સાસુ વહુના મધુર સંબંધોની પુણ્યાઈ…
બાપુજી બા ને દવાખાને બતાવી ને લાકડી ને ટેકે રીક્ષામાંથી ઉતરી ઘરે મોડે મોડે દોઢ વાગે પહોંચ્યા, ત્યાં તો દરવાજે તાળું.
બાપુજી ધ્રુજતા હાથે ખિસ્સામાંથી મોબાઇલ કાઢે, ત્યાં જ પાડોશી એ કહ્યું; તમારી વહુ ચાવી આપી ગઇ છે, એમ કહીને પાડોશીએ તાળું ખોલી આપ્યું.
દંપતી અંદર પહોંચે ત્યાંજ વહુ પહોંચી ગઇ… ઝડપ થી એક ગ્લાસ માં બાપુજી માટે માટલા નું અને એક ગ્લાસમાં હાંડાનું પાણી બા માટે લઇ આવી, લાલાની પેરેન્ટ્સ મિટીંગમાંથી આવતા પંચર પડયું, ને મોડું થયું, એવો અફસોસ કરતાં રસોડામાં જઇ ફટાફટ દાળ ગરમ મુકી.
બા માટે ખમણેલી હળદર, બાપુજી માટે કટકા. બાપુજી ની દાળ ગરણીથી ગાળી નાખી.
થાકેલા બા ને ડાઇનિંગ ટેબલને બદલે સોફા પર જ જમવા નું દેવા ના હેતુ થી થાળી, વાટકો અને ગ્લાસ ટીપાઇ પર ગોઠવતી હતી, ત્યાં તો બા એ વહુનો હાથ પકડી લીધો.
વહુ કહે; “બા કેમ છો ? સારુ તો છે ને ?“ કહી વહુ બા નાં પગ પાસે બેસી ગઇ.
બા એ દવા ની કોથળી ખોલી એમાંથી દવાખાને જતી વખતે વહુએ છાનુંમાનું મુકી દીધેલ બિસ્કીટનું પેકેટ ખોલી બે બિસ્કીટ વહુના મોઢા માં મુકી દીધાં.
“બા તમે દવાખાને ખાધા નહીં?” વહુએ પુછયું.
બા કહે; તને મુકીને હું ઘરડી ડોશી ખાઇ લઉ ? ઘડીક શ્વાસ લે.
વહુ એ બા નાં ખોળામા માથું રાખી દીધું ને આખો થાક ઉતરી ગયો.
અચાનક વહુ કહે, “બા મારે એકાદશી હતી.”
બા કહે; “તુ અમને જે રીતે સાચવે છે ને …તને તો રોજ ભાગવત સપ્તાહનું પુણ્ય મળે છે.” કહેતાં કહેતાં બે બિસ્કીટ પાછા મોઢા માં મુકી દીધાં.
ત્યાં સામેની ખુરશીમાં બેઠેલ બાપુજીએ બિસ્કીટ માટે મોઢું ફાડી રાખેલ, જે જોઈને સાસુ વહુ ખડખડાટ હસી પડ્યા.
આ બધા પ્રસંગ વચ્ચે ઘરનો દરવાજો ખુલ્લો રહી ગયો એ ખબર ન રહીં.
ધ્યાન ગયું ત્યારે દાદાની હયાતી ચેક કરવા આવેલ દોઢ લાખ પગારવાળા બેન્ક મેનેજર આ દૃશ્ય જોઇ રડી રહ્યાં હતાં. ખબર નહીં કેમ?
જીંદગીની સફર તો તદન મફત છે, કિંમત તો ફક્ત ગમતા વિસામાની છે.
સારા… આનંદદાયક કૌટુંબિક સંબંધ અને ખુશી માટે, વિશાલ શ્રીમંતાઈ, મહેલ જેવા આવાસ કે મર્સિડીઝ ગાડીઓ નહીં, પણ સાચી સમજણની વધારે જરૂર છે.
– સોર્સ વોટ્સએપ પોસ્ટ.