પરિવારના સંપની આ નાનકડી સ્ટોરી સુખી જીવનની ચાવી આપતી જાય છે, સમય કાઢીને અચૂક વાંચજો.

0
960

લઘુકથા – ડંખ :

– માણેકલાલ પટેલ.

વિનોદભાઈના પરિવારનો સંપ જોઈને પાડોશીઓ અને સગાં વહાલાંઓને પણ ઈર્ષા આવતી હતી.

પ્રેમાળ પત્ની, કહ્યાગરા બે દીકરા અને એમની કોઠાડાહી વહુઓ તેમજ એક પૌત્ર અને બે પૌત્રીઓ- આ બધાંનું આનંદમય જીવન વિનોદભાઈ માટે સંતોષનું સરનામું હતું.

પણ, થોડા સમયથી એ સરનામે પહોંચતા સંતોષમાં ગરબડ શરૂ થઈ હતી. એમના નાના દીકરાની વહુ રીમા અને એનાં સાસુ વચ્ચે ચણભણ થયા કરતી હતી. કોકિલાબેનને રીમાના કામમાં ખામીઓ શોધવાની આદત પડતી જતી હતી.

વિનોદભાઈ પત્ની કોકિલા અને પુત્રવધૂ રીમાના વારંવારના આ ઝગડાથી અસ્વસ્થ થતા જતા હતા.

એક દિવસ કોકિલાબેન રીમા સાંભળે તેમ બોલતાં બોલતાં બહાર આંગણામાં આવ્યાં ત્યારે વિનોદભાઈ પત્નીને જોઈ લીંમડા પર બેઠેલા મધને ઉડાડવા હાથમાં નાની લાકડી લઈ ઉંચી કરવા ગયા.

ત્યાંજ કોકિલાબેને એમને અટકાવીને કહ્યું :- “એ ક્યાં નડે છે, આપણને?”

તોયે વિનોદભાઈ લાકડીથી મધ ઉડાડવાની ચેષ્ટા કરતા રહ્યા એટલે કોકિલાબેને એમના હાથમાંથી લાકડી ખૂંચવી લેતાં કહ્યું :- “વિના કારણ છંછેડશો તો મધમાખી કરડશે!”

વિનોદભાઈ હસવું રોકી ન શક્યા.

– માણેકલાલ પટેલ