“મોટા માણસ બનવાની લાલચમાં વ્યક્તિએ ગુમાવ્યું પોતાનું સાચું સુખ”, દરેકે વાંચવી જોઈએ આ સ્ટોરી.

0
904

એક ગામ હતું, ત્યાં એક દૂધવાળો રહેતો હતો. તેનું નામ દિનુ હતું. તે ગામને બદલે દૂર જંગલમાં પોતાની ઝૂપડીમાં રહેતો હતો. તેને ગામના અશાંત વાતાવરણની જગ્યાએ જંગલના શાંત વાતાવરણમાં રહેવાનું ગમતું હતું. તે પોતાની બે ગાય સાથે રહેતો હતો. તે ગાયોની સારી સંભાળ રાખતો અને દરેક રીતે તેમનું ખુબ ધ્યાન રાખતો હતો.

તે દરરોજ બંને ગાયને સ્નાન કરાવવા માટે એક સરોવરમાં લઇ જતો હતો. તેની બંને ગાયો વધારે દૂધ આપતી હતી. બંને ગાયો જે દૂધ આપતી તે વેચીને તે સુખદ જીવન જીવતો હતો.

દિનુ એક ઈમાનદાર માણસ હતો. તે પોતાના જીવનથી સંતુષ્ટ હતો. પણ તેના મનમાં મોટા માણસ બનવાની લાલચ જાગી. તે મોટા લોકોની જેમ જીવવા માંગતો હતો અને તે ઈમાનદારીથી જ પૈસા કમાવવા માંગતો હતો. તે પોતાના દૂધમાં કોઈ ભેળસેળ કરીને કે બીજું કોઈ ખોટું કામ કરીને પૈસા કમાવવા માંગતો નહોતો.

દિનુ એક દિવસ ગામમાંથી દૂધ આપીને જઈ રહ્યો હતો ત્યારે તેને ગામમાં એક સંત દેખાયા. તે ધ્યાનમાં બેઠા હતા. તેણે નક્કી કર્યું કે સંત મહારાજ જ્યાં સુધી ધ્યાનમાંથી જાગે નહિ ત્યાં સુધી અહીં જ રોકાઈ જવું. થોડા સમય પછી સંત ધ્યાનમાંથી બહાર આવ્યા અને દિનુને પૂછ્યું “શું સવાલ છે તારો?”

દિનુ : “મહારાજ હું પણ મોટો માણસ બનવા માંગુ છું પરતું મારે ઈમાનદારી જ મોટા બનવું છે. મારે લોકોને દગો આપવાનું કોઈ કામ કરવું નથી.’

સંત : તું આ નજીકની નદીમાં જા અને માછલીને તારો સવાલ પૂછ તને તારા સવાલનો જવાબ મળી જશે.

દિનુ નદી પાસે ગયો અને માછલીઓને પોતાનો સવાલ પૂછ્યો તો માછલીએ કહ્યું, “હે દયાળુ માણસ તમારા સવાલનો જવાબ હું આપીશ પણ પહેલા મારા માટે પીવાનું પાણી લાવ”. દિનુ ચકિત થઈને કહે છે કે’ તમે પાણીમાં તો રહો છો તો પણ તમને પાણી પીવા માંગો છો? કેટલું વિચિત્ર છે.”

તે સમયે માછલીએ જવાબ આપ્યો, “તમે સાચું કહી રહ્યા છો અને તેમાં જ તમારો જવાબ છુપાયેલો છે. સત્ય, ધર્મ અને ઈમાનદારી મનુષ્યના હ્રદયમાં જ હોય છે. પરંતુ અજ્ઞાનને કારણે તે બહારની દુનિયામાં ખોવાઈ જાય છે. તમે પહેલાથી જ તમારા જીવનથી સંતુષ્ટ છો તો પણ તમારામાં મોટા માણસ થવાની લાલચ જાગી. મનમાં લાલચ આવવાના કારણે દરેક સમય તેનો વિચાર કરીને તમે જીવનનું સાચું સુખ ગમાવી દીધું.”

દિનુ સમજી ગયો કે, જો હું ઈમાનદારીથી કામ કરીશ તો ભલે હું મોટો માણસ બની ન શકું પણ સંતોષપૂર્ણ અને શાંતિ પૂર્વક જીવન જીવી શકીશ.