‘થીગડાં વાળું ફ્રોક – એક બોધપાઠ કથા.’ અક્કડ અને અભિમાનથી દૂર રહેવા પ્રેરિત કરતી આ સ્ટોરી અચૂક વાંચજો.

0
469

અક્કડ અને અભિમાન એક માનસિક બિમારી.

“રત્ના, હમણાં છેલ્લા બે-એક મહિનાથી તારી બહેનપણી પ્રવિણા કેમ નથી દેખાતી ? પહેલા તો એકાંતરા ઘેર આવીને એક એક કલાક તમે ભેગા બેસતા ?” નવમા ધોરણમાં ભણતી રત્નાને એક દિવસ એની ખાસ બહેનપણી પ્રવિણા વિષે પપ્પા અવિનાશે પૂછ્યું.

“પપ્પા, જવાદો ને, મેં તેની સાથે બોલવાનું ઓછું કરી નાખ્યું છે. જુઓ તો ખરા એ કેટલી ગરીબ છે ! એની પાછળ આપણે જ ઘસાવાનું રહે. આપણે ઘેર આવે એટલે આપણે તેને ચા-નાસ્તા સિવાય જવા ન દઈએ, જયારે હું એને ઘેર જાઉં ત્યારે તૂટલા-ફૂટલાં પ્યાલા રકાબીમાં ભૂ જેવી ચા પાઇ દે. તેની બિચારી પાસે પહેરવા માત્ર ત્રણ જોડી જ ફ્રોક છે, એમાંય વળી બે જોડી તો થીગડાં વાળા. સ્કૂલે થીગડાંવાળા ફ્રોક પહેરીને આવતા શરમાતી પણ નથી.
મેં તો એનું નામ “પ્રવિણા થીગડું” જ પાડ્યું છે. એની દોસ્તી રાખતાં મને શરમ આવે છે,” એમ કહી રત્ના ખડખડાટ હસી.

“બેટા ગરીબી એ ગુન્હો નથી.” એ ભાગ્યવશાત મળેલ અને કુદરતી શ્રાપનું કારણ છે. ગરીબી એ પોતાની પસંદગીથી ખરીદેલી વસ્તુ નથી, એ ઈશ્વરદત્ત છે. ગરીબ હોય એટલે દોસ્તી ન રાખવી, કે તોડી નાખવી એવું નથી. એ ભણવામાં કેટલી હોંશિયાર, સમજુ, ડાહી અને સંસ્કારી છે. એના ફ્રોકમાં થીગડાં ભલે હોય, પણ એના સંસ્કારમાં થીગડાં નથી. અવિનાશે દીકરીને સલાહ દેતા કહ્યું.

પપ્પા, કદાચ એમ હોઈ શકે, પણ ગમે તે કારણે મને આવી ગરીબ બહેનપણીઓ પ્રત્યે એલર્જી છે. મારી ખાસ વીસ બહેનપણીઓ છે. કોઈના બાપ જજ, તો કોઈના પ્રોફેસર, ડોક્ટર, વકીલ કે C.A. છે. આના પપ્પા પ્રાથમિક શાળામાં પટાવાળા છે. ઘરખર્ચને પહોંચી વળવા માટે એની મા શહેરના એક મોટા મોલમાં કામ કરે છે, તેથી હું તો તેને એવોઈડ જ કરું છું.

અમે બધી બહેનપણીઓ રિસેસમાં પોતપોતાના લંચ બોક્સમાં જુદી જુદી વાનગી લઈને જઈએ, ત્યારે એ હંમેશા એના લંચબોક્સમાં વઘારેલા મમરા જ લાવી હોય.”

બેટા, સમયનું ચક્ર અવિરત ફર્યા જ કરતું હોય છે. આજે એની જે પરિસ્થિતિ છે, એ આવતીકાલે ન પણ હોય, અને આપણી આવતી કાલ કેવી ઉગશે એની ખુદ આપણ ને પણ ખબર નથી. તારું આ અભિમાન યોગ્ય નથી. કોઈના સમય ઉપર હસવાની હિંમત કદી ન કરવી. સમય ચહેરો યાદ રાખે છે.” અવિનાશે રત્નાને ટપારતાં કહ્યું.

” હું ક્યાં ના કહું છું ? ભલે એની આવતીકાલ સમૃદ્ધ હોય તો પણ એ મારા શું ખપની ? મારે એની આજે પણ જરૂર નથી, અને આવતીકાલે પણ નહીં પડે.” રત્નાએ ગુમાનથી જવાબ દીધો.

“જેની આજે તમને જરૂર નથી, આવતીકાલે તેમની જરૂર પડી શકે છે. જેની આજે અવગણના કરો છો, કાલે ફરી સ્વીકારવું પડે, માટે હંમેશા નમ્રતાથી સંબંધને મહત્વ આપો. ” અવિનાશે ટકોર કરી.

અવિનાશ વકીલ તરીકે ખાનગી પ્રેક્ટિસ કરતો હતો. એને સંતાનમાં એક માત્ર દીકરી હતી, પણ વધુ પડતા લાડ-કોડમાં અને શ્રીમંતાઈથી થયેલ ઉછેરને કારણે રત્ના અભિમાની અને તોછડી બની ગઈ હતી, જે ક્યારેક અવિનાશને ગમતું ન હતું. તેમ છતાં કદી દીકરીને કડકાઈથી કહેવાનું એના સ્વભાવમાં ન હતું. આમને આમ રત્ના કોલેજ પાસ કરી ચુકી ત્યાં સુધી પ્રવિણા સહાધ્યાયી હોવા છતાં તોછડો વ્યવહાર કરતી રહી.

સમયને જતાં વાર ન લાગી. રત્ના અને પ્રવિણા બન્ને ગ્રેજ્યુએટ થઇ ગયા. રત્નાનું સતત ઉપેક્ષિત વર્તન હોવા છતાં પ્રવિણા સમભાવ સાથે સદવર્તનથી રત્ના સાથે વ્યવહાર રાખતી હતી. દરમિયાનમાં પ્રવિણાના લગ્ન નજીકના ગામમાં થયા, એ અવસર ઉપર એ અન્ય સહેલીઓની જેમ રત્નાને પણ નિમંત્રણ આપવા ગયેલ, પણ અભિમાની રત્ના તેના લગ્નપ્રસંગમાં પણ ન ગઈ. બે-ત્રણ વર્ષ બાદ રત્નાના લગ્ન એક બેંક કર્મી સાથે થયા, અને બન્ને બહેનપણીઓ જુદી પડી ગઈ.

રત્નાના લગ્નને લગભગ વીશ-બાવીશ વર્ષ થયા હશે. તેને ઘેર પણ પુત્રી જન્મ થયો હોય, તે પણ યુવાન થઇ ગઈ હતી. રત્નાનો પતિ કલ્પેશ એક રાષ્ટ્રીયકૃત બેંકમાં કેશિયર તરીકે કામ કરતો હતો. સીધો સાદો કલ્પેશ કોઈ અગમ્ય સંજોગોનો શિ કાર બની ગયો, અને તેના ઉપર ઉચાપતનો આરોપ આવ્યો. બેંક તરફથી તપાસ કરતા એ ગુન્હેગાર સાબિત થતા તેને નોકરીમાંથી પાણીચું આપવામાં આવ્યું.

આગળની કાર્યવાહી બેંકે હાથ ધરતા તેની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી અને કોર્ટમાં કેસ પણ થયો. અવિનાશ વકીલ હોવાને નાતે જમાઈ કલ્પેશ નો કેસ છેક હાઈ કોર્ટ સુધી લડ્યો, પણ એમાં ય કલ્પેશ ગુન્હેગાર સાબિત થતા બે વર્ષની કેદ અને રૂપિયા 25,000/- નો દંડ થયો. અદાલતના ફેંસલા પ્રમાણે કલ્પેશને બધી જ સજા સ્થાનિક જેલમાં ન ગાળતાં નજીકના શહેર નડિયાદની જેલમાં મોકલવામાં આવ્યો.

કલ્પેશની સજાને કારણે તેની નોકરી પણ છૂટી ગઈ. યુવાન પુત્રીની કોલેજ-ટ્યુશન ફી સાથે બબ્બે વર્ષ કોઈ પણ આવક વિના ઘર ચલાવવું રત્ના માટે દુસહ્ય બન્યું, તેથી તે પણ પોતાનું ઘર બંધ કરી પિતાને ઘેર રહેવા ચાલી ગઈ.

જેલના નિયમ મુજબ અઠવાડિયે એકવાર કલ્પેશને પોતાના મુલાકાતીઓને નિયત સમયે મળવાની છુટ મળતી હતી, એ પ્રમાણે રત્ના દર અઠવાડિયે જેલમાં કલ્પેશની મુલાકાત કરી ખબર અંતર પૂછતી. કોઈ દિવસ જેલના કેદીની જીવન શૈલી વિષે સ્વપ્ને પણ કલ્પના નહોતી, એ રત્ના આજે વધી ગયેલી દાઢી, સુકાઈ ગયેલ શરીર, વિલાઈ ગયેલો ચહેરો અને ભાંગી પડેલ આત્મવિશ્વાસ વાળા કલ્પેશને નજરે જોઈને તેને મળ્યા પછી જેલના દરવાજા સુધી રડતી રહેતી હતી.

એમાં પણ જયારે તેણે જાણ્યું કે સવારના નાસ્તામાં થોડા પૌઆ, પાણી જેવી ચા, જમવામાં પાતળી દાળ, જાડી ગળે ન ઉતરે એવી કાચી-પાકી બે મોટી રોટલી, તીખું આગ જેવું બટાકાનું છાલવાળું શાક, અને કોદરી અથવા જાડાભાત પીરસવામાં આવે છે, તથા એ.સી. માં સુવા ટેવાયેલ કલ્પેશને મચ્છરથી ઉભરાતી હવા-ઉજાસ વિનાની નાની ઓરડીમાં જમીન ઉપર પાથરીને સુવા માટે એક પાતળી ગોદડી, નાનું ઓશીકું, અને ઓઢવા માટે મેલી ગંદી ચાદર આપવામાં આવેલ છે ત્યારે એનો જીવ બળીને રાખ થઈ ગયો. કલ્પેશનું શરીર ઘસાવા માંડ્યું. એ હા **ડપિંજર જેવો થઇ ગયો.

એકવાર રત્નાએ અવિનાશ પાસે રડતા રડતા કહ્યું, “પપ્પા, ભાગ્યમાં જે લખ્યું હતું એ તો થઈને ઉભું રહ્યું, પણ જેલના સત્તાધીશોને વિનંતી કરીને આપણે કલ્પેશને ઘરનું ભોજન મળે એવી વ્યવસ્થા ન કરી શકીએ? હું જ્યારે જેલમાં કલ્પેશને જોઉં છું, ત્યારે મારો જીવ બળી જાય છે એટલી હદે એ શરીરમાં ઘસાઈ ગયો છે.”

“જેલના મેન્યુઅલ પ્રમાણે ઘરનું ભોજન આપવા માટે નામદાર કોર્ટની મંજૂરી લેવી આવશ્યક છે. કલ્પેશનો કેસ આપણે હાઇકોર્ટમાં પણ હારી ગયા હોઈ, અને એ ગંભીર ગણાતા ગુન્હાનો આરોપી હોય, મારા વર્ષોના અનુભવના આધારે હું નથી માનતો કે કોર્ટ તેને ઘરના ભોજનની સુવિધા મંજુર કરે, તેમ છતાં જેલના સ્થાનિક અધિકારી જો મદદ કરે તો કદાચ એ શક્ય બને. હવે તું કલ્પેશને મળવા જાય, ત્યારે પૂછપરછ કરી તપાસ કરજે.” પોતાના અનુભવને આધારે અવિનાશે રત્નાને સમજાવી.

થોડા દિવસો બાદ રત્ના કલ્પેશને મળવા કારાગૃહ ખાતે ગઈ, એના ખબર અંતર પૂછ્યા, પછી જેલના સંત્રીના માર્ગદર્શન પ્રમાણે કલ્પેશને ઘરનું ભોજન મળે એ માટે રજુઆત કરવા તે જેલર પાસે પહોંચી.

રત્નાની ઘણી રજુઆત બાદ પણ જેલરે સાફ શબ્દોમાં નનૈયો ભણતા કહ્યું કે, “કલ્પેશ એક ગુન્હેગાર હોય, અહીં કેદી તરીકે છે તેને વિશેષ સુવિધા કોઈ સંજોગોમાં ન આપી શકાય. તેમ છતાં એક પ્રયાસ કરી જુઓ અને “ઇન્સ્પેકટર ઓફ જેઈલ” શ્રી પરમાર સાહેબને મળી રજુઆત કરી જુઓ, તેની સત્તામાં આવતી વાત હોય તો કદાચ એ સંમતિ આપે પણ ખરા.

રત્ના જેલ કંપાઉન્ડ સામેજ રહેલા ઇન્સ્પેક્ટરના બંગલે પહોંચી.

દરવાજે બેલ મારતાં પરમાર સાહેબ ના પુત્રએ દરવાજો ખોલતા પૂછ્યું………

” આપને કોનું કામ છે ? ”

રત્નાએ જવાબ દેતા કહ્યું, “મારે સાહેબને રૂબરૂ મળવું હોય, હું આણંદથી આવું છું ”

” જી, આવો બેસો પપ્પા ઘરમાં જ છે. ” પરમાર સાહેબના પુત્રએ જવાબ આપ્યો.

થોડીવારે પરમાર સાહેબ આવતા રત્નાએ ઉભા થઈ પ્રણામ કરતાં આંખમાં આંસુ સાથે કલ્પેશ અંગે બધી જ વિગત કહી સંભળાવી અને છેલ્લે કલ્પેશને ઘરનું ભોજન આપવા માટે પરવાનગી આપવા વિનંતી કરી. પરમાર સાહેબે બધું જ સાંભળ્યા પછી કહ્યું, ” જુઓ બહેન, કલ્પેશ કોઈ સામાન્ય ગુન્હાની સજા ભોગવતો કેદી નથી. તેણે રાષ્ટ્રીયકૃત બેંકમાં કરેલી ઉચાપતની સજા ભોગવે છે, જે સરકારી સંસ્થાનો ગુન્હો હોય, એને વિશેષ સુવિધા હું આપી શકું એમ નથી. જો હું એમ કરું તો હળવા ગુન્હેગારોનો શું દોષ છે કે તેઓ જેલનું ભોજન જમે? તમારા પિતાજી જ વકીલ છે. તમે એને પૂછી લેજો કે આ બાબતે કાયદો શું કહે છે?”

વાતનો દોર આગળ ચાલે એ દરમ્યાન પરમાર સાહેબના પત્ની રત્ના માટે પાણી લઈ રૂમમાં પ્રવેશ્યાં. રત્નાને જોઈને તે અચંબો પામી ગયા. પાણીનો ગ્લાસ નજીક ની ટિપોઈ ઉપર મુકી એ રત્નાને એકી ટશે ટગરટગર જોતા રહી સુખદ આશ્ચર્યથી બોલી ઉઠ્યા, “અરે રત્ના તું ? અહીં ?

કેવી રીતે, અને શા માટે?”

રત્નાએ એની સામે જોતાં કહ્યું……… “અરે, પ્રવિણા તું ……..?

આખું વાક્ય પૂરું કરે એ પહેલા રત્નાના ગળે ડૂમો બાજી ગયો અને ચોમાસામાં જેમ નેવાં ટપકે એમ એની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. ઘણા વર્ષો પછી પોતાની બચપણની સહેલીને જોઈ પ્રવિણા ની પાંપણ પણ ભીંજાણી, અને રત્નાને ભેટી પડી. પ્રવિણાનું ઉમદા વસ્ત્રપરિધાન જોઈ બબ્બે થીગડાં વાળું ફ્રોક, પગમાં પીળીપટ્ટીના સ્લીપર, અને ચાર દિવસથી માથામાં તેલ નાખ્યા વિનાના ભૂખરા વાળ વાળી વિદ્યાર્થી અવસ્થાની પ્રવિણા રત્નાને નજરે તરવરવા લાગી.

ઇન્સ્પેકટર સાહેબ તો આ દૃશ્ય જોઈને દિગ્મૂઢ થઇ ગયા. પ્રશ્નાર્થ નજરે પત્ની પ્રવિણા તરફ જોતાં પ્રવિણાએ સ્પષ્ટતા કરતા કહ્યું “રત્ના મારી જૂની બહેનપણી છે. અમે ત્રીજા ધોરણથી ગ્રેજ્યુએશન સુધી એક જ ક્લાસમાં ભણ્યા છીએ. આજે આકસ્મિક રીતે આપણે ઘેર જોઈ મને આશ્ચર્ય થયું.”

“ચાલ રત્ના, આપણે બીજા રૂમમાં બેસીએ,” એમ કહી પ્રવિણા પોતાની સાથે રત્નાને ફેમિલી રૂમ તરફ દોરી ગઈ.

પ્રવિણાએ અહીં આવવાનું પ્રયોજન પૂછતાં રત્નાએ રડતાં રડતાં બધી જ વાત કરી, અને કલ્પેશને ઘરના ભોજન માટે પ્રબંધ કરવા પરમાર સાહેબને વિનંતી કરવા આવી છે એમ જણાવ્યું. પ્રવિણાએ આશ્વાસન આપતાં તે માટે પોતે ભલામણ કરશે એવો વિશ્વાસ આપ્યો.

રત્નાની વાત પુરી થતાં તેણે ઉત્કંઠા થી પ્રવિણાને પૂછ્યું, આપણે જુદા પડ્યા પછીથી તારી પ્રગતિની વાત મને કહે. પ્રવિણાએ વાત માંડતા કહ્યું……….આપણે કોલેજ પુરી કર્યા પછી છ મહિનામાં જ મારા લગ્ન થઇ ગયા.

રત્ના, તને તો અમારી આર્થિક સ્થિતિની ખબર છે. પપ્પાની આર્થિક જવાબદારી વહેલી પુરી કરવા સારું થઈને હું પણ વિશ વર્ષની નાની ઉંમરે લગ્ન કરી લેવા તૈયાર થઇ ગઈ હતી. આ બાજુ મારા પતિના મા-બાપ તેને સાવ નાની ઉંમરનો મૂકી સ્વ ર્ગવાસી થયેલ હોય, એના કાકા-કાકીએ ઉછેરીને મોટો કર્યો, અને ભણાવ્યો. તેઓ પણ આર્થિક રીતે નબળા હતા. ભણવામાં એ હોશિયાર હોય, એ પણ ગ્રેજ્યુએટ થયા. પછી તુરતજ એને પોલીસ ખાતામાં આસી.જેલર તરીકે નોકરી મળી ગઈ.

એ વખતે તેમનો પગાર માત્ર રૂપિયા 2500/- હતો. લગ્ન પછી અમે નક્કી કર્યું કે ભાવિ સંતાનના ભવિષ્ય માટે આપણે બન્નેએ આગળ અભ્યાસ કરી સારા પગાર ની નોકરી શોધી લેવી. નક્કી કર્યા મુજબ મેં એમ.એ.નો અને મારા પતિએ કાયદાનો અભ્યાસ પૂરો કરી, હું અહીંની શાળામાં શિક્ષિકા તરીકે જોડાણી. મારા પતિને જેલરનું પ્રમોશન મળ્યું, પછી તો ખાતાકીય પરીક્ષાઓ પાસ કરતાં ઉત્તરોત્તર પ્રમોશન મળતું ગયું, અને તેઓ P..I.સુધી પહોંચ્યા અને પ્રમોશન સાથે અહીં મુકાયા.

દરમ્યાનમાં મને પુત્ર રત્ન પ્રાપ્ત થતાં એને ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ભણાવ્યો, અને આજે તે M.B.B.S.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. જેટલી કષ્ટી મેં બાળપણમાં અને લગ્ન પછી તુરત જ ટૂંકા પગારમાં વેઠી, એનો ઈશ્વરે મને આટલા વર્ષે બદલો આપ્યો રત્ના. સમયનું ચક્ર અવિરત ફરતું જ હોય છે, જે ગઈકાલે વેઠ્યું એ ઈશ્વરે મને વ્યાજ સાથે આજે પાછું આપ્યું.”

એ દરમ્યાન પ્રવિણા ચા-નાસ્તો લઇ આવી. ઇટાલિયન કાચની ડીશ અને પ્યાલા-રકાબી જોઈ રત્નાએ પપ્પા ને કહેલા શબ્દો યાદ આવ્યા…… “હું એને ઘેર જાઉં ત્યારે તૂટલા-ફૂટલાં પ્યાલા રકાબીમાં ભૂ જેવી ચા પાઇ દે.” આ બધું યાદ આવતાં રત્નાની આંખમાં પાણી આવી ગયા, એનો પસ્તાવો આંસુ રૂપે ટપકતો હતો.

ચા-નાસ્તો પતાવી રત્ના ફરી પરમાર સાહેબની વિદાય લેવા ગઈ. પરમાર સાહેબે આશ્વાસન આપતા કહ્યું, ” ચિંતા ના કરશો, હું કોઈ રસ્તો શોધી કાઢીશ, અને શક્ય એટલું ઝડપથી તમારું કામ પતાવી દઈશ. ” આટલી સાંત્વના મેળવી રત્ના વિદાય થઈ.

રત્નાના ગયા પછી પ્રવિણાએ પતિને કહ્યું.. “આ એ જ રત્ના છે, જે પોતાના પિતાની જાહોજલાલીના દિવસોમાં શાળામાં અને કોલેજમાં હંમેશા મારી ગરીબીની ઠેકડી ઉડાડી, અન્ય મિત્રોની હાજરીમાં મને અવારનવાર અપમાનિત કરતી હતી.

મને બીજાની નજરોમાં હલ્કી પાડવા મારા થીગડાંવાળા ફ્રોક તરફ બધાનું ધ્યાન દોરી, ફાવે તેવું બોલતી હતી. એટલું જ નહીં પણ મારી એક સહેલીને તો તેણે ત્યાં સુધી કહેલું કે, “કોઈક દિવસ પ્રવિણાને મારો ખપ પડશે, મારે તેની ગરજ નહીં પડે. આટલું આટલું કરવા છતાં આજે મેં મારા વર્તનમાં સહેજ પણ અણગમો કે જૂની યાદોને કળાવા નથી દીધી. જે કાંઈ છે એ ઈશ્વરની કૃપા છે, એવું સમજીને મેં તો સદભાવ પૂર્વક જ એનું સન્માન કર્યું છે. હશે, આપણે ભૂતકાળ ભૂલી જઈને આજે જયારે એ મુશ્કેલીમાં છે, ત્યારે આપણી માનવતા બતાવી ઉદાર બની તેને મદદ કરવી જોઈએ

પરમાર સાહેબે જવાબ દેતા પ્રવિણાને કહ્યું, અક્ક્ડ અને અભિમાન એક માનસિક બીમારી છે. તેનો ઈલાજ સમય કે કુદરતની ઠોકર જ છે, અને આજે ઈશ્વરે તેને એ ઠોકર આપીને જિંદગીનો મોટો બોધપાઠ શીખવી દીધો છે.

આવતીકાલે હું કલ્પેશ પાસે ઘરનું ભોજન સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે, એવી લેખિત અરજી લઈ, જેલના ડોક્ટર ને એ રીતનું સર્ટિફિકેટ આપવાનું કહી આગળની કાર્યવાહી કર્યા બાદ શક્ય એટલું વહેલું એનું કામ કરી આપીશ.

દશેક દિવસ થયા હશે. એક શનિવારની સાંજે પરમાર સાહેબે જેલના સંત્રીને બોલાવી સૂચના આપી કે, “આવતીકાલે કેદી નંબર 103 ના કોઈ સગા તેને મળવા આવે, તો તેને મારી પાસે મોકલવા. ”

બીજે દિવસ રાબેતા મુજબ રત્ના કલ્પેશને મળવા આવતાં સંત્રીએ ઇન્સ્પેકટર સાહેબના આદેશની જાણ કરી. કલ્પેશને મળ્યા પછી રત્ના પરમાર સાહેબને મળવા પહોંચી. દરવાજે કોલબેલ વગાડતાં પ્રવિણાએ દરવાજો ખોલી રત્નાનું સસ્મિત સ્વાગત કર્યું.

રત્ના તથા પ્રવિણા પરમાર સાહેબના બેઠક ખંડ માં પ્રવેશતાં જ પરમાર સાહેબે કહ્યું…… “અભિનંદન છે બહેન, કલ્પેશને ઘરનું ભોજન આપવાની મંજુરી મળી ગઈ છે, તે માટે તમારે રોજ આણંદથી ટિફિન લઈને ધક્કો ખાવાની જરૂર નથી. અહીં અમારો પરિચિત એક બ્રાહ્મણ પરિવાર છે, તેને હું સૂચના આપી દઈશ એ મુજબ બન્ને સમય સાદું, સ્વાદિષ્ટ, અને પૌષ્ટિક ભોજન આપી જશે. અમે પણ ક્યારેક સંજોગોવશાત એનું જ ટિફિન મંગાવીએ છીએ, તેમ છતાં તમે જયારે આવવાના હો ત્યારે તમારે ઘેરથી ટિફિન લાવશો તો પણ કોઈ વાંધો નથી.”

હજુ વાત પુરી થાય ત્યાંજ પરમાર સાહેબને પગે પડી રત્ના ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેના મગજમાં પોતેજ બોલેલા શબ્દો ઘણની જેમ ઠોકાવા લાગ્યા…..
“મારે એની આજે પણ જરૂર નથી, અને આવતીકાલે પણ નહીં પડે.”

પ્રવિણા અને પરમાર સાહેબને સમજતાં વાર ન લાગી કે રત્નાના આંસુ એના પસ્તાવાના આંસુ છે. પરમાર સાહેબે સાંત્વના આપી તેને શાંત કરી.

રત્ના ઘેર પહોંચતાજ પપ્પાને વળગી ખુબ રડી પડી, અને કહ્યું “પપ્પા, આજે મારી આંખ ઉઘડી ગઈ. જેને મેં ગરીબ અને નક્કામી સમજી એ જ પ્રવિણાએ આજે મને મદદ કરી. આજે મારું અભિમાન ચૂરચૂર થઇ ગયું. મને હવે સમજાયું કે મનુષ્ય નહીં પણ સમય બળવાન છે.

” દશા કરે ઈ દુશ્મન પણ ન કરે. ” કહીને રત્નાએ બનેલી બધીજ ઘટનાથી અવિનાશને વાકેફ કર્યા.

અવિનાશે કહ્યું, “બેટા,આ કોઈ સાધારણ કામ નથી. તું જેને ધિક્કારતી હતી, એ જ પ્રવિણા આજે તારી મુશ્કેલીમાં કામ લાગી છે. મેં તને પહેલા જ તારા અહમને ઓગાળી નાખવાનું કહ્યું હતું, ત્યારે તારો જવાબ હતો કે, “મને ઈ શું ખપની છે?” એક વાત ધ્યાનમાં રાખજે કે અભિમાન મિત્રતાને દુશ્મનીમાં ફેરવી નાખે છે. તારા કિસ્સામાં એવું જ બન્યું છે. યાદ કર મેં તને કહ્યું હતું કે કોઈના સમય ઉપર હસવાની હિંમત કદી ન કરવી, સમય ચહેરો યાદ રાખે છે. આજે સમય તારા ઉપર હસે છે. ચાલો, જાગ્યા ત્યારથી સવાર એમ સમજવું.

આમને આમ સમય વીતતો ગયો. કલ્પેશનો કારાવાસ પૂરો થવાને હવે માત્ર આઠેક મહિના જ બાકી હતા. તારીખ ૧૪ ઓગસ્ટ રાત્રીના ૮.૪૫ નો સમય હશે. અવિનાશ-રત્ના પરિવાર જમીને ટી.વી. સામે ગોઠવાયા હતા, એવામાં ટેલિફોનની ઘંટડી રણકી. રત્નાએ ટેલિફોન ઉપાડ્યો સામેથી અવાજ આવ્યો ” હેલો, રત્ના છે ?

રત્નાએ જવાબ દેતા કહ્યું, “જી બોલું છું, કોણ પ્રવિણા બોલે છે ?

પ્રવિણાએ કહ્યું, “હા, હું પ્રવિણા બોલું છું. રત્ના, તમને સહુને ખૂબ અભિનંદન છે.”

” કેમ, શું થયું, શેના અભિનંદન આપે છે ?” રત્નાએ સામો પ્રશ્ન કર્યો.

“રત્ના,વાત એવી છે કે દર વર્ષે ૧૫ મી ઓગસ્ટ ઉપર રાજ્ય સરકાર જેલ પ્રશાસનને સહકાર આપવા બદલ અને કેદી તરીકેની સારી વર્તણૂંક દાખવવા બદલ એવા કેદીઓની સજા માફ કરી એને જેલ મુક્ત કરે છે. એ પૈકી એક કલ્પેશના નામની પણ અહીંથી સાહેબે ભલામણ કરી હતી, તેથી કલ્પેશની સજા પણ માફ થઇ હોય, આવતી કાલે તેને મુક્ત કરશે. ”

તેથી તું એને લેવા આવજે, અને જરૂરી વિધિ પુરી કરી જજે, એવું સાહેબે તને કહેવા જણાવ્યું હોય, મેં તને ફોન કર્યો છે.”

પ્રવિણાનો ફોન સાંભળતાજ રત્નાની આંખમાંથી હર્ષના આંસુ રેલાયા. ગળે ડૂમો ભરાઈ જતાં રડમસ અવાજે પ્રવિણાનો આભાર માની ફોન મૂકી દીધો.
રત્નાએ અવિનાશને ખબર આપતાં અવિનાશે કહ્યું કે “તું એકલી શા માટે ?

હું અને તારી દીકરી પણ ગાડી લઈને જશું, કલ્પેશને લેતા આવશું, અને પરમાર સાહેબનો રૂબરૂ આભાર પણ માનતા આવશું.”

બીજે દિવસે વહેલી સવારે અવિનાશ સહ પરિવાર નડિયાદ જવા પોતાની ગાડીમાં રવાના થયો.

જેલના દરવાજે પહોંચી પરમાર સાહેબનું નામ આપી જેલમાં પ્રવેશ્યા. એ સમયે ધ્વજવંદનની તૈયારી ચાલતી હતી.

એ કાર્યક્રમ પૂરો થતાં કલ્પેશ સહિત કુલ ત્રણ કેદીઓને કારાવાસ મુક્તિ પત્ર આપી પરમાર સાહેબે શુભેચ્છા સાથે કલ્પેશને પરિવારને સોંપ્યો. કલ્પેશના પરિવારમાં આનંદનું મોજું ફેલાઈ ગયું.

પરમાર સાહેબ પુરા પરિવારને પોતાને ઘેર ચા-પાણી માટે લઇ ગયા. કલ્પેશે તથા અવિનાશે પરમાર સાહેબનો આભાર માન્યો.

પોતાના ઉપર કરેલ ઉપકારનું ઋણ ચુકવતી હોય એ રીતે રત્ના એક સુંદર સાડીનું બોક્સ પ્રવિણા માટે લઇ આવી હતી, તે પ્રવિણાના હાથમાં મૂકતાં આંખમાં આંસુ સાથે રત્નાએ કહ્યું ” પ્રવિણા, જિંદગીમાં કઈ વ્યક્તિ ક્યારે કેવા સંજોગોમાં કોને મદદરૂપ થશે, એ ઈશ્વર સિવાય કોઈ જાણતું નથી. આપણી વિદ્યાર્થી અવસ્થામાં મેં કરેલી તારી અવહેલના એ મારું અભિમાન હતું. આજે તેં મારા કપરા સંજોગોમાં મદદ કરી મને બોધપાઠ આપ્યો છે, કે માણસને ચપટી ધૂળની પણ ક્યારેક જરૂર પડે છે. જો રાવણનું પણ અભિમાન ન ટક્યું હોય તો હું તો શું વિસાતમાં ? મારી ભૂલ બદલ પ્લીઝ મને માફ કરજે.”

સાડીનું બોક્સ સ્વીકારતાં પ્રવિણાએ સહજ સ્મિત સાથે કહ્યું, “રત્ના, માફી માગવાની જરૂર નથી. માણસે કરેલી ભૂલ એ પાપ નહીં, પણ પાઠ છે. કાશ, તું આ પાઠમાંથી બોધપાઠ લઈશ, તો તારી હવે પછીની જિંદગી પણ ખુબ સુંદર પસાર થશે” કહી પ્રવિણાએ પોતાની સાડીના પાલવથી રત્નાના આંસુ લૂછ્યાં.

પ્રવિણા અને પરમાર સાહેબની વિદાય લઇ અવિનાશ પરિવાર આણંદ પરત જવા ગાડીમાં ગોઠવાયો. ગાડીનો દરવાજો બંધ કરતાં રત્નાએ કહ્યું, ” પપ્પા,તમે સાચા હતા. થીગડાં એના ફ્રોકમાં હતા, એના સંસ્કારમાં નહીં. ” એ મેં આજે જાતે અનુભવ્યું. અક્કડ અને અભિમાન એક માનસિક બીમારી છે, તેનો ઈલાજ સમય કે કુદરતની ઠોકર જ છે.

– વ્યોમેશ ઝાલા.

(સાભાર અનિલ પઢીયાર, અમર કથાઓ ગ્રુપ.)