આ છે હિંદુ ધર્મની દસ સૌથી શક્તિશાળી દેવીઓ, જાણો તેમના વિષે.

0
1080

માતા સીતાથી લઈને કાળી માં સુધી આ છે હિંદુ ધર્મની 10 સૌથી શક્તિશાળી દેવીઓ. હિંદુ ધર્મમાં શક્તિનું પ્રતિનિધિત્વ કરવા વાળા ઘણા દેવી-દેવતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ બધાને પૂજનીય અને શક્તિશાળી માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે, આ દેવી-દેવતા ગણ બ્રહ્માંડનું નિર્માણ, સંરક્ષણ અને વિનાશ કરે છે. આ પોસ્ટમાં તમે જાણશો હિંદુ ધર્મની દસ સૌથી શક્તિશાળી દેવીઓ વિષે.

(10) દેવી રાધા : દેવી રાધાને હંમેશા ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડીને જોવામાં આવે છે. તેમને રાધિકા કે રાધારાણીના નામથી પણ ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે, રાધા-કૃષ્ણ એક બીજા વગર અધૂરા છે. દેવી રાધાને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં રાધાને શ્રીકૃષ્ણની પત્ની રુકમણીથી વધુ પૂજનીય માનવામાં આવે છે. રાધા શ્રીકૃષ્ણની પ્રેમિકા છે, જે તેમની દિવ્ય શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. રાધાને કૃષ્ણ પ્રત્યે અસીમ ભક્તિ માટે પણ ઓળખવામાં આવે છે. તેજ અસીમ ભક્તિને કારણે હિંદુ ધર્મમાં શ્રીકૃષ્ણ સાથે રાધાને પણ પૂજવામાં આવે છે.

(9) કામઘેનુ ગાય : ગાયના રૂપમાં કામઘેનુની ઉત્પતી સમુદ્ર મંથન વખતે થઇ હતી. પુરાણોમાં કામઘેનુને તમામ ગાયોની માતા કહેવામાં આવે છે. આપણા ધર્મમાં કામઘેનુને ગુણોની દેવી માનવામાં આવે છે. જે ભક્ત સાચા મનથી કામઘેનુ ગાયની પૂજા કરે છે, તે તેમની તમામ મનોકામનાઓ પુરી કરે છે. કામઘેનુના શરીરના દરેક ભાગ પ્રતીકાત્મક મહત્વ ધરાવે છે. ઉદાહરણ માટે, તેમના ચાર પગ ચાર વેદોનું પ્રતિનિધિત્વ કરે છે, સિંગડા દેવતાઓનું પ્રતિક છે, અને ખૂંધ હિમાલય સમાન ઉભું છે. હિંદુ ધર્મમાં ગાયને પૃથ્વીની માતાના રૂપમાં પણ પૂજવામાં આવે છે, કારણ કે તેમનું દૂધ માનવ જીવનનું પોષણ કરે છે.

(8) દેવી તુલસી : દેવી તુલસીને હિંદુ ધર્મમાં છોડના રૂપમાં પૂજવામાં આવે છે. તુલસીની પૂજનીયતા સાથે જોડાયેલી કથાઓ પ્રચલિત છે. એક કથા મુજબ દેવી તુલસી તેમના પૂર્વ જન્મમાં શિવજીના પુત્ર જાલંધરની પત્ની વૃંદા હતી. જાલંધરનો જન્મ શિવજીની ત્રીજી આંખથી થયો હતો જેના કારણે જ તે ઘણો શક્તિશાળી હતો. એવું માનવામાં આવે છે કે પત્ની જાલંધરને તેમની પત્ની વૃંદાની પવિત્રતાને કારણે કોઈ મારી શકતું ન હતું. જેથી તે દેવતાઓ માટે જોખમ બનતો જતો હતો.

વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. વિષ્ણુજી દુનિયાને જાલંધરના અ ત યા ચારથી બચાવવા માટે જાલંધરનું રૂપ ધારણ કર્યું અને વૃંદા સાથે રહેવા લાગ્યા. ત્યાર પછી વૃંદાનું સતીત્વ સમાપ્ત થઇ ગયું અને શિવજીએ જાલંધરનો અંત કરી દીધો. એ વાત જયારે વૃંદાને જાણવા મળી, તો તેમણે વિષ્ણુજીને પથ્થરના રૂપમાં જન્મ લેવાનો શ્રાપ આપી દીધો, જેથી આજે પણ તેમને શાલીગ્રામના રૂપમાં પૂજવામાં આવે છે. વૃંદા પોતે ચિતાની અગ્નિમાં સળગીને ભસ્મ થઇ ગઈ. અને પછી તે જગ્યાએ વૃંદાએ તુલસીના છોડના રૂપમાં જન્મ લીધો.

(7) દેવી ગંગા : હિંદુ ધર્મમાં દેવી ગંગાને નદીના રૂપમાં પૂજવામાં આવે છે. લોકોને વિશ્વાસ છે કે તેમાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે. સાથે જ જીવન-મરણના ચક્રમાંથી પણ મુક્તિ મળી જાય છે. દેવી ગંગા પર્વત રાજ હિમાલય અને હિમવાનની દીકરી છે. પૃથ્વી ઉપર ગંગાનું અવતરણ ઈક્ષ્વાકુ વંશ એટલે રામચંદ્રજીના વંશજ ભગીરથના અનુરોધ ઉપર થયો હતો. એવું માનવામાં આવે છે કે, રાજા ભાગીરથે તેમના પૂર્વજોના મોક્ષની પ્રાપ્તિ અને દેવી ગંગાને પૃથ્વી લાવવા માટે બ્રહ્માજીની ઘોર તપસ્યા કરી હતી.

ભગીરથની તપસ્યાથી પ્રસન્ન થઇને બ્રહ્માજીએ દેવી ગંગાને પૃથ્વી ઉપર અવતરિત થવાનો આદેશ આપ્યો. ત્યારે શિવજીએ ગંગાના વેગને પોતાની જટાઓમાં સમેટી લીધો અને તેમની નાની નાની ધારાઓને જ પૃથ્વી ઉપર પડવા દીધી. પુરાણોમાં કહેવામાં આવે છે કે, ગંગા એકમાત્ર એવી નદી છે જે ત્રણે લોકોમાં વહે છે. સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ. એટલા માટે સંસ્કૃત ભાષામાં તેને ટ્રીપથગા કહેવામાં આવે છે.

(6) દેવી સીતા : દેવી સીતા પ્રભુ રામની પત્ની અને મીથીલા નરેશ જનકની પુત્રી હતી. નેપાળના જનકપુરમાં સીતાજીના નામ ઉપરથી જાનકી મંદિર પણ છે. એવું માનવામાં આવે છે કે, દેવી સીતાજીનો જન્મ ધરતીમાંથી થયો હતો. એટલા માટે તેમને ધરતી માતાની દીકરી પણ કહેવામાં આવે છે. પતિને વનવાસ મળ્યા પછી દેવી સીતા રામચંદ્રજી સાથે વનમાં પણ જાય છે. લંકામાંથી પાછા આવ્યા પછી માતા સીતાએ તેમની શુદ્ધતા સાબિત કરવા માટે અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું. એટલા માટે દેવી સીતા સ્ત્રીની શક્તિ અને સદાચારનું પ્રતિનિધિત્વ કરે છે.

(5) દેવી સરસ્વતી : હિંદુ ધર્મમાં માતા સરસ્વતીને જ્ઞાન, સંગીત અને વિદ્યાની દેવી માનવામાં આવે છે. તેમને શારદાના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમનું વાહન હંસ છે. તેમના હાથમાં વીણા અને પુસ્તક છે. વસંત પંચમીના દિવસે સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. ભક્ત સવારે વહેલા ઉઠે છે અને તેમના મંદિરોમાં જ્ઞાનના આશીર્વાદ મેળવવા માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

(4) દેવી લક્ષ્મી : દેવી લક્ષ્મીને ધન અને સમૃદ્ધીની શક્તિશાળી દેવી માનવામાં આવે છે. દિવાળીના દિવસે ભક્ત પોતાના ઘરને પ્રકાશ અને ફૂલોની માળાઓથી શણગારે છે અને માં લક્ષ્મીની પૂજા કરે છે. તે ભગવાન વિષ્ણુની પત્ની છે. લક્ષ્મી ન માત્ર ભૌતિકવાદી ધનનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ મહિમા, આનંદ અને સન્માનનું પણ પ્રતિનિધિત્વ કરે છે. જે પણ ભક્ત શ્રદ્ધાથી દેવી લક્ષ્મીની નિત્ય પૂજા કરે છે, તેમણે જીવનમાં કોઈ પણ દુઃખનો સામનો નથી કરવો પડતો.

(3) દેવી કાળી : ભયંકર-વિકરાળ રૂપી કાળા વર્ણવાળી માં કાળી ભગવાન શિવના નેત્રમાંથી ઉત્પન થયા છે. શક્તિશાળી દેવી કાળીને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. દેવી કાળીને જ્ઞાનની દેવી અને આત્માને મુક્ત કરી મોક્ષ આપવાવાળી દેવી તરીકે પણ પૂજવામાં આવે છે. દેવી કાળીને માતા પાર્વતીનો અવતાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, માતા પાર્વતીએ રાક્ષસ રકતબીજનો વધ કરવા માટે કાળીનું રૂપ ધારણ કર્યું હતું. માં કાળીના કપાળમાં ત્રીજું નેત્ર અને ચંદ્ર રેખા શોભિત છે. કંઠમાં કરાલ વિશનું ચિન્હ અને હાથમાં ત્રિશુળ, મૂંડ માળા, છરી અને એક પાત્ર છે જે માતાના રૂપને ભયંકર બનાવે છે.

(2) દેવી પાર્વતી : પાર્વતી દેવી પણ પર્વત રાજ હિમાલય અને હિમવાનની પુત્રી છે. એટલે એવું માનવામાં આવે છે કે, માતા પાર્વતી દેવી ગંગાની બહેન છે. તેમને ગૌરીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમની સવારી સિંહ કે વાધ છે. તે ભગવાન શિવની પત્ની અને કાર્તિકેય અને ગણેશની માં છે. માતા પાર્વતી સતીનો અવતાર છે, જે એક સમયે શિવજીના પત્ની હતા, તે પોતાના પતિ પ્રત્યે પોતાના પિતાના અપમાનજનક વર્તનને કારણે આગમાં ભસ્મ થઇ ગયા હતા. માતા પાર્વતી દેખરેખ અને માતૃત્વ શક્તિનું પ્રતિક છે.

(1) દેવી દુર્ગા : દેવી દુર્ગાની પૂજા નવરાત્રી દરમિયાન ઘણી ધામધૂમ સાથે કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં દેવી દુર્ગાને સૌથી શક્તિશાળી દેવી માનવામાં આવે છે. દેવી દુર્ગાએ મહિષાસુર જેવા શક્તિશાળી અસુરનો નાશ કરી મનુષ્ય જાતીનો ઉદ્ધાર કર્યો હતો. સમસ્ત બ્રહ્માંડમાં માં દુર્ગા સ્ત્રી શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની સવારી પણ સિંહ કે વાધ છે. તેમના હાથમાં ત્રિશુળ છે જે તેમને શંકરે આપ્યું હતું. તે ઉપરાંત ભગવાન વિષ્ણુએ તેમને સુદર્શન ચક્ર પ્રદાન કર્યું. પવનદેવે ધનુષ્ય અને બાણ ભેટ આપ્યા. ઇન્દ્રદેવે વજ્ર અર્પણ કર્યું. યમરાજે કાળ દંડ ભેટ આપ્યો. અને સૂર્ય દેવે માતાને તેજ પ્રદાન કર્યું.

આ માહિતી ધ ડીવીન ટેલ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.