નાટિકા :- “આશા”
(સામાન્ય પરિસ્થિતિનું એક ઘર)
આશા – મા હું ધોરણ 8માં ડીસ્ટીક્શન સાથે ખુબ જ સારા ટકે પાસ થઈ.
મા – શું કીધું અલી? શું પાસ થઈ? ચેવી રીતે પાસ થઇ? મને તો કાંય ખબેર ના પડી શું કે’સે શીખર.
આશા – મા હું એમ કહું છું કે, મારા ધોરણના બધા વિદ્યાર્થીઓમાં હું હોશિયાર છું. મા બીજી ખબર છે તને કે આજે અમારી શાળામાં ફંકશન હતું? ગઈ કાલે મેં તને અને પિતાજીને નહોતું કહ્યું કે તમારે શાળામાં આવવાનું છે, પણ તમે તો આવ્યાં જ નહિ. હાં, તો શાળાના ફંકશનમાં મને બિરદાવવામાં આવી. ગામના સરપંચશ્રીના હાથે મને આ ટ્રોફી પણ મળી જો. અને સરપંચશ્રીએ કહ્યું કે આવા આપણા ગામના ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે સૌએ સાથે મળીને તન, મન, ધનથી મદદ કરવી. જેમને આગળ અભ્યાસ માટે ઓછી સગવડ છે તેવા વિદ્યાર્થીઓને સહાયભૂત થવું.
મા – તું બોલે સે તો ખુબ હારૂ પણ મને બળ્યું કાંય ખબેર નથી પડતી, તારો બાપ ઘરે આવે એટલે બધુય કે’જે એમને. ઈ થોડું ભણેલા સે એટલે હમજસે બધુંય.
આશા – (ઘરમાં કેલેન્ડરવાળો ભગવાનનો ફોટો છે ત્યાં ટ્રોફી સાથે જઈને ભગવાનને વંદન કરે છે ને પ્રાર્થના કરે છે) હે ભગવાન! મને આગળ ભણવામાં મદદરૂપ બનજો. હું કંઈક બનીશ તો મારા માબાપનું નામ રોશન કરીશ ને એમનો ટેકો બનીશ.
મા – અલી શું બબડે સે ભગવાંનને ફોટે જઈને. શું કે’સે ભગવાંનને?
આશા – કંઈ નહિ મા, ભગવાનનો આભાર માનું છું.
મા- ચેવી ડાઈ દિકરી સે મારી!
(સાંજે કારખાનેથી મજુરીકામ કરીને પિતાજી ઘેર આવે છે)
પિતાજી – અરે આશા, થોડું ગરમ પાણી મેલ્યને. હાથપગ ધોઈ નાંખુ.
આશા – હા પિતાજી, આજે તો હું બહુ ખુશ છું, હું વર્ગમાં પ્રથમ નંબરે આવી. જુઓ આ ઈનામ.(ટ્રોફી બતાવે છે).
પિતાજી – ખુબ સારૂ, દિકરી કોની!
આશા – હા પિતાજી, હું તમારી લાડકી. તમે મને ખુબ ધ્યાન દઈને ભણાવી એનું આ પરિણામ. અને બીજી વાત કહું? આજે સરપંચશ્રી, ગુરૂજીઓ અને ગામના આગેવાનોએ કહ્યું કે મારે આગળ ભણવાનું છે.
પિતાજી – તારી વાત ખરી છે દિકરી પણ આપણે એટલાં સુખી નથી કે તને આગળ ભણાવવાનો ખર્ચ કરી શકીએ. ને હા, આજે મારે શાળામાં આવવું હતું પણ મારા શેઠ સાહેબે રજા ના આપી, પૈસાનો પહેલેથી ઉપાડ કરેલ છે એટલે બોલવું પણ શું?
આશા – સરપંચશ્રી અને આગેવાનોએ આગળ ભણવામાં મદદરૂપ થવાની પણ વાત કરી છે. પિતાજી મારે આગળ ભણવું છે.
પિતાજી – જો ટેકો મળે તો ખુબ સારૂ, ને સરપંચ તો ભગવાનના માણસ છે, એ બોલે એ પાળે છે. જરૂર ભણાવીશ તો તો દિકરી તને. (આશા પિતાજી ને ભેટી પડે છે).
માતા – (આ બધી વાતો ધ્યાનથી સાંભળીને) જોવો તમારી વાતો મું હમજુ’સું પણ થોડુંક ઘરનુંય વચારો. ને છોડી તેર ચઉદ વરહની થઈ, હવે હગું હગપણ ગોતવું પડસે ને ખરસા બધા ચ્યાંથી કરશ્યાં? થોડું હમજો,આપણા નસીબમાં ભણવાનું ચ્યાંથી?
આશા – મા તું ચિંતા ના કરીશ. જે દિવસે એવું લાગશે એ દિવસે ભણવાનું છોડી દઈશ બસ.
માતા – એ રાંમ આ અમાં જેવાં ઓશિયાળાંને ત્યાં આવી ડાઈ દિકરી ચ્યાંથી આલી? લ્યો હારૂ તારે હવે ખઈલ્યો, રોટલા ઢાઢા થાય સે.
(જમ્યા પછી આશા ઉંઘી જાય છે ને માબાપ ચર્ચા કરે છે)
માતા – જોવો, ભણાવવાની તો મુય ચ્યાં ના પાડુ’સું? છોડી કાલ્યે ઉમરલાયક થાશ્યે ને બાર્યે ભણવા મેલવાની, જમાંનો ચેવો સે? બળ્યું મારો તો જીવ નથી માંનતો.
પિતાજી – જો, આપણી હાલત ગમે તેવી હોય પણ આ જીંદગીમાં હજી કોઈનું હરામનું ખાધું પીધું નથી ને નથી કોઈનું ખોટું લીધું કે નથી ખોટામાં ભાગ ભજવ્યો. બે ટાઈમ ભલે ભગવાનનો દિવો ના કરી શક્યાં પણ એના પર કાયમ વિશ્વાસ રાખ્યો છે. આપણું સંતાન ક્યારેય ખોટે રસ્તે ના જાય એટલું તો છાતી ઠોકીને કહું છું. (પત્ની ને હૈયાધારણ આપે છે)
માતા – હારૂ તારેં મુય એને કોય દા’ડો ઘરનું કાંમ નઈ કરાવું બસ! ભણાઈએ તારેં. લ્યો ઉંઘી જૌ હવે થાચ્યા હસો.
(ચાર વર્ષ પછી. આશા કુટુંબી બહેનના મોબાઈલમાં ધોરણ 12નું રીઝલ્ટ સર્ચ કરી જુએ છે ને હર્ષની ચીચીયારીઓ પાડે છે, માતા પિતા પણ રાહ જોઈને બેઠાં છે. દોડીને બધાં ભેગાં થાય છે. આડોશી પાડોશી ટોળે વળી જાય છે.)
આશા – મા, પિતાજી મારે બાણું ટકા આવ્યા. ને બે વિષયોમાં તો સોમાંથી સો ગુણ આવ્યા છે. (બધાં આશાને ઉંચકી લે છે પણ મા ક્યાંય દેખાતી નથી)
આશા – (ચારે તરફ જોઈને)પિતાજી મારી મા ક્યાં છે? (સૌ કોઈ ચારે તરફ જુએ છે ને તરત જ મા હાથમાં પેંડાનું પડીકું લઈને આવી બધાં ને મોં મીઠું કરાવે છે બધે આનંદ છવાય છે. મા દિકરી હરખનાં આંસુ સાથે ભેટી પડે છે)
પિતાજી – (પત્ની ને સંબોધીને) તું તો બધાંયથી હોશિયાર નિકળી! વાહ ભઈ વાહ!
માતા – એટલી તો ખબેર અમાંનેય પડે ને! ભલે અભણ રયાં અમે પણ કાંય ભોટ નથી હો.
(બીજા દિવસે સરપંચ અને ચાર પાંચ ગ્રામ્યજનો આશાને ઘેર આવીને આશાના પિતાજી સાથે વાત કરે છે)
સરપંચ – જો ભાઈ આ દિકરી આપણા ગામનું રતન છે ને હવે એને આગળ ભણાવવાની બધી જ કાર્યવાહી અમે કરશું. તમે કોઈ ચિંતા કરશો નહિં.
પિતાજી – તમારો સૌનો આભાર. એની પાઈ પાઈ ખર્ચનું દેવુ અમે ચૂકવી દઈશું.
સરપંચ – જુઓ, આમાં ક્યાંય ઘણો ખરચો કરવાની જરૂર નથી, દિકરીને ટકાવારી સારી છે એટલે સરકારી કોલેજમાં એડમિશન મળી જશે.ત્યાં શિષ્યવૃતિ પણ મળશે ને છતાંય જરૂર પડ્યે બેંક લોન કરશું. તમે બિલકુલ ફિકર છોડી દો.
(પાંચ વરસ પછી એમ.બી.બી.એસ ની ડીગ્રી લઈને આવેલી આશા. ઘેર સગાં વહાલાં ને ગ્રામ્યજનો હાજર છે, પિતાજી ઘરમાં નવો ખરીદી લાવેલ ભગવાનનો ફોટો પડોશીના ઘેરથી લાવેલ ખુરશીમાં ગોઠવીને દિવો કરી ચોધાર આંસુએ પાર્થના કરી રહ્યા છે.)
પિતાજી – પ્રભુ! આજે મારે ઘેર સોનાનો સૂરજ ઉગ્યો છે, તારી કૃપા અપરંપાર છે..(હીબકે ચડે છે.)
માતા – લ્યો ઉઠો હેંડો હવે. ગાંડા ના થૌ. આતો આપડા હજાર હાથાંવાળા નાથનો પરતાપ સે ને આખા ગાંમના પરેમનોય પરતાપ પાસો. લ્યો આશા આઈ જઈ સે ને બધાં વાટ્ય જોવે સે. પિતાજી બહાર આવે છે અને આશાને ભેટી પડે છે.થોડી વાર પછી)
સરપંચ – જુઓ ભાઈઓ, દિકરી આશા તો આપણા ગામનું હીર છે, પણ સૌથી પહેલાં સન્માન તો એનાં માતાપિતાનું કરવું છે. તડકો છાંયડો વેઠીને ડોકટર તો એમણે બનાવી છે. દિકરી દિકરાના ભેદને હડસેલીને આદર્શ માબાપ બન્યાં છે. (સાલ ઓઢાડીને બન્નેનું સન્માન કરાય છે)ને હવે બધાં બોલજો હો..
દિકરો દિકરી એક સમાન..
દીકરીને પણ આપો માન..
વિદ્યા કેરાં આપો દાન..
કરવા સમાજનું ઉત્થાન..
આશા – (બધાંને મળે છે અને પછી) મારાં આદરણિય માતા પિતા, ગ્રામ્યજનો અને સગાં વહાલાં….
બે શબ્દો ગાવા છે મારે..(ગાય છે)
હું આશા કરૂ છું આશ..
મને કરશો નહિ નિરાશ..
નથી મૃગજળનો હું આભાશ..
લાવું સમાજે નવો ઉજાશ..
હું છું મમતાની મીઠાશ..
ના કરશો મુજને ઉદાસ..
ઉરમાં માતપિતાનો વાસ..
હું સાસરીયાંનો પ્રકાશ..
કરાવો શિક્ષણનો પ્રવાસ..
કરો મારી ઉન્નતિનો પ્રયાસ..
(બધાં લાંબા સમય સુધી તાળીઓ પાડે છે.)
પરિકલ્પના અને લેખન – નટવરભાઈ રાવળદેવ.