એક અજાણ્યા વ્યક્તિએ રાતના સમયે એકલી મહિલા માટે જે કર્યું તે જાણીને હૃદય દ્રવી ઉઠશે, વાંચો સ્ટોરી.
જાન્યુઆરીની ઠંડીની રાત હતી. ભારે ધુમ્મસ પણ હતો. એવામાં સુધાએ ઘરે પાછા જવા માટે સાડા આઠ વાગ્યાની ટ્રેન પકડવાની હતી. અહીં તે પોતાના માતા-પિતાને મળવા આવી હતી અને તેનો પતિ મોહન કામની વ્યસ્તતાને કારણે તેની સાથે આવ્યો ન હતો.
આ પહેલા પણ તેણીએ એકલી મુસાફરી કરી હતી પરંતુ તે રાત્રે ઘણું ધુમ્મસ હતું. જ્યારે તે સ્ટેશન પર પહોંચી ત્યારે તેને ખબર પડી કે તેની ટ્રેન પાંચ કલાક મોડી છે. મમ્મી એકલી હતી એટલે પિતાને પાછા મોકલ્યા. પણ મનમાં ડર હતો કે તે સ્ટેશન પર પાંચ કલાક એકલા કેવી રીતે વિતાવશે. પાછી જાય તો ફરી સ્ટેશન આવવા માટે કોઈ વાહન ન મળે એટલે એ વિકલ્પ પણ પસંદ કરવા યોગ્ય ન હતો.
ટિકિટ એસી કોચની હતી એટલે તે વેઇટિંગ રૂમમાં પહોંચી પણ ત્યાં બે પુરુષો જ હતા.
ડરને લીધે તે દરવાજા પાસેના બાંકડા પર બેસી ગઈ. થોડી વારમાં પેલા બે પુરુષ પેસેન્જરોમાંથી એક જતો રહ્યો, કદાચ તેની ટ્રેન આવી ગઈ હતી. હવે એ રૂમમાં માત્ર સુધા હતી અને એક અજાણ્યો પુરુષ હતો.
પણ એ અજાણ્યો પુરુષ આછા પ્રકાશમાં ચુપચાપ છાપું વાંચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, થોડી વાર જ થઈ હતી કે બહારથી કેટલાક લોકોના અવાજો આવવા લાગ્યા. તેમની પણ ટ્રેન લેટ હતી, પણ તેઓ અંદર આવ્યા તો તેમની સાથે દારૂની દુર્ગંધ પણ આવવાની શરૂ થઈ ગઈ. સુધાને હવે વધારે ખરાબ લાગી રહ્યું હતું, કારણ કે પરિસ્થિતિ એવી હતી કે એ રૂમમાં તે એકલી જ સ્ત્રી હતી અને એ રૂમમાં પુરુષોની સંખ્યા હવે ચાર હતી.
ઉપરથી, સમાજમાં થતી બળાત્કાર જેવી ઘટનાઓને કારણે મન પહેલેથી જ ચિંતિત હતું. અચાનક રૂમમાં રહેલો છાપું વાંચી રહેલો પુરુષ પોતાની બેગ ઉપાડી સુધા પાસે આવ્યો બંનેની વચ્ચે બેગ મૂકીને બેસી ગયો. સુધા હજુ અચંબામાં જ હતી ત્યાં એક ચા વેચનાર અંદર આવ્યો અને બોલવા લાગ્યા – ચા… ગરમા ગરમ ચા…
પેલા પુરુષ મુસાફરે બે ચા નો ઈશારો કર્યો અને એક પોતે લીધી અને બીજી સુધાને આપવા કહ્યું. ચા વેચનારે બંનેને ચા આપી. સુધા ચા ના પૈસા આપે એ પહેલા પેલા અજાણ્યા પુરુષે ચા ના પૈસા આપી દીધા.
સમય વીત્યો અને ટ્રેનની જાહેરાત થઈ. પેલી અજાણી વ્યક્તિની ટ્રેન આવી ગઈ. પહેલા તે ઊભો થયો અને પછી બોલ્યો, અરે, શું વાત છે, ચાલો બહેન, આપણી ટ્રેનની જાહેરાત થઈ ગઈ છે.
સુધાએ તેની સામે જોયું અને પછી પેલા ત્રણેય દારૂડિયાઓને જોયા. પછી તે ચૂપચાપ ઉભી થઈ અને તે પણ બહાર નીકળી ગઈ. બહાર નીકળી થોડે દૂર પહોંચ્યા પછી પેલા અજાણ્યા વ્યક્તિએ કહ્યું, જુઓ બહેન, મને ખબર નથી કે આ તમારી ટ્રેન છે કે નહીં. પણ પેલા દારૂડિયાઓની વચ્ચે તમને એકલા મૂકીને જવાનું મન ન થયું, એટલે તમને બહાર બોલાવી લીધા.
મારે આ ટ્રેનમાં જવાનું છે, જો તમારી પણ આ જ ટ્રેન છે તો તમે તમારા કોચ તરફ જાવ.
સુધાએ કહ્યું, આ મારી ટ્રેન નથી, મારી ટ્રેનને થોડો સમય લાગશે. તમે જાઓ.
પેલા અજાણ્યા વ્યક્તિએ કંઈક વિચાર્યું અને પછી કહ્યું, બહેન, તમે ગભરાશો નહીં.
હું આગળની ટ્રેન પકડી લઈશ, પણ આવી સ્થિતિમાં દરેક ભાઈએ જે કરવું જોઈએ, હું પણ એ જ કરીશ. તમારી ટ્રેન આવી જાય પછી હું જઈશ.
અને તેણે તે ટ્રેન છોડી દીધી. થોડીવાર પછી સુધાની ટ્રેન આવી, તે અજાણી વ્યક્તિએ સુધાને તેના કોચમાં બેસવામાં મદદ કરી અને બહાર ઉભા રહીને ટ્રેનના જવાની રાહ જોવા લાગ્યો. જેવી ટ્રેન ચાલવા લાગી તેમ તે અજાણી વ્યક્તિ સુધાની નજરથી દૂર થતી જતી હતી. સુધા એ અજાણી વ્યક્તિ સામે હાથ જોડીને આભાર માન્યો અને તે અજાણી વ્યક્તિ માટે ભગવાનને પ્રાર્થના કરવા લાગી. કદાચ આજે સમાજમાં બનતી ઘટનાઓને કારણે તેણી સમાજ પરનો જે વિશ્વાસ ગુમાવી રહી હતી, આજે ફરી એ જ ભરોસો તે અનુભવી રહી હતી.
મારા મિત્રો…. ખરેખર પાંચેય આંગળીઓ સરખી નથી હોતી. આજે પણ સમાજમાં એવા લોકો છે જેઓ ઘરની બહાર પોતાની બહેન-દીકરીઓનું સન્માન કરે છે, તેમની ઈજ્જત કરે છે અને તેમના રક્ષણ માટે વાલીની જેમ ઊભા રહેવું પડે ત્યાં હાજર રહે છે.
એક સુંદર અને પ્રેરણાદાયક રચના.