“ટીટોડો” તો તમે સારી રીતે લેતા હશો, પણ તેની આ રસપ્રદ સ્ટોરી વાંચી નહિ હોય.

0
564

બિચારા સાદા સીધા ગાંગાને બાયડી વાયડી મળી.. નામે કડવી.. પણ નામ જેવા જ ગુણ.. ગાંગાની મા તો એને દીઠી ના ગમે.. ડોશીને કામ વગર બહાર નિકળવાની મનાઈ..

સવારે કડવી ગાંગા સાથે બેસીને સીરામણ કરે.. ગાંગો જાય પછી ડોશી પાસે ફળિયું વળાવે.. ને પછી વધઘટના ટુકડા ખાવા આપે..

એવામાં કોઈએ કડવીને કહ્યું કે ” તારી સાસુ જુવાનીમાં ટીટોડો બહુ સારો લેતા.. તહેવારમાં ઢોલના તાલે એનો ટીટોડો જોવા ગામની બાયું ભેગી થઈ જાય..”

કડવીને સાસુનો ટીટોડો જોવાનું મન થયું.. એટલે કહ્યું ” હવે રોજ ટીટોડો લેશો .. તો જ ખાવાનું મળશે..”

ડોશી બિચારી એ ફળિયું વાળી ટીટોડો લીધો.. અને ગાવા લાગી..

” ગાંગા પુતર ગાંગા.. નાચે છે ડોશલી .. ને ધ્રુજે છે ટાંગા.. ગાંગા પુતર ગાંગા..”

પછી તો આ રોજનું થયું.. ડોશીનું શરીર નબળું પડવા માંડ્યું.. ગાંગાને થયું કે બાને કંઈક વાંધો છે.. પણ કહેતા નથી.. છાનામાના જોવું પડશે..

એક દિવસ બહાર નિકળી , તરત જ બાજુની અવાવરુ વંડી પાછળ સંતાઈ ગયો.. જોયું .. તો બાએ ફળિયું વાળ્યું.. પછી ટીટોડો લીધો..

” ગાંગા પુતર ગાંગા .. નાચે છે ડોશલી.. ને ધ્રુજે છે ટાંગા.. ગાંગા પુતર ગાંગા..”

પછી કડવીએ રોટલાના ટુકડા અને છાશનો વાટકો ખાવા આપ્યા..

ગાંગાની આંખો ભીની થઈ ગઈ.. મનમાં વિચાર્યું.. ” મારે આ કુભારજાનું કાંઈક કરવું પડશે..”

એવામાં કડવીની મા આંટો દેવા આવી.. રાતે દુધપાક બનાવ્યો.. કડવીને દુધપાક બહુ ભાવે.. ગાંગો જાજા જાયફળ લઈ આવ્યો.. ને દુધપાકમાં નખાવ્યા.. કડવી પાંચ વાટકા ટાહોડી ગઈ.. જાયફળથી ઘેન ચડ્યું.. પથારીમાં પડતાં વેંત ઘોરવા લાગી..

ગરમીના દિવસો હતા.. કડવીની મા ફળિયામાં સુતી હતી.. ગાંગો હળવેથી રસોડામાં ગયો.. તાવડીની મેશ અને તેલ ઘોળ્યા.. લુગડા કાઢી આખે ડીલે કાળો લેપ કર્યો.. સાસુનું ગોદડું ખેંચ્યું.. ખીખીયાટા કર્યા..સાસુ જાગી ગઈ.. બીકની મારી ચીસ નિકળી ગઈ..

ગાંગાએ અવાજ બદલીને કહ્યું..” એય જાડી પાડી.. મૈં ટીટોડીયા ભૂત હું.. ઈસ ફળિયેમેં રહેતા હું.. સવારમેં પાતળી ડોશી ટાઢા રોટલા ખાકે ટીટોડા લેતી હે.. ઈ મુજે નહીં ગમતા.. અભી જાડીકા ટીટોડા દેખના હૈ.. જલ્દી ટીટોડા લેવા લગજા.. નકર ખા જાઉંગા..”

કડવીની મા થાકી ગઈ ત્યાં સુધી ગાંગાએ ટીટોડો લેવડાવ્યો.. અંતે કહ્યું..

” સુન જાડી.. મેં ટીટોડીયા ભૂત હું.. મેરે ફળિયેમેં કોઈ પાતળી બાઈ ટાઢા રોટલા ખાકર ટીટોડા લેગી.. તો મૈં તેરી છોકરી કડવીકો મીઠી કરકે ખા જાઉંગા.. હા.. હા.. હા..”

ગાંગો નહાઈ ધોઈ છાનોમાનો સુઈ ગયો..

સવારે કડવીની માએ કહ્યું.. “ દિકરી , ફળિયામાં ટીટોડો લેવાય તો અપશકન થાય.. અને તારી સાસુને ટાઢો રોટલો દેતી નહીં..”

– જયંતીલાલ ચૌહાણ ૨૧ – ૪ – ૨૧ (અમર કથાઓ ગ્રુપ)

ટીટોડો એક પ્રકારનું લોકનૃત્ય છે.

નાનપણમાં સાંભળેલ , તેની સ્મૃતિ પરથી..

(ફોટા પ્રતીકાત્મક છે.)