ભાદરા મંદિરનું કામ ચાલતું હતું ત્યારે સ્વામીશ્રી તનતોડ મહેનત કરતા હતા, વાંચો તેમના પ્રેરક પ્રસંગની સ્મૃતિઓ.

0
370

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ.

ભાદરા મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે કુલ 23 વિભાગોમાં 2,225 સ્વયંસેવકો તથા સ્વયંસેવિકાઓ કાર્યરત હતાં, પરંતુ 1969 માં યોગીજી મહારાજે જ્યારે અહીં જ મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યારે આવું કોઈ સ્વયંસેવકદળ હતું નહીં.

દળ ગણો તોય સ્વામીશ્રીની શ્રીજીમહારાજ પ્રત્યેની શ્રદ્ધા અને બળ ગણો તો પણ સ્વામીશ્રીની શ્રીજી-મહારાજ પ્રત્યેની અતૂટ ભક્તિ અને યોગીજી મહારાજ પ્રત્યેની ગુરુભક્તિ હતાં. એ વખતના સ્વામીશ્રીના પરિશ્રમનો અમૂલ્ય દસ્તાવેજ તેઓએ જ લખેલી ડાયરીઓનાં પાને પાને મળતો રહે છે. ઇતિહાસનું આ સુવર્ણ દસ્તાવેજી પૃષ્ઠ છે.

અહીં થોડાંક એ અસલ પાનાંઓ સ્મૃતિ માટે પ્રસ્તુત છે. સ્વામીશ્રીએ સ્વ-હસ્તાક્ષરમાં કરેલી નોંધને યથાવત્ પ્રસ્તુત કરીને તેની નીચે તે જ વિગતો ટાઈપ કરીને પણ મૂકવામાં આવી છે.

ભીમજીભાઈ એ સ્મૃતિ વાગોળતાં નોંધે છે કે – ‘સ્વામીશ્રી તનતોડ મહેનત કરતા. ધર્મશાળામાં રૂમ તો હતી, પરંતુ લગભગ રૂમની બહાર રેતીના ઢગલા ઉપર જ સ્વામીશ્રી ગાતરિયું પાથરીને સૂઈ જતા. બાજુમાં જ મારી પથારી પણ થતી. સવારે ઊઠીને હરિભક્તો માટેના શૌચાલયમાં સ્વામીશ્રી જતા અને હરિભક્તોની નાહવાની ચોકડીમાં જ સ્વામીશ્રી નહાતા.

ધર્મશાળામાં મોટા મોટા ખાડા હતા. ઉત્સવ નિમિત્તે ત્યાં જ ભોજનશાળા, સભામંડપ, યજ્ઞશાળા કરવાનાં હોવાથી ત્યાં ખાડા પૂરવાના હતા. માટીનાં ટ્રેક્ટર તથા ગાડાં ભરીને માટી લાવીને ખાડા પૂરવામાં આવતા. યોગીજી મહારાજ પણ ત્યાં પધારતા અને ખુરશી નાખીને બેસતા. બધાને બળ આપતા અને સ્વામીશ્રી તો હંમેશાં હાજર જ હોય.

વળી, પાણી મંદિર સુધી લાવવાનું વિકટ કાર્ય સ્વામીશ્રીના કુશળ નેતૃત્વમાં અમે સૌ કરતા. ગામની પશ્ચિમ દિશામાં ઊંડી નદીના સામે કાંઠેથી પાણી લાવવાનું નક્કી થયું હતું. મંદિર સુધી પાઇપ નાખવાની હતી. આ પાઇપ નાખવાનું કામ એક મહિનો ચાલ્યું હતું.

દરરોજ સવારે 8:00 વાગ્યાથી રાતના 12:00 વાગ્યા સુધી કામ ચાલતું અને રાત્રે પાઇપ ફિટિંગનું કામ ચાલતું. પ્રમુખસ્વામી મહારાજ જાતે કામ કરાવવા લાગતા. રાત્રે પોતે જાતે જ નાસ્તો ઉપાડીને લાવતા અને દરેકને પ્રેમથી નાસ્તો પીરસતા. ક્યારેય મુખ ઉપર કંટાળો જોયો નથી કે મોળા શબ્દો સાંભળ્યા નથી. પોતે સેવા કરીને અમને સૌને તેઓ સેવા કરવાનું બળ આપી દેતા.

જય સ્વામિનારાયણ.

– સાભાર કલ્પેશસિંહ ગોહિલ (દિવ્ય સત્સંગ ગ્રુપ)