શુક્રવાર વ્રત કથા : જ્યારે વણિકની પત્નીને શુક્ર દેવતાએ પોતાની કહી અને ત્યાર બાદ શું થયું વાંચો વ્રત કથા.

0
404

એક વણિકપુત્રના લગ્ન થયા હતા પણ તેની પત્ની પિયરમાં હતી. હજુ આણું કર્યું નહોતું. શુક્રનો ઉદય થયો નહોતો, એટલે પત્ની સાસરે આવી નહોતી.

એના મિત્રોની પણ પત્ની હતી. બધા જ કહેતાં અમે કેટલા નસીબ વાળા છીએ. અમારી પત્ની અમારી સેવા કરે છે. અમે જે માંગીએ તે તરત આપે છે.

વણિકપુત્ર આ બધી વાતો સાંભળતો. તેને મનમાં ને મનમાં ગુસ્સો આવતો કે પત્ની પિયરમાં કેમ પડી રહી છે. અહી આવતાં તેનું શું થાય છે.

એક દિવસ તે ગુસ્સામાં આવી ગયો, ‘હું પત્નીને લેવા જવું છું’ તેણે કહી દીધું

‘આ શું જિદ્દ છે, આવી રીતે પત્નીને ન લવાય. હજુ તો શુક્રનો દિવસ થયો નથી, અને વહુની ઉંમર પણ પૂરી થઈ નથી. વહુને તેડવાની સૂચના પણ આપણે આપી નથી. વહુને તેડવા જાય તો એ લોકો કેવી રીતે મોકલે?

‘તે હું કઈ જાણતો નથી, હું તો જવાનો એટલે જવાનો’ હવે તે પત્નીને લેવા સાસરે નીકળી પડ્યો.

સાસુ-સસરા જમાઈને એકાએક આવેલો જોઈને એકદમ નવાઈ પામી ગયા અને તેમણે પૂછ્યું : ‘આમ એકાએક ક્યાંથી જમાઈરાજ?’

‘ઘરે જ આવ્યો છું, મારી પત્નીને લેવા માટે’

‘આવી રીતે ન મોકલાય, હજુ તો શુક્રનો ઉદય થયો નથી. યોગ્ય મુહૂર્ત જોવું પડશે. દરેક વસ્તુની તૈયારીઓ પણ કરવી પડશે તે પછી છોકરીને સાસરે મોકલી શકાય. આવો જ રિવાજ આપણે ત્યાં છે.’

‘હું તે કઈ ન જાણું, પત્નીને હમણાં જ મારી સાથે મોકલવી હોય તો મોકલો નહીં તો હું પરદેશ નીકળી જઈશ’.

સાસુ-સસરા મૂંઝાયા. પત્ની કહે, ‘મને સાસરે મોકલી આપો. જે થવાનું હશે તે થશે. એ માનતા નથી એમને રાજી રાખો.’

માં-બાપને લાગ્યું કે આ વાત સાચી છે. તેમણે પણ છોકરીને હરખભેર વિદાઇ આપી.

પતિ-પત્ની ચાલવા લાગ્યા. બંનેએ એક સ્થળે રાત પસાર કરી. સવાર થઈ એટલે ફરીથી ચાલવા માંડ્યા.

હવે શુક્રદેવતાએ પોતાની ચાલ ચાલવા માંડી. તેઓ એક સોહામણા યુવાનના રૂપમાં વણીકપુત્રની સામે આવ્યા અને કહેવા લાગ્યા : ‘અલ્યા, તું મારી સ્ત્રીને ક્યાં લઈ જાય છે?’

‘એ સ્ત્રી મારી છે. તારી કયાંથી આવી?’

‘ખોટી વાત. તું મારી સ્ત્રીને ઉપાડી લાવ્યો છે.’ કહીને યુવાને સ્ત્રીને પોતાની તરફ ખેચી લીધી

વણિકપુત્રએ શુક્રને કહ્યું : ‘તું ખોટો છે. મારી સ્ત્રીને પચાવી પાડે છે. તું લુચ્ચો છે. હું અમુક ગામમાંથી તેણે લઈ આવ્યો છું. પૂછો એને.’

યુવાન બનેલ શુક્રએ સ્ત્રીને પૂછ્યું : ‘તું શું કહે છે?’

પણ સ્ત્રી બધુ ભૂલી ગઈ. તેના ગામનું નામ શું? તેના માં-બાપનું નામ શું? તેણે કઈ જ યાદ આવ્યું નહીં એટલે તેણે જવાબમાં કહ્યું ‘મને કઈ યાદ નથી.’

શુક્ર : અમારા બે માંથી તારો ઘણી કોણ છે?’

સ્ત્રી : ‘મને તે પણ યાદ નથી.’

આ તકરાર સાંભળીને લોકો પણ ભેગા થઈ ગયા.

વણિકપુત્રે કહ્યું : ‘આ ઠગ છે. તે મારી પત્નીને ઉપાડી જાય છે’

શુક્રએ કહ્યું : ‘આ લુચ્ચો છે. મારી સ્ત્રીને લઈ જાય છે.’

આમ બંને સ્ત્રી માટે દાવો કરવા લાગ્યા

આખરે શુક્રએ કહ્યું : ‘અ ટોળામાંથી પંચ નીમો અને હવે તે પંચ ચુકાદો કરશે તે જ માન્ય રાખવો.’

પંચ બેઠું

વણિક પુત્ર : હું મારી પત્નીને તેના ગામથી લઈને આવ્યો છું, તેના માતા-પિતાએ રાજીખુશી તેને મારી સાથે મોકલી છે.’

હવે શુક્રએ પોતાની ઓળખ બધાને આપી. તેમણે કહ્યું : હું શુક્ર દેવતા છું. હાલમાં શુક્રનો અસ્ત છે અને આ પત્નીને પોતાના ઘરે લઈ જાય તે ખોટું છે. એટલે તેની પત્ની મારી જ કહેવાય. શુક્રનો ઉદય પછી સારું મુહૂર્ત જોઈ તે ભલે સાસરે જાય. મારો વાંધો નથી. પણ શુક્રનો ઉદય ન થાય ત્યાં સુધી એ સાસરે ન જઈ શકે, આ મારો વાંધો છે.’

પંચે કહ્યું : ‘શુક્રની વાત સાચી છે. વહુ શુક્ર દેવતાની જ કહેવાય.’

‘તો કરવું શું?’

પંચે કહ્યું : ‘છોકરીને તેના ગામ મૂકી આવો, શુક્રનો ઉદય થયા પછી જ તેને વજતેગાજતે પોતાના ઘરે લઈ જવો’

વણિકપુત્રએ પંચની વાતનું માન રાખ્યું અને વહુને પાછી તેના ગામ મૂકી આવ્યો.

શુક્રનો ઉદય થયો અને તે પત્નીને સસરેથી લઈ આવ્યો હવે બંને ખૂબ સુખચેનથી જીવી રહ્યા છે.