લઘુકથા : બલકીનો બુધ્ધુ
નીરુ સાહીત્યની શોખીન હતી.. એ કારણે તેને નરેશદાદાનો પરિચય થયો.. નરેશદાદા સારું લખતા.. નીરુ પોતાના લખાણો તેને બતાવતી, સલાહ સુચના લેતી..
નરેશદાદાનું બધું લખાણ ડાયરીમાં પુરાયેલું હતું.. નીરુએ સંકલન કરી પુસ્તક રુપ આપવાની જવાબદારી સ્વીકારી હતી..
એક નોટબુક જોતાં જોતાં તેણે પુછ્યું..” દાદા.. આ એક પાના પર બીજાના અક્ષરમાં ત્રણ લીટીઓ લખેલી છે.. તે સમજાતી નથી..”
દાદાએ હસીને કહ્યું.. “એ મારી પ્રેમિકાએ લખેલ છે..”
“તારી પાસે કંઈ છુપાવવું નથી.. લે તને બધું જ કહી દઉં..”.. એમ કહી આગળ ચલાવ્યું..
“એનું નામ શોભના.. પણ હુલામણું બલકી.. એના અને મારા બાપુજી સાથે શિક્ષક હતા.. એ નાતે પરિચય.. અમારા ઘર બહુ દુર નહોતા.. હું અંગ્રેજી શીખવા તેના બાપુજી પાસે જતો.. ને એ ગણીત શીખવા મારા બાપુજી પાસે આવતી.. અમે સાથે એસ.એસ.સીમાં હતા. હું હોશીયાર.. એ સામાન્ય.. પરીક્ષા પછી અમે ક્યારેય મળ્યા ન હતાં.. મેં કોલેજ કરી.. ને પછી નોકરી..”
“વરસો બાદ અમે અચાનક નાસીકના બગીચામાં મળી ગયાં. હું નિવૃત થઈ ગયો હતો. ને દિકરાને ઘરે ગયો હતો.. તે દિકરીના ઘરે આવી હતી..
અમારે ઘણી વાતો થઈ.. તેનું લગ્નજીવન સુખી ન હોતું.. દશ વરસ પહેલા વિધવા થઈ.. ને હાલ પોતે પણ બીમાર રહેતી હતી.. સંતાનમાં એક દિકરી જ હતી..
અચાનક એ મને કહેવા માંડી.. ”નરેશ.. આપણે પચાસ વરસે મળ્યા.. હવે ક્યારે મળશું.. નક્કી નથી.. એટલે ખુલાસો કરી દઉં.. તું સાવ બુધ્ધુ હતો.. અને આજે પણ છો.. હું તને ખુબ જ ચાહતી હતી.. જરુર વગર તારી નોટબુક માંગતી.. મનમાં એમ કે.. તું એમાં ચીઠ્ઠી મોકલીશ.. બહાના કાઢીને તારી નજીક આવતી.. કે તું અ ડપલું કરી શકે.. પણ તેં કંઈ ના કર્યું… ને હું મારા મનની વાત કહી ના શકી..”
દાદાએ કહ્યું.. ”નીરુ.. ખરેખર એ વખતે મને કંઈ સમજાયું ન હોતું..”
તેણે કહેવાનું ચાલુ રાખ્યું..
“બગીચામાં બેઠો બેઠો હું લખતો હતો.. તે નોટબુક લઈ તેમાં એણે અંગ્રેજીના ત્રણ કાળ લખ્યા.. બલકી લવ્ડ યુ… બલકી લવ્સ યુ… બલકી વીલ લવ યુ..
પછી એણે મારી સામે જોયું.. જાણે મારો એકરાર માંગતી ન હોય..
મેં તેનો હાથ પકડ્યો.. કહ્યું.. બલકી.. આઈ લવ યુ.. ટુ મચ નાવ…
મને તેના ધબકારા ઝડપથી વધતા જતા લાગ્યા.. તે બેહોશ થઈ રહી હતી.. મેં તેના ફોન પરથી દિકરી જમાઈને જાણ કરી.. તરત જ દવાખાને ગયાં.. પણ તે બચી ના શકી.. હાર્ટ એટેક ભારે હતો…
નીરુ.. આ છે એ પાનાનું રહસ્ય.. “
નીરુએ પુછ્યું.. ”દાદા, આ વાતનો ઉપયોગ હું મારી વાર્તામાં કરું તો?”
“ભલે.. લખ… પણ એટલો ફેરફાર કરજે.. કે.. નરેશ બુધ્ધુ ન હતો.. બલકીના પ્રેમને સમજતો હતો.. નોટમાં ચીઠ્ઠી મોકલતો.. ને મોકો મળતાં અ ડપલાં પણ કરતો…”
નીરુએ કહ્યું.. “દાદા તમારી આત્મગ્લાનિ હું સમજું છું. તમને એમ લાગે છે ને કે …. તમે ‘ન સમજી’ ને બલકીને ખુબ દુખી કરી છે.. ને તમે પણ ઘણું ગુમાવ્યું છે.. એ ભુલવા.. તમે ફેરફાર કરવાનું કહો છો.. આમ તો તમે પણ સામાન્ય માણસ જ છો ને… થઈ જાય.. વાર્તામાં મને જેમ છે તેમ લખવા દ્યો.. કોઈ લાગણીશીલ વાંચકની આંખો ભીની થશે. તો તમારી બલકીનો પ્રેમ સાર્થક થશે..”
“તો ભલે એમ કર.. બટ આઈ… રીયલ્લી મીસ માય બલકી.. ” નરેશદાદાએ આંખો લુછી નાખી.
– જયંતીલાલ ચૌહાણ ૧૫-૧૦-૨૦