રહ્યો છે.

સાધુએ કહ્યું કે, સારું આ પથ્થર અહિયાં મૂકી દે.

પથ્થર રાખતા જ વ્યકિતને રાહત થઈ. સાધુ બોલ્યા બસ આ છે ખુશ રહેવાનું રહસ્ય. જેવી રીતે તું એક પથ્થર ઉપાડીને વધુ દુર સુધી નથી ચાલી શકતો, બસ એ રીતે તું તારા દુઃખનો બોજ ઉપાડીને ખુશ નહિ રહી શકે.

વ્યક્તિને વાત સમજાઈ ગઈ. તેણે સાધુને પ્રણામ કર્યા અને દુઃખોને છોડીને આગળ વધવાનો સંકલ્પ લીધો.

લાઈફ મેનેજમેંટ : હંમેશા ખુશ રહેવા માંગો છો તો આપણે આપણા દુઃખોને, દુઃખ આપવા વાળી બાબતોને છોડીને આગળ વધવું જોઈએ. જો વીતેલા સમયની ખરાબ બાબતોને યાદ કરતા રહીશું, તો આપણે ક્યારેય ખુશ નહિ રહી શકીએ.