મહેનત અને મદદની વાત સમજાવતી આ લઘુકથા 2 મિનિટનો સમય કાઢીને અચૂક વાંચજો.

0
540

લઘુકથા – નહીં ઘટે :

વહુ આવી ગયા પછી વાડીનો બધો જ કારભાર ભાવનાબેન સંભાળતા. ધીકતા વેપારમાં વ્યસ્ત પુરુષો તો ખાલી ફરવા જ વાડીએ આવતા.

આજે ભાગીયાનો હિસાબ ચુકવવા ભાવનાબેન વાડીએ આવ્યા હતા.

મનોર અને લખી, આદીવાસી યુગલ ચોમાસા પહેલાં કામ શોધતું આવ્યું હતું. વાડીમાં એક ભાગીયું કુટુંબ રહેતું હતું. થોડી જમીન નબળી હોવાથી તે વાવેતરમાં છોડી દેવાની હતી. જાણવા છતાં યે મનોરે તે વાવવા રાખ્યું. ખુબ મહેનત કરી, કપાસ સારો પાક્યો. જાણે વતનમાં જવાની તાલાવેલી હોય તેમ જલ્દી વેંચાણ કરી દેવાય, તેવો સુર તેની વાતમાં રહેતો.

સીમેન્ટના બાંકડા પર ભાવનાબેન બેઠ હતા. સામે મનોર-લખી નીચે બેઠાં. હિસાબની ચીઠ્ઠી અને રુપિયા મનોરના હાથમાં આપ્યા.

“સત્તર હજાર છે..” ભાવનાબેને કહ્યું.

“ત્રણ હજાર ઘટશે..” મનોર સાથે આંખ મેળવી, લખીથી બોલાઈ ગયું.

“શું?”

“કંઈ નહીં.. બા..”

“લખી.. કહે તો ખરી.. શું વાત છે?”

નજર નીચી કરી, અચકાતાં લખીએ કહ્યું. “આ મને ભગાડીને લાવ્યો છે. નાતે વીસ હજાર દંડ કર્યો છે. એ ભરશું ત્યારે ગામમાં જવાશે.”

ભાવનાબેને ત્રણ હજાર પર્સમાંથી કાઢ્યા.

“લખી.. નહીં ઘટે….આ..લે..”

જાણે વીજળી ચમકી. લખીએ બન્ને હાથે, નોટને બદલે ભાવનાબેનનો હાથ પકડી લીધો.

“બા.. અમે ખુબ મહેનત કરશું.. આવતા વરસના હિસાબમાંથી આપી દઈશું.”

કંઈક અજુગતું કર્યાનો ભાસ થયો હોય, તેમ લખીએ હાથ ખસેડવા પ્રયાસ કર્યો. પણ ભાવનાબેનનો બીજો હાથ તેના હાથ પર દબાઈ ગયો.

એ ચાર હાથો વચ્ચે શું સંવાદ થયો.

એ રામ જાણે..!!

– જયંતીલાલ ચૌહાણ ૩-૨-૧૮ (અમર કથાઓ ગ્રુપ)