જે લોકો આ રીતે કરે છે ભક્તિ, તેમને મળે છે ભગવાનની કૃપા, જાણો તમારે શું કરવું જોઈએ.

0
397

શા માટે ભગવાને એક સંતને નહિ પણ નાનકડા ભરવાડને આપ્યા પોતાના દર્શન.

એક ભરવાડ રોજ ગાયોને ચરાવવા ગામની બહાર જંગલમાં જતો હતો. તે જંગલમાં એક સંતનું આશ્રમ હતું. તે સંત રોજ તપ, ધ્યાન, મંત્ર જાપ કરતા હતા. આ ભરવાડ રોજ તે સંતને જોતો હતો, પણ તેને એ સમજાઈ રહ્યું ન હતું કે સંત આ બધું કેમ કરી રહ્યા છે?

ભરવાડની ઉંમર ઓછી હતી. સંતના આ કર્મોને સમજવા માટે તે આશ્રમમાં પહોંચ્યો અને સંતને પૂછ્યું કે, તમે રોજ આ બધું શું કરી રહ્યા છો?

પછી સંતે તેને જણાવ્યું કે, હું ભગવાનને મેળવવા માટે ભક્તિ કરું છું. રોજ પૂજા-પાઠ, તપ, ધ્યાન અને મંત્ર જાપ કરવાથી ભગવાનના દર્શન થઈ શકે છે.

સંતની વાત સાંભળીને ભરવાડે વિચાર્યું કે, મારે પણ ભગવાનના દર્શન કરવા જોઈએ. આ વિચારીને ભરવાડ આશ્રમમાંથી નીકળી એક શાંત જગ્યા પર ઝાડ નીચે એક પગ પર ઊભો રહીને તપ કરવા લાગ્યો. થોડા સમય પછી તેણે શ્વાસ લેવાનું પણ બંધ કરી દીધું. તે ભરવાડે વિચાર્યું કે, જ્યાં સુધી ભગવાન દર્શન નથી આપે ત્યાં સુધી હું આવી રીતે જ રહીશ.

આ નાનકડા ભક્તની આટલી કઠોર તપસ્યાથી ભગવાન ખુબ જલ્દી પ્રસન્ન થઇ ગયા. તે ભરવાડ સમક્ષ પ્રગટ થયા અને બોલ્યા કે, પુત્ર આંખ ખોલ, હું તારી સામે આવી ગયો છું.

ભરવાડે આંખ ખોલ્યા વિના જ પૂછ્યું કે તમે કોણ છો?

આથી ભગવાન બોલ્યા, હું તે ઈશ્વર છું, જેના દર્શન માટે તું તપ કરી રહ્યો હતો.

આ સાંભળીને ભરવાડે આંખો ખોલી લીધી, પરંતુ તેણે આ પહેલા ભગવાનને ક્યારે જોયા નહોતા. આથી તે વિચારવા લાગ્યો કે, શું આ જ તે ભગવાન છે?

સત્ય જાણવા માટે તેણે ભગવાનને દોરડા વડે એક ઝાડ સાથે બાંધી દીધું. અને ભગવાન પણ ભક્તના હાથે ઝાડ સાથે બંધાઈ ગયા.

ભરવાડ તરત ભાગીને તે સંતના આશ્રમમાં ગયો અને તેમને સંપૂર્ણ હકીકત જણાવી દીધી. સંત આ બધું જાણીને ચકિત થઇ ગયા. તે પણ તરત જ ભરવાડ સાથે તે જગ્યાએ પહોંચી ગયા.

સંત તે ઝાડ પાસે પહોંચ્યા તો તેમને કોઈ દેખાયું નહિ. ભગવાન ફક્ત તે ભરવાડને જ દેખાઈ રહ્યા હતા. સંતે જણાવ્યું કે મને તો અહીં કોઈ દેખાતું નથી. આથી તે નાનકડા ભરવાડે ભગવાનને તેનું કારણ પૂછ્યું.

પછી ભગવાને જણાવ્યું કે, હું તે જ માણસોને દર્શન આપું છું જે નિસ્વાર્થ ભાવથી મારી ભક્તિ કરે છે. જે લોકોના મનમાં કપટ, સ્વાર્થ, લાલચ હોય છે, તેમને હું દેખાતો નથી.

શીખ : જે લોકો ભગવાનની ભક્તિ પોતાના સ્વાર્થ માટે કરે છે, તેમને ભગવાનની કૃપા મળતી નથી. નિસ્વાર્થ ભાવથી કરવામાં આવેલ ભક્તિ જ સફળ થાય છે.