રુપલના જીવનમાં એક અઠવાડિયામાં તો ઘણું બદલાઈ ગયું.. સીમંતના પ્રસંગ પછી એને બીજી સ્ત્રીઓ સાથે બેસવાનું ગમવા માંડ્યું.. રોંઢે ઘણી સ્ત્રીઓ નાનું મોટું કામ લઈ ભોંયતળીયે એકઠી થાય , ત્યાં એ જવા લાગી.. પછી તડકો ઓછો થાય એટલે બા સાથે થોડે દુરના મંદિર સુધી ચાલવા જવાનું..
તબીયત બતાવવાનું થયું.. ત્યારે એ બાને સાથે લઈ ગઈ.. ડોક્ટરને ઓળખાણ આપી .. ” આ મારા દાદીજી..”
ડોક્ટરે થોડી સુચનાઓ આપી , અને હસીને કહ્યું.. ” માજી , હવે થોડા દિવસમાં જ તમને દિકરાના દિકરાના બાળકને રમાડવાનું મળશે.. નસીબદાર છો તમે..”
રુપલના ફોનમાં મનહર સિવાય કોઈનો ફોન આવતો નહીં , તેને બદલે એકાંતરા દિવસે ફઈજીના ઘરેથી નણંદના ફોન આવવા લાગ્યા.. મીનીટો સુધી ગુસપુસ થવા લાગી..
એક દિવસ એણે પુછ્યું.. ” બા , ફઈ કહેતા હતા , કે તે ફુઈયારું લઈને આવશે.. એટલે શું..?”
બા હસ્યા.. ” એ હરખ કરવા આવે.. દિકરો કે દિકરી હોય .. એ પ્રમાણે કપડાં, ચાંદીની કડલી, જાંજરી, સાંકળા કે સોનાનું ઓમકાર લઈ આવે.. અને આપણે પણ શક્તિ પ્રમાણે ફઈને કંઈક આપવું પડે..”
બાએ વસાણાની યાદી મનહરને લખાવી.. એ પ્રમાણે એ ગુંદર , ટોપરા , સુંઠ , સુવાદાણા ..એવી કાટલાની સામગ્રી લઈ આવ્યો હતો.. એ બધું સાફસુફ કરીને તૈયાર થઈ ગયું..
અને .. એ દિવસ આવી ગયો.. રાતે દુ:ખાવો ઉપડતાં રુપલને દવાખાને લઈ ગયા.. સુરજ ઉગતામાં એણે દિકરીને જન્મ આપ્યો..
જન્મ પછીની સારવાર સફાઈ કરી , નર્સ કપડામાં વિંટેલી બાળકીને રુપલના પડખામાં મુકી ગઈ.. એણે જરા પડખું ફેરવીને દિકરીને સ્પર્ષ કર્યો..ત્યાં તો આંખોમાંથી આંસુના રેગાડા ચાલ્યા..
એણે પાસે ઉભેલ બાને કહ્યું.. ” બા , હું મ રીજાઉં તોય આને મારાથી છેટી ના જવા દઉં.. મારી માની એવી કઈ લાચારી હશે.. કે મને આવડીને રેઢી મુકીને જતી રહી..”
બાએ ઠપકો આપ્યો.. ” અત્યારે એવું વિચારીને રોવાય નહીં.. ખોટી ચીંતા કરવાથી ધાવણ બળી જાય..”
એ તરત સાવધ થઈ ગઈ.. બાનો હાથ પકડી પોતાના કપાળ પર દાબ્યો.. આંખો મીંચી લીધી..
ઘરે સમાચાર પહોંચ્યા.. બે બોલકણી બાઈઓ દાદા પાસે પહોંચી ગઈ..
” દાદા તમારું પાકીટ આપો તો..”
એમાંથી પાંચસોની નોટ કાઢી , છોકરાને આપી .. કહ્યું..
” જા જલ્દી .. પેંડા લઈ આવ..”
મુન્ની અને રુપલની તબીયત એકદમ બરાબર હતી , એટલે બીજે દિવસે દવાખાનેથી ઘરે આવી ગયા..
મનહરે ત્રણ અઠવાડિયાની રજા લઈ લીધી.. ઘરકામ જાતે કરવાનો એને અનુભવ હતો.. અને હવે તો ઉત્સાહ પણ ઉમેરાયો.. તેણે બાને કહ્યું..
” બા , તમે આ બેયને સાંચવો.. ઘરનું બધું કામ હું કરી લઈશ..”
પાડોશી સ્ત્રીઓ મુન્નીને બોલાવવા આવી ગઈ.. બા તસતસતા ઘી વાળું કાટલું રુપલને પરાણે ખવડાવતા અને કહેતા.. ” અત્યારનું ખાધેલું જ ગણ કરે.. ધાવણ સારું થાય.. છોકરું ભૂખ્યું ના રહે..”
મુન્નીની છઠીનો દિવસ આવ્યો.. બધી પાડોશણો આવી.. મુન્નીને છઠિયું પહેરાવ્યું.. ઘીનો દિવો કર્યો.. પીપળાના પાન, કોરો કાગળ અને પેન મુક્યા.. માથે મોટું વાસણ ઢાંક્યું.. વિધાતા લેખ લખવા આવે , એ માટે બતીઓ બંદ કરી , થોડીવાર અંધારું કર્યું.. વાસણ પર અનાજ દેડવ્યું.. મુન્નીને પાંચ વાર લોટાડી.. સૌએ આશીર્વાદ આપ્યા.. ” પાંચમાં પુછાય એવી થાજે..”
રુપલને આવું પહેલી વાર જોવા મળ્યું.. અને એ પણ .. પોતાની દિકરી માટે.. એ થોડીવાર ભાવુક થઈ ગઈ..
વીસેક દિવસ થઈ ગયા.. રુપલે ઘરકામ સંભાળી લીધું.. અને બાએ મુન્નીને સાંચવવાનું..
મુન્નીનું ફુઈઆરું આવ્યું.. હંસાફઈ સાથે નીતા અને નરેન પણ આવ્યા..
નરેને મજાક કરી.. ” ભાભી કાટલું ખાઈને તમારા ગાલ ફુલી ગયા.. સીમંત વખતે સુકાયેલ હતા.. એ વખતે આવા હોત તો વિધિમાં હળવી ટપલીને બદલે ખરી ઝા પટ મારત..”
આખો દિવસ બધાએ આનંદ કર્યો.. આવતી સવારે મુન્નીનું નામ પાડવાનું હતું.. સૌ પોતપોતાને ગમતું નામ સુચવતા હતા.. પણ નીતાએ જબરદસ્તી કરી..
” ફઈ તો હું છું ને?.. મને ગમશે તે નામ રાખીશ..”
નામકરણ વિધિ ચાલુ થઈ.. ઘોડિયામાં નવું ખોયું ચડાવ્યું.. મુન્નીને નવું કપડું પહેરાવ્યું.. પાડોશની ચાર છોકરીઓને બોલાવી પીપળાના પાન સાથે પાંગરા પકડાવ્યા..
” ઓળી ઝોળી પીપળ પાન.. ફઈએ પાડ્યું સુખદા નામ..” એમ પાંચવાર બોલીને નીતાએ મુન્નીને ઘોડિયામાં પોઢાડી દીધી.. છોકરીઓએ પાંચ વાર હીંચકા નાખ્યા.. વિધિ પુરી થઈ..
રસોઈનો સમય થયો હતો.. રુપલે નીતાને કાનમાં કહ્યું.. ” દીદી , જુઓ .. આજ હું બાને ચીડવું..” એમ કહી એણે બાને કહ્યું..
” બા આજે સુખદાનું નામ પાડવાનું શુભ કામ કર્યું.. તો આજે મગ લાપસી રાંધું ને..?”
” હા.. હવે જલ્દી કર.. નહીંતર મોડું થશે..”
રુપલ બોલી.. ” પણ બા.. મને લાપસી ક્યાં આવડે છે..”
બાએ હસીને કહ્યું.. “ સાવ ઠોબારી.. પણ , હવે હું બીજીવાર નહીં શીખવાડું..”
બધા હસ્યા..
સમાપન..
વર્ષો બાદ સુખદા બોર્ડમાં પ્રથમ આવી.. એના સમાચાર અને ફોટો છાપામાં આવ્યો..
રુપલે એ છાપું શાંતાબાના ફોટા તરફ ધર્યું.. એને બોલવું હતું કે..
” બા આજ મગ લાપસી રાંધું ને? હવે આ ઠોબારીને લાપસી આવડી ગઈ છે..”
પણ આંસુઓએ પુરું બોલવા ન દીધું.
– જયંતીલાલ ચૌહાણ (અમર કથાઓ ગ્રુપ)
(પ્રતીકાત્મક ફોટા)