“ખાંપણ” આ લઘુકથામાં એક સરસ સંદેશ છુપાયેલો છે, બે મિનીટનો સમય કાઢીને જરૂર વાંચજો.

0
1325

ખાંપણ :

– માણેકલાલ પટેલ

શારદાબેને સિત્તેર વર્ષની ઉંમરે દુનિયામાંથી વિદાય લીધી એટલે એમને સ્મશાને લઈ જવાની સૌ ઉતાવળ કરવા માંડ્યા. પણ, એમનાં પિયરીયાં હજુ સુધી આવ્યાં નહોતાં.

દીકરીનું ખાંપણ તો પિયરનું જ હોય એવી માન્યતા હોઈ એમની રાહ જોયા વિના છૂટકો પણ નહોતો.

બૈરાંઓમાં ચર્ચા ચાલતી હતી:- ” શારદામાએ તો એમના મા- બાપની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યાં હતાં. કોઈ દા’ડો પિયરીયાંને અહીં આવતાં જોયાં નથી.”

” શારદામાએ પણ પિયર સાવ છોડી જ દીધેલું ને? ”

” તો પછી રાહ કોની જોવાય છે? ”

” સમાચાર મોકલ્યા છે તે……..”

” પણ, કોઈ આવે તેમ લાગતું નથી! ”

અને ત્યાંજ એક ટ્રેક્ટર આવીને ઉભું રહ્યું. ખીચોખીચ ભરેલા એ ટ્રેક્ટરમાંથી પુરુષો અને બૈરાંઓ ઉતર્યાં. શારદાબેનની નનામી આગળ ખાંપણ ઓઢાડવા લાંબી લાઈન લાગી ગઈ.

ગામના બધા ફાટી આંખે આ જોઈ જ રહ્યા.

શારદાબેનના ભાઈએ ખાંપણ ઓઢાડતાં કહ્યું : ” આતો બહેનનો હક્ક છે ને! અમારો વિરોધ તો એમના વિચારો સાથે હતો.”

– માણેકલાલ પટેલ (અમર કથાઓ ગ્રુપ) (પ્રિવ્યૂ ફોટો પ્રતીકાત્મક)