મનુષ્યના જીવનની ત્રણ અવસ્થાનો આ સુંદર લેખ માવતર માટે શું કરવું તે શીખવતો જશે.

0
859

મનુષ્ય પોતાના સમગ્ર જીવન દરમિયાન ત્રણ તબક્કામાંથી પસાર થાય છે.

૧) બાલ્યાવસ્થા.

૨) યુવાવસ્થા.

૩) વૃદ્ધાવસ્થા.

માનવી આ અવસ્થાઓ દરમિયાન અનેક અનુકૂળ, પ્રતિકૂળ સંજોગોમાંથી પસાર થઈ, સારા.. નરસા અનુભવો લઈ, સફળ કે નિષ્ફળ થઈ આગળ વધે છે. આ ત્રણ અવસ્થા દરમિયાન પોતે જોયેલા સપના સાકાર કરવા માટે, પ્રગતિના પંથે ઉડાન ભરતો હોય છે. બાલ્યાવસ્થામાં… માનવી ને કંઈ વધારે સમજ હોતી નથી.. એટલે કૈંક મેળવવામાં માટે.. સ્વપ્ન નહિ, પણ બાળકની ” ઈચ્છા” એમ કહી શકાય..

દા. ત. નાના બાળકને ગમતું રમકડું કે બિસ્કીટ કે ચોકલેટ … કંઇ પણ.. બાળકની નજર સામે, કે થોડે દૂર મૂકો.. તો બાળકએ લેવા માટે ઘૂંટણિયે પડીને કે ડગુમગુ ચાલતા જઈને, એ વસ્તુ મેળવવાનો પ્રયત્ન કરશે.. અને એ માટે બાળક મહેનત કરે છે. આજ વસ્તુને આપણે જ્યારે યુવાવસ્થામાં મેળવીએ તેને સ્વપ્ન સાકાર કર્યાનું કહીએ.. હા.. માનવીએ સ્વપ્ન જોવા જોઈએ..

બાળપણની વિદાય પછી શમણાઓની હારમાળા લઈ શરૂ થયેલ અવસ્થા એટલે યુવાવસ્થા… યુવાવસ્થામાં માનવી પરિપકવ બને છે. પોતે ક્યા ક્ષેત્ર માં આગળ વધવું, એ વિશે સ્વપ્નશીલ બને છે. એ માટે સતત અભ્યાસ કરી, પરિશ્રમથી પોતાના બંધ આંખે જોયેલા સ્વપ્નને ખુલી આંખોએ જીવંત બનાવવા માટે લગાતાર કાર્યશીલ રહે છે.

ત્રીજી અવસ્થા.. વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થા એટલે જીવનનો સંધ્યાકાળ. પોતાના સંતાનોમાં વાવેલા સ્વપ્નોના સંસ્કારની લણણી ની અવસ્થા. યુવાવસ્થામાં જે માનવી પોતાના સંસ્કારોને સાકાર કરે છે.. એ હકીકત માં એ સ્વપ્નના બીજ તો માવતરે પોતાના સુખદુઃખની પરવા કર્યા વિના, સંતાનો ના ઉજ્જવળ ભવિષ્ય માટે નાંખ્યા હોય છે.

ત્રણેવ અવસ્થામાં માનવી એ કંઇક મેળવવું છે, પામવું છે. પણ ફકત સ્વપ્ન જોઈએ બેસી ન રહેતા, લક્ષ્ય સુધી પહોંચવા, સ્વપ્ન સિદ્ધ કરવા..” પુરુષાર્થ ને પારસમણિ” બનાવવો પડે છે… અને એ પણ નિરાશ કે નાસીપાસ થયા વિના.

છેલ્લે એક વાત.. કે જે માવતરે સ્વપ્ન બતાવ્યા, સંસ્કાર સિંચ્યા, સફળતાના આશિષ આપ્યા… એ માવતરને વૃદ્ધાવસ્થામાં થોડો લાગણીનો છાંયડો જરૂર આપજો. માવતરના ઉંમરના અસ્તાચળના પડાવને થોડો સમય આપજો.

વૃદ્ધાવસ્થા એટલે ફરીથી આવેલી બાલ્યાવસ્થા…

વૃદ્ધાવસ્થામાં આપના વડીલોએ પોતાના સંતાન પાસેથી વાંછેલું સ્વપ્ન સાકાર કરજો…

રીટા મેકવાન “પલ” (બુક લવર્સમાંથી)