ટૂંકા રસ્તે લાખોપતિ થવાની લ્હાયમાં માણસ કેવા પગલાં ભરી શકે છે તે જાણવા આ લઘુકથા વાંચો.

0
427

લઘુકથા – સારો માણસ :

– માણેકલાલ પટેલ.

બપોરે બે વાગે કિરણનો ફોન આવ્યો :- “રાજુ, જો તું મને છ વાગ્યા સુધીમાં દસ હજારની મદદ નહિ કરે તો હું સાત વાગે કેનાલમાં પડી જીવન ટૂંકાવી લઈશ.”

રાજુ સમજ્યો નહિ કે કિરણે પૈસા માટે વિનંતી કરી હતી કે ધ મકી આપી હતી?

એણે સમજાવ્યું :- “જો, કિરણ ! દસ હજાર માટે જીવન ન ટૂંકાવાય. હિંમત હારવાથી કંઈ ન વળે. તું ચિંતા કર્યા વિના….”

“પણ, જો છ વાગ્યા સુધી હું આ રકમ ચૂકવીશ નહિ તો મારી ઈજ્જતનો સવાલ આવશે અને હું ઈજ્જતનો મા ર્યો જ જીવન ટૂંકાવી લઈશ.”

રાજુએ એને દસ હજાર આપ્યા ત્યારે એને સંતોષ થયો કે એણે એક વ્યકિતની જાન બચાવી છે.

પાંચેક દિવસ પછી રાજુને હસમુખ મળ્યો. એણે ગર્વથી કહ્યું :- “આજકાલ સાલુ લોકોનાં મન બહુ ટૂંકાં થઈ ગયાં છે. સહનશક્તિ જ નથી રહી.”

“શું થયું?” રાજુએ ચિંતાતુર સ્વરે પૂછ્યું :- “આવું કેમ બોલે છે?”

“આ કિરણને મેં દસ હજારની મદદ ન કરી હોત તો એણે તો જીવન જ ટૂંકાવી લીધું હોત !”

રાજુ વિચારમાં પડી ગયો.

કિરણની છાપ સારા માણસની હતી.

બે દિવસ પછી કેનાલ આગળ લોકોનું મોટું ટોળું એકઠું થયું હતું. પોલીસ પણ પહોંચી આવી હતી.

લોકો ચર્ચા કરી રહ્યા હતા :- “ટૂંકા રસ્તે લાખોપતિ થવાની લ્હાયમાં જીવનોય સ ટ્ટો ખેલવાવાળાને લોકો સારો માણસ કેમ કહેતા હશે?”

– માણેકલાલ પટેલ