ગુરુ શિષ્યની સત્યકથા, જાણો કઈ રીતે નિરાધાર શિક્ષકનો આધાર તેમના વિદ્યાર્થીઓ બન્યા.

0
632

મલ્લાપુરમ એ કેરળમાં આવેલું નાનું શહેર છે એક શિક્ષિત બહેન રેલવેની ભીડને ચીરતા ખુબ ઉતાવળેથી પોતાના ઘરે જઈ રહ્યાં છે અને ઓચિંતી તેની નજર એક ગરીબ ભીખારણ પર પડી. કંઈક વિચાર વલોંંણું ઉઠ્યું. અને દ્રષ્ટિ ત્યાં થંભી જાય છે. અને અચાનક તેમના ડગ આગળ વધતા અટકી જાય છે.

ધીમે રહી પોતાની નજર પાછળ ઘુમાવી એ પેલી ભીખારણ પાસે જાય છે. ધ્યાનથી જોતાં તેમનો ચહેરો સહેજ પરિચિત લાગે છે. તેમનું નામ ખૂબ નમ્ર ભાવે પૂછતાં એ ભીખારણ પોતાનું નામ જણાવે છે. એ સાંભળતા જ બહેન ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે.

આ એ જ એનાં પથદર્શક મેથ્સનાં ટીચર જે તેના જેવા હજારો વિદ્યાર્થીઓનાં પ્રેરણાદાયક પ્રતિમા છે. તે બહેન ગમગીન થઈ જાય છે. તે ભિખારણ પાસે બેસીને પુછે છે મને ઓળખો છો? હું તમારી પ્રિય વિદ્યાર્થિની પ્રિયંકા. ભિખારણ અમીટ દ્રષ્ટિથી પ્રિયંકાને જોઈ રહે છે. અને સ્વયંભૂ એના હાથ ફેલાઈ જાય છે. પ્રિયંકા તેની બાહોમાં સમાઈ જાય છે. આ ગંદી ગોબરી ભિખારણ અને સ્વચ્છ સુથરી યુવતિનું મિલન લોકોને કુતુહલ જગાડે છે. બંનેની આંખોમાં શ્રાવણ ભાદરવો સાગમટે ઊમટી પડે છે.

થોડીવાર બાદ બંને સ્વસ્થ થાય છે. પ્રિયંકાએ ભિખારણનો લગર વગર સામાન ફંફોશીને કામનો સામાન સાથે લીધો. સ્પેશ્યલ કાર કરી પ્રિયંકા પોતાના ઘેર લાવી. પોતાના હાથે સ્નાન કરાવી નવાં કપડાં પહેરાવી ગરમા ગરમ ચા નાસ્તો કરાવી હળવાશથી તેમની પાસે બેઠી. તેમને પૂછતાં દિલ દહેલાવી દે તેવી એક કથા સાંભળવા મળી.

પતિના ગયા પછી ત્રણ દીકરામાંથી એક પણ દીકરો એક પણ ટંકનું ભોજન આપવા તૈયાર નથી. માતા-પિતાને રહેવા માટેનું પૈતૃક ઘરને વેચી નાંખીને ત્રણે દીકરાઓએ તે રકમને સરખે ભાગે વહેંચી લઈને વિધવા માતાને રસ્તે રઝળતી કરી દીધી.

કોઈ આધાર અને આવક ન રહેતાં મેથ્સ ટીચર બાજુના શહેરમાં રેલવે સ્ટેશન ઉપર ભીખ માંગી રહ્યાં હતાં. પ્રિયંકાનું હૃદય દ્રવી ઉઠ્યું. તેણે કૈંક નિર્ણય કર્યો.

ફટાફટ ફોન નંબર ડાયલ થવા લાગ્યા 24 કલાકમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના આદરણીય મેથ્સ ટીચર માટે ભેગા થવા લાગ્યા. એક અઠવાડિયામાં અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાની ગુરુદક્ષિણાની લાજ સચવાય એમ લાખો રૂપિયા સાથે ઉમટી પડ્યા.

જોતજોતામાં એક ફુલ ફર્નિશ ઘર ખરીદી લેવામાં આવ્યું. છ મહિના ચાલે તેટલું રાશન અને દર મહિને એક ચોક્કસ રકમ પોતાના ગુરુજીને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી. આજે પણ ગૌરવભેર જીવે છે એ ગુરુ અને ગૌરવ લે છે એના વિદ્યાર્થિઓ.

ગુરુપુર્ણિમાના દિવસે સર્વે એમના ઘેર ભેગા થઈ ઉત્સવ ઉજવે છે. બહુ ખુશ છે ગુરુજી અને શિષ્યો પણ પેટના જાણ્યા બહુ દુ:ખી છે.

વંદન છે આવા વિદ્યાર્થીઓને.

ટીચર અત્યારે પણ નિસાસા નાખે છે કે હજારો વિધાર્થીઓને સંસ્કારનું સિંચન કરનાર તે પોતાના પેટના જણ્યાને સંસ્કાર ના આપી શક્યા.

– સાભાર પ્રકાશ ઓઝા (અમર કથાઓ ગ્રુપ)