ખોટા રવાડે ચડી ગયેલા છોકરાને સાચા રસ્તે લાવવા માટે સંતે જે કર્યું તે જાણવા અને સમજવા જેવું છે.

0
755

દરેક માણસમાં કોઈને કોઈ ખરાબ ટેવ જરૂર હોય છે. તે એવું વિચારે છે કે સમય આવશે ત્યારે એ ટેવ તે છોડી દેશે. પણ એવું થતું નથી કેમ કે ધીમે ધીમે તે ટેવ લતમાં બદલાઈ જાય છે અને પછી ધારો તો પણ તેને છોડવી મુશ્કેલ બની જાય છે.

ખરાબ ટેવો જીવન બરબાદ કરી દે છે, એટલા માટે સમયસર ખરાબ ટેવોને છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે અમે તમને એવો પ્રસંગ જણાવવા જઈ રહ્યા છીએ, જેનો સાર એ છે કે ખરાબ ટેવો જયારે લાંબા સમય સુધી જળવાઈ રહે છે તો તેનું પરિણામ ખરાબ જ હોય છે.

જયારે સંતે શેઠના છોકરાને બતાવ્યો સાચો રસ્તો :

એક શહેરમાં એક શેઠ રહેતા હતા, તે ખુબ શ્રીમંત હતા. તેમની પાસે પૈસાની કોઈ અછત ન હતી. તેથી તેનો દીકરો ખરાબ ટેવમાં ફસાઈ ગયો. તે છોકરીઓની છેડતી કરતો હતો, નશો કરતો હતો. હવે શેઠને ચિંતા થવા લાગી કે તેનો દીકરો બધું બરબાદ કરી નાખશે.

ચિંતાતુર શેઠ વિદ્વાન સંત પાસે ગયા અને કહ્યું કે મહારાજ મારા દીકરાનું ભવિષ્ય ઉજડતું જોવા મળી રહ્યું છે, મહેરબાની કરીને તેને સુધારી આપો.

સંતે કહ્યું કે તમે કાલે તમારા દીકરાને મારી પાસે મોકલી આપજો.

બીજા દિવસે શેઠે તેના દીકરાને સંત પાસે મોકલી દીધો. સંત ઘણા બુદ્ધિશાળી હતા. તે એ છોકરાને લઈને એક બાગમાં ગયા. સંતે તે છોકરાને કહ્યું કે આ જે છોડ છે તેને ઉખાડી નાખ. છોકરાએ તરત જ તે છોડને ઉખાડી નાખ્યો.

ત્યાર પછી સંતે તે છોકરાને થોડા મોટો છોડ ઉખાડવા માટે કહ્યું. છોકરાએ થોડી શક્તિ લગાવીને તેને પણ ઉખાડી નાખ્યો. છોકરાને સમજાયું નહિ કે સંત તેની પાસે આવું કેમ કરાવી રહ્યા છે. સંતે એક મોટા ઝાડની તરફ ઈશારો કરતા કહ્યું કે હવે તેને ઉખાડી નાખ.

છોકરાએ પ્રયત્ન કર્યા તો તે સમજી ગયો કે આ ઝાડને ઉખાડી શકવું અસંભવ છે. તેણે સંતને કહ્યું કે આ કામ તો મારાથી નહિ થઇ શકે.

સંતે તેને કહ્યું કે ઠીક એવું જ આપણી ખરાબ ટેવો સાથે થાય છે. હજી તારી ઉંમર વધુ નથી, તેથી તારી ખરાબ ટેવોના મૂળ પણ નબળા છે. જો હજી તું આ ટેવોને ઉખાડી દઈશ એટલે છોડી દઈશ, તો તારું જીવન સફળ થઇ જશે, પણ તું આ ટેવોને અત્યારે નહિ છોડે, તો તે ધીમે ધીમે વધતી જશે અને જયારે તેના મૂળ મજબુત થઇ જશે, ત્યારે તેને ઉખાડી શકવી અસંભવ બની જશે.

છોકરાને સંતની વાત સમજાઈ ગઈ અને તેણે ખરાબ ટેવોને છોડવાનો સંકલ્પ લઇ લીધો.

કથાનો સાર : આ કથાનો સાર એ છે કે કોઈ પણ ખરાબ ટેવને શરુઆતમાં જ છોડી દેવી જોઈએ, નહિ તો ધીમે ધીમે તે વધવા લાગે છે અને જીવન બરબાદ કરી શકે છે.