એક હીરાનો વેપારી હતો. એક વખત એક મોટો સેઠ તેની દુકાને આવ્યો અને જણાવ્યું કે મારે તમારી સાથે હીરાનો મોટો સોદો કરવો છે, પરંતુ હું પહેલા સેમ્પલ જોવા માંગુ છું. વેપારી જણાવ્યું કે હું હમણાં ઘરેથી લઈને આવ્યો. ઘર નજીક જ હતું તે ઘરે ગયો અને તરત પાછો આવી ગયો.
તેણે સેઠને જણાવ્યું “હું માફી માંગુ છું કે હું આ સમયે તમને સેમ્પલ દેખાડી શકતો નથી, કારણ કે સેમ્પલે જે તિજોરીમાં મૂક્યા છે, તે તિજોરીની ચાવી મારા પિતાના ઓસિકા નીચે છે અને મારા પિતા ઊંડી ઊંઘમાં છે.’
સેઠ : “તો ઉઠાડીને ચાવી લઈ લેતા ને…’
વેપારી : ‘ઘણા સમયથી તે બીમાર છે, જેના કારણે તેમને બરોબર ઊંઘ આવતી નહોતી, આજે તે ઊંડી ઊંઘમાં છે એટલે માટે હું તેમને જગાડવા માંગતો નહોતો.’
સેઠ : ‘ભાઈ જોઈ લો, સોદો તારા ફાયદાનો છે, હું સેમ્પલ જોયા વગર સોદો કરીશ નહિ.’
વેપારી : ‘મારી પણ મજબૂરી છે, હું તમને સેમ્પલ દેખાડી ન શકું.’
સેઠ : ‘હું ફરીથી કહું છું આ સોદો ન થયો તો તમારુ ઘણું મોટું નુકશાન થઈ જશે અને બજારમાં તમારું નામ ઘણું સારું છે એટલા માટે હું તમારી પાસે આવ્યો પણ મારી પણ મજબૂરી છે કે હું સેમ્પલ જોયા વિના સોદો કરતો નથી, પછી તમારી મરજી.’
વેપારી : ‘માફ કરજો, ભલે નુકશાન થાય પણ હું મારા પિતાની ઊંઘને બગાડી નહીં શકું’
સેઠ પછી જતો રહ્યો પરતું થોડા સમય પછી તે પાછો આવે છે અને વેપારીને જણાવે છે કે ‘મારે તમારે જોડે જ હીરાનો સોદો કરવો છે અને મારે સેમ્પલ પણ જોવા નથી, આપણો સોદો પાક્કો.’
વેપારી ચકિત થઈને : ‘સોદો પાક્કો કરતાં પહેલા હું એ જાણવા માંગુ છું કે તમે મારી સાથે સોદો કેમ કરવા માંગો છો? તે પણ સેમ્પલ જોયા વિના’
સેઠ : ‘હું અહીથી બીજા વેપારી પાસે જતો જ હતો કે મને વિચાર આવ્યો કે જે વ્યક્તિ પોતાના પિતાનું આટલો આદર કરે છે ધ્યાન રાખે છે અને તેમની ઊંઘ માટે ઘણા મોટા નુકશાન ભોગવવા પણ તૈયાર છે, તે વ્યક્તિ ક્યારેય મારી સાથે દગાબાજી કરશે નહીં. મને તમારા પર અતિ વિશ્વાસ છે, એટલા માટે હું સેમ્પલ જોયા વિના જ તમારી સાથે સોદો કરવા માંગુ છું.’