ગુજરાતના ચાંદોદમાં છે ઘણા ધાર્મિક સ્થળો, નર્મદાની ગોદમાંથી પ્રગટ થઈ હતી શ્રી શેષનારાયણની મૂર્તિ.

0
1010

ચંડીપુર તરીકે જાણીતું, કાળક્રમે તે ચાણોદ અને ત્યારબાદ ચાંદોદ થયું છે.

ગંગાનું સ્નાન, તાપીનું સ્મરણ અને નર્મદાનાં દર્શન કરવાથી અલૌકિક અનુભૂતિ થાય છે. ગંગાકિનારે તીર્થધામો છે તો નર્મદાના કંકણ એટલા શંકર છે. નર્મદા કાંઠે કરનાળી અને માલસર દિવ્યતીર્થો આવેલાં છે. પ્રકૃતિના ખોળે વિકસેલાં આ તીર્થધામો તેના પૌરાણિક વારસાની સાથે સાથે પ્રવાસીઓને આકર્ષે તેવું અદભુત કુદરતી સૌંદર્ય ધરાવે છે. કુદરતને ખોળે નિતાંત જળપ્રવાહનું અદભુત સૌંદર્ય મનને રોમાંચિત કરી દે છે.

ચાંદોદ ટેકરીઓ પર વસેલું છે. તેની પશ્ચિમ દિશાએ ઊંચા ટેકરા પર વસેલું ભગવાન શ્રી શેષનારાયણનું મંદિર પ્રાચીન તેમજ ઐતિહાસિક છે. નિજમંદિર માં બિરાજમાન શ્રી શેષશાઈજીની મૂર્તિનો પ્રાદુર્ભાવ એ નર્મદા મૈયાના ગોદમાંથી જ થયું હતું. મૈયા નર્મદાના ગોદ માંથી જ પ્રગટ થનાર આ મૂર્તિ મનોહર અને અપ્રતિમ છે. ભક્તજનો અને પ્રવાસીઓ ના મુખ માંથી શબ્દો નીકળી પડે છે કે શેષશાઈજી ની મૂર્તિ અને મલ્લ્હારાવ ના ઘાટ નો જોટો ગુજરાતભર માં તો શું પણ આખા ભારતભર માં નથી.

આ નયનરમ્ય અને મનોહર મૂર્તિ ની ઝાંખી એ મનને અને શરીરને શાતા આપનારી બની રહે છે. આ ઉપરાંત ગાયકવાડ સરકારે બંધાવેલ કપિલેશ્વર અને કાશીવિશ્વનાથ મહાદેવના મંદિરો પણ આકર્ષક છે. કાશીવિશ્વનાથનું મંદિર એ પ્રાચીન કલાકારીના દર્પણ સમું ઊભું છે. ચાંદોદ ની પૂર્વ બાજુએ ત્રિકમજીનું મંદિર આવેલું છે. જે ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે.

આ ઉપરાંત ચાંદોદ ગામમાં કિનારા પર આવેલ લક્ષ્મીનારાયણનું મંદિર, સ્વામીનારાયણ મંદિર, સત્યનારાયણ મંદિર, ચંડિકા માતા મંદિર વિગેરે ધાર્મિક સ્થળો – તીર્થમાં આવનાર દરેક યાત્રિકો માટે આકર્ષણ નું કેન્દ્ર બની રહે છે. ટૂંકમાં એમ કહીએ તો પણ ચાલે કે, ચાંદોદ એ તેના મંદિરો થી તેમજ નર્મદા માતા ના ઘાટો થીજ જાણીતું છે.

આ પવિત્ર નગરીએ ઘણા મહાનુભાવો ને જન્મ આપ્યો છે. આ ધરતી ભક્ત કવિશ્રી દયારામની જન્મભૂમી છે. નર્મદાસ્નાન કે અન્ય કાર્ય માટે ભૂલો પડેલો ગુર્જરી સાહિત્ય નો પુત્ર ભક્ત કવિશ્રી દયારામ ની યાદ લીધા વિના શાનો પાછો ફરે? આ ચાંદોદ નગરી ને સંસ્કાર બક્ષનાર કે કેળવણી આપનાર હાઈસ્કુલ બાલાજીસંપ્રદાય ના આદ્ય આચાર્ય શ્રી ભાગ્વતાચાર્ય નારાયણાચાર્ય ના શુભ નામ થી સંકળાયેલી છે.

ગંગનાથ તીર્થ જે ચાંદોદ ની પશ્ચિમ બાજુએ આવેલું છે, આ ગંગનાથ મહાદેવ ના મંદિરની પાછળ વિશાળ બગીચો એ સૌનું આકર્ષણ નું કેન્દ્ર બની રહે છે. આ સ્થળની વિશિષ્ટતા એ છે કે અહી મહર્ષિ અરવિંદે આશરો લીધો હતો અને સાધના સાધી હતી. એટલે આ સ્થળ એ અરવિંદ ઉપાસકો માટે પ્રેરણાસ્ત્રોત્ર બની રહે છે.

૮મી ફેબ્રુઆરી ૧૮૯૩થી ૧૯૦૬ સુધી ૧૩ વર્ષ પાંચ માસ અને ૧૭ દિવસ શ્રી અરવિંદ ગુજરાતમાં અને વડોદરા શહેરમાં રહ્યા. પોંડીચેરીને બાદ કરતાં તેઓ આટલું લાંબુ ક્યાંય રહ્યા નથી, પોતાના વતન બંગાળમાં પણ નહીં. આ હકીકત ગુજરાત માટે અને વડોદરા શહેર માટે ઘણી જ પાવન ધન્યરૂપ ઘટના છે. તેઓ ગોઝારીયા, ચાણોદ, કરનાળી, માલસર, અને ડભોઈની મુલાકાત લીધી હતી તેવા સ્પષ્ટ આધારો સાંપડે છે.

વાચેલી નોંધના આધારે રૂબરૂ મુલાકાત. તસવીરો ગૂગલના સૌજન્યથી.

– સાભાર જિતુ ઠકરાર (ગામ ગાથા ગ્રુપ)