ગર્ભવતી ભાભીનું દુઃખ જોઈને નણંદે કર્યું એવું કામ જે દરેક મહિલા અને પુરુષે જાણવું જોઈએ.

0
3157

કાવ્યાનું સાસરિયું અને પિયર એક જ શહેરમાં અને ખુબ જ નજીક નજીક છે, એટલે કાવ્યાને ટાઈમ મળે એટલે તે પોતાના પિયર માં ભાઈ-ભાભીને મળવા માટે જતી રહે છે. એક દિવસ તે પિયર આવી હતી તો તેણીએ જોયું કે તેની ગર્ભવતી ભાભી ખૂબ ઉદાસ બેઠી હતી. એટલે તેણીએ તેનું કારણ પૂછ્યું તો તેની ભાભીએ જણાવ્યું,

ભાભી : “કાવ્યા બેન.. કાલે વરસાદને કારણે ટ્રાફિક જામ હતો એટલે મને ઘરે પહોંચવામાં થોડું મોડું થયું હતું, તો મમ્મી ગુસ્સે થઈ ગયા. આ બધુ મારા હાથમાં થોડું હોય. હવે તમે જ મને કહો.. મારે શું કરવું જોઈએ?”

દુઃખી હૃદયે મીનલે પોતાની મનની દરેક વાત પોતાની નણંદ કાવ્યાને જણાવી દીધી.

કાવ્યાએ પોતાની ભાભીને સમજાવતાં કહ્યું : “અરે ભાભી, મમ્મી ગુસ્સે થતી નથી પણ તે તમારા માટે ચિંતિત હોય છે. તમારામાં તેમનો જીવ વશે છે. વરસાદમાં તમે કોઈ જગ્યા પર લપસી ગયા હોત કે અટવાઈ ગયા હોત તો… એવું વિચારીને તમારા માટે ચિંતિત થઈ રહી હશે. તમે એક કામ કરો. તમને જોબ પરથી રજા મળી જાય એટલે રિક્ષા કે કેબ માં બેસો તો મમ્મીને એક ફોન કરી દેવાનો.”

કાવ્ય પોતાની ભાભીને સમજાવીને પોતાની મમ્મીના રુમમાં જાય છે.

કાવ્યાની મમ્મી : શું કહેતી હતી મીનલ? તે જરૂર મારી ફરિયાદ જ કરતી હશે, પછી ભલેને વાંક તેનો પોતાનો હોય, તે મારી જ ફરિયાદ કરે છે.

કાવ્યા બોલી : “અરે મમ્મી, તમે તો ખૂબ નસીબદાર છો. ભાભીને તમારા પર ઘણો વિશ્વાસ છે. તે કહી રહ્યા હતા કે મમ્મીના કારણે જ હું ચિંતા મુક્ત રહું છું. મને ઘરની ચિંતા ઓછી થઈ ગઈ છે. થોડા દિવસોમાં નવું સભ્ય ઘરમાં આવશે એટલે ખર્ચ વધવાના છે. જ્યાં સુધી બાળક થાય ત્યાં સુધી નોકરી કરી લઉં તો સારું રહેશે. પછી તો માટે ઘરમાં રહીને બાળકને જ સંભાળવાનું છે. બસ દુઃખ એ વાતનું છે કે આ બધાને કારણે હું મમ્મીને સમય નથી આપી શકતી.”

કાવ્યાએ આગળ કહ્યું : “તેમની વાત પણ બરાબર જ છે ને મમ્મી… આજકાલ તો ડોક્ટરો પણ વધારે આરામ કરવાની ના પાડે છે. ગમે તેમ કરીને ચાર પૈસા આવશે તો ભાઈને પણ મદદ થઈ જશે. ભાભી ગર્ભવતી હોવા છતાં પણ કામ કરે છે એટલે સાંજ સુધી ઘણી થાકી જતા હશે. અને તમે જ કહો છો ને ગર્ભવતી મહિલા જેટલી ખુશ રહે તેટલું જ સ્વસ્થ્ય બાળક જન્મે છે.”

બે દિવસ પછી કાવ્યા ફરી પોતાના પિયરની સ્થિતિ જાણવા માટે સાંજે ઘરે આવી ગઈ. તેણીએ જોયું કે મિનલ ભાભી ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા.

મીનલે કાવ્યાને પોતાની પાસે બેસાડી અને ધીમા અવાજે કહ્યું, “કાવ્યાબેન… હું મમ્મીને કેટલા ખોટા સમજતી હતી. બે દિવસથી હું ઓફિસેથી નીકળતી વખતે મમ્મીને ફોન કરી દઉં છું કે હું રિક્ષા કે ટેક્સીમાં બેસી ગઈ છું. અને હું ઘરે પહોંચું ત્યારે તેઓ મારા માટે ગરમાગરમ ચા બનાવી દે છે. ખરેખર, તમે સાચા હતા. મમ્મીને મારી ચિંતા રહે છે. એટલા માટે તે મને ભારે-ભરખમ કામ કરવા દેતા નથી. મારી મમ્મી પણ આવી રીતે જ મારા માટે ચિંતિત રહેતી હતી.”

કાવ્યા હવે પોતાની મમ્મીના રૂમમાં ગઈ. ત્યાં તેમની મમ્મીએ પણ પોતાની ખુશી દેખાડતા જણાવ્યું, “કાવ્યા… મીનલ સાંજે નોકરીએથી છૂટે એટલે મને કરીને કહી દે છે કે મને રિક્ષા કે કેબ મળી ગઈ છે, તમે ચિંતા ના કરતા હું સાવચેતી પૂર્વક ઘરે પહોંચી જઈશ. હું પણ એ વિચાર સાથે તેની માટે ચા બનાવી દઉં કે તે બિચારી થાકીને આવી હશે તો તેને થોડો આરામ મળશે. અને તને ખબર છે… તારી ભાભીએ ગઈ કાલે રાત્રે તારી જેમ જ ખુબ પ્રેમથી મને ગરમાગરમ રોટલી ખવડાવી હતી.”

કાવ્યા પોતાની મમ્મી અને ભાભી વચ્ચેનો કટાક્ષનો બરફ પીગળતો સ્પષ્ટપણે અનુભવી શકતી હતી. કાવ્યાએ સંબંધોનું મહત્વ સમજાવવા બદલ મનોમન પોતાની સાસુનો આભાર માન્યો.