તે રહસ્ય જેના કારણે રાવણ ક્યારેય પણ માતા સીતાને સ્પર્શ કરી શક્યો નહિ.

0
771

જાણો રાવણે સીતા માતાને અશોક વાટિકામાં કેમ રાખ્યા હતા?

શું તમે ક્યારેય પણ એ વિચાર્યું છે કે, આટલા સમય સુધી રાવણની કેદમાં રહેવા છતાં પણ રાવણે માતા સીતાને સ્પર્શ પણ કેમ ન કર્યો? કે પછી શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે, રાવણ પાસે તો સોનાની લંકા હતી તેમ છતાં પણ રાવણે માતા સીતાને અશોક વાટિકામાં જ કેમ રાખ્યા હતા? ઘણા લોકો તેના જવાબમાં કહે છે કે, તે રાવણની મહાનતા હતી જે તેણે પોતાનું આચરણ યોગ્ય રાખ્યું. પણ એવું નથી.

ખાસ કરીને તેનું કારણ રાવણની મહાનતા નહીં પણ એક ઘટના છે જેના વિષે મોટાભાગના લોકોને ખબર નથી. આજે અમે તમને આ લેખમાં તે ઘટના વિષે જણાવીશું, જેના લીધે રાવણે ન માત્ર સીતા માતાને પણ દુનિયાની કોઈ પણ સ્ત્રીને તેમની મરજી વગર સ્પર્શ કરી શકતો ન હતો.

રાવણે કેમ ક્યારેય સીતાજીને સ્પર્શ નથી કર્યો?

આ પૌરાણીક કથાનો ઉલ્લેખ વાલ્મીકી રામાયણના ઉત્તરાકાંડમાં અધ્યાય 26 અને શ્લોક 39 માં મળે છે. આ કથા ભગવાન શ્રીરામના જન્મ પહેલાની છે.

કથા મુજબ જયારે રાવણે સમસ્ત પૃથ્વી જીતી લીધી અને સ્વર્ગ સુધી તેનું આધીપત્ય થઇ ગયું, ત્યારે થોડા સમય માટે તે પોતાના ભાઈ કુબેરના શહેર અલાકામાં વિશ્રામ કરવા માટે રોકાયો હતો. કુબેરનું આ નગર ઘણું સુંદર હતું. હિમાચલની નજીક હોવાથી અહિયાં ઠંડી હવા વહેતી હતી અને આખું નગર ફૂલોની સુગંધથી સ્નાન કર્યું હોય તેવું લાગતું હતું.

તે સમયે સ્વર્ગની અપ્સરાઓની રાણી રંભા પોતાના થનારા પતિ નલકુબેરને મળવા જઈ રહી હતી, ત્યારે રસ્તામાં તેની મુલાકાત રાવણ સાથે થઇ ગઈ.

રાવણે જ્યારે રંભાને જોઈ તો તે રંભાની સુંદરતા ઉપર મોહિત થઇ ગયો. રાવણે રંભા સાથે દુરાચાર કરવાનો પ્રયત્ન કર્યો. તે જોઈ રંભાએ રાવણને જણાવ્યું કે, તે રાવણના ભાઈ કુબેરના દીકરા નલકુબેરની થનારી અર્ધાંગીની છે, અને તેથી તે સંબંધમાં રાવણની પુત્રવધુ થશે એટલા માટે તેને છોડી દે. પણ રાવણ ઉપર રંભાની વાતની અસર ન થઈ અને તેણે એ બધું જાણતા હોવા છતાં પણ રંભા સાથે દુરાચાર કર્યો.

પાછળથી જયારે નલકુબેરને એ વાતની જાણ થઇ, તો તેણે રાવણને શ્રાપ આપી દીધી કે જો તેણે આજ પછી કોઈ પણ સ્ત્રીને તેની મરજી વિરુદ્ધ ખોટા આશયથી સ્પર્શ કર્યો કે પછી કોઈ સ્ત્રીની મરજી વગર તેને પોતાના મહેલમાં રાખશે તો રાવણના મસ્તકના સો ટુકડા થઇ જશે.

આ ઘટના પછી જયારે સીતાનો સ્વયંવર થયો હતો, ત્યારે રાવણ પણ તે સ્વયંવરમાં હાજર હતો. રાવણ પણ સીતા સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવતો હતો પણ તેની તે કામના ક્યારેય પૂરી ન થઇ શકી.

પાછળથી જયારે તેણે સાધુ વેશમાં આવીને સીતાનું હરણ કર્યું, તો નલકુબેરના શ્રાપને કારણે જ તેણે મજબુર થઈને સીતાને અશોક વાટિકામાં રાખવા પડ્યા. કારણ કે તેને ખબર હતી કે, જો તેણે માતા સીતા સાથે દુરાચાર કરવાનો પ્રયત્ન કર્યો, કે પછી તેમને પોતાના મહેલમાં રાખ્યા તો નલકુબેરના શ્રાપને કારણે તેના મસ્તકના સો ટુકડા થઇ જશે.

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.