દુકાનદારની ઈમાનદારીની આ સ્ટોરી તમને એક સારી વાત શીખવતી જશે.

0
494

રતનલાલની દુકાન :

દેશના ભાગલા વખતે એક યુવાન કાઠિયાવાડના એક નાના શહેરમાં આવી વસ્યો હતો , નામ રતનલાલ.. સ્વતંત્રતાની લડાઈમાં ગાંધીજીનો સેનાની .. ગાંધી વિચારોનો પાકો હિમાયતી..

એ વખતે હિજરતને કારણે દુ:ખી થયેલ લોકો માટે સ્થાનિક પ્રજાને સહાનુભૂતિ હતી.. એટલે સંતાડીને લઈ આવેલ રોકડ , દાગીનામાંથી એણે કાપડની ફેરી ચાલુ કરી.. તે સારી ચાલવા લાગી..

સ્થાનિક સત્તાવાળાઓએ આવા લોકો માટે શહેરના મુખ્ય ચોક પાસે કેબીનો બનાવી દીધી .. એમાંથી એક કેબીન રતનલાલને પણ મળી.. કાપડના ધંધાનો અનુભવ અને ઈમાનદારીના કારણે ધંધો ખુબ ચાલ્યો.. ‘રતનલાલની દુકાને છેતરે નહીં’ એવી છાપ ઉભી થઈ ગઈ..

એ ઘટનાને પચાસેક વરસ વિત્યા.. કેબીનને બદલે મોટી દુકાન થઈ ગઈ.. રતનલાલ દાદા થઈ ગયા.. દિકરા અમને ધંધો સંભાળી લીધો.. પણ લોકોમાં એજ છાપ જળવાઈ રહી.. કે ‘રતનલાલની દુકાને છેતરે નહીં’..

રોજ સવારે સેવા પુજામાંથી પરવારી એ દુકાને જાય.. અમન સાથે પરચુરણ વાતો કરે.. પછી બીજા વૃદ્ધ મિત્રો સાથે મંદિરે જઈ બેસે..

આજે રતનલાલ દુકાને આવી રહ્યા હતા.. રસ્તામાં એક બાઈ પાસે પોતાની દુકાનની થેલી જોઈ, એટલે અટકાવીને પુછપરછ કરી.. એ ગરીબ મજુર સ્ત્રીએ એક સાડી ખરીદી હતી… રતનલાલે સાડીમાં લખેલ ગુપ્ત આંકડા વાંચ્યા.. પડતર કીમત ૬૦.. વેંચાણ કીમત ૭૦.. પુછતાં બાઈએ કહ્યું કે મેં ૮૦ માં ખરીદી છે..

રતનલાલે કહ્યું.. “બેન, ચાલ મારી સાથે.. હિસાબમાં ભૂલ છે..”

દુકાને આવી અમનને ૧૦ રુપિયા પાછા આપવા કહ્યું.. અને બાઈએ તેડેલ નાના છોકરાને, પાસેની દુકાનમાંથી બિસ્કીટનું પડીકું અપાવ્યું.. બાઈ જતી રહી..

એણે દિકરાને કહ્યું..” બેટા, આ રતનલાલની દુકાન છે.. ‘ત્યાં છેતરે નહીં ‘ એવી છાપ મેં વરસોની મહેનતથી ઉભી કરી છે.. આવા ગરીબ પાસેથી વધુ લઈને સુખી ના થવાય..”

અમને કહ્યું.. ”બાપુજી, હવે લોકો ભાવમાં બહુ કચકચ કરે છે.. એટલે બધા વેપારી પહેલાં થોડું વધારે કહે છે.. એ બાઈએ કંઈ કસર કાપ્યા વગર પૈસા આપી દીધા.. એટલે ૧૦ વધારે આવી ગયા..”

રતનલાલ ગયા.. બાજુની દુકાનવાળો વાત સાંભળતો હતો.. એ અમન સામે હસ્યો.. અમન પણ હસીને બોલ્યો..

“હજી એક જોખમ તો બાકી છે.. બાપુજી ઘરે જઈને વાત કરશે, તો સુનિતા જમવા ટાણે એક વાનગી નહીં પીરસે.. અમે નાના હતા, ત્યારે કંઈ ભૂલ થાય તો જમવામાં એક વસ્તુ ના મળે .. એ નિયમ હજી ચાલુ છે..”

સુનિતા.. અમનની પત્ની.. રતનલાલના ગરીબ પાડોસીની દિકરી.. રતનલાલે દહેજ વગર લગ્ન કરાવેલા.. સસરા માટે પિતાથી અધિક આદર રાખનારી હતી.. કાયમ હસતું રહેતું દંપતી.. અમન એને મજાકમાં ‘બાપુજીની ચમચી’.. કહેતો..

– જયંતીલાલ ચૌહાણ ૧૫-૬-૨૧ (અમર કથાઓ ગ્રુપ)

– સત્ય ઘટના આધારિત