દાન કર્યા વિના દાનનું પુણ્ય : આ સ્ટોરી તમારી વિચારસરણી બદલી દેશે.

0
563

એક વખત એક રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો, હજારો લોકો અને ઢોરો ભુખે મ રવા લાગ્યા. એ રાજ્યમાં એક સંત રહેતા હતા. તેમનાથી આ દુઃખ જોવાયું નહી. તેમણે નગરના ધનિકો પાસે દાન માટે ટહેલ નાખી, પણ કાંઈ વળ્યું નહી. તેથી તેમણે એક યુક્તિ કરી. તે એક મહાન કંજૂસ શેઠ પાસે ગયા અને કહ્યું : શેઠજી, મારે તમારી પાસેથી દાનમાં કશું જ જોઈતું નથી, ફક્ત દસ હજાર રૂપિયાનો એક ચેક લખી આપો. સાંજે હું તે ચેક પરત કરી દઈશ.

કંજૂસ ધનિકે સંતને પૂછ્યું, બાપજી, તમે એ ચેકનું સાંજ સુધી શું કરશો? સંતે કહ્યું, તમે આ નગરમાં મહાન કંજૂસ ધનિક તરીકે જાણીતા છો. બરાબર? હું નગરના બીજા ધનિકોને તમારો ચેક બતાવીશ. એટલે તેઓને થશે કે તમે દશ હજાર રૂપિયા દાનમાં આપો તો અમે શું કમ છીએ? અમે પણ કેમ ના આપીએ? આમ અંદર અંદર હરીફાઈ થશે અને દુષ્કાળ રાહત સેવા ફંડમાં સારી એવી રકમ ભેગી થઈ જશે. આથી તમને દાન કર્યા વિના દાનનું પુણ્ય મળશે. એટલું જ નહિ, તમને સુખ અને આનંદની પ્રાપ્તિ થશે.

શેઠને થયું, વિના દાને પુણ્ય મળ્યું હોય તો શું ખોટું? શેઠે તરત જ ચેક લખીને સંતના હાથમાં મુક્યો. સંતે તે ચેક ગામના બીજા ધનિકોને બતાવ્યો અને સંતે શેઠને કહ્યું હતું તેમ જ બન્યું. કંજૂસ શેઠના દાનની વાત સાંભળીને ધનિકોમાં અંદર અંદર રાહત સેવા ફંડમાં હજારો રૂપિયા ભેગા થઈ ગયા.

સાંજ પડી સંત કંજૂસ શેઠની પાસે ગયા અને શેઠનો અતિશય આભાર માની ચેક પાછો આપવા લાગ્યા. શેઠે તે ચેક પાછો લેવાની ના પાડી અને ઉપરથી પચ્ચીસ હજાર રૂપિયાનો બીજો ચેક લખી સંતના હાથમાં મુક્યો.

સંતે શેઠને તેનું કારણ પૂછ્યું તો શેઠે કહ્યું, મને આજ સુધી દાનના મહિમાની કશી ખબર જ ન હતી. મે દાન કર્યું છે, એવી વાતો જેના જેના કાને ગઈ, તે બધા મને ધન્યવાદ આપવા લાગ્યા અને મારી પ્રશંસા કરવા લાગ્યા. આથી મને એટલું બધું સુખ મળ્યું કે જે સુખ મે મારી આખી જિંદગીમાં ક્યારેય મેળવ્યું નથી. સંતે શેઠનો આભાર માન્યો અને ‘દુષ્કાળ રાહત સેવા’ ના કામમાં લાગી ગયા.

લેખક – ચારુબેન પટેલ.

(સાભાર હસમુખ ગોહિલ, અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે.)