જીવનને ઉત્તમ બનાવવા આ 25 પગથિયાં ચડો, સફળતા દોડતી દોડતી તમારી પાસે આવશે.

0
726

25 પગથિયાં જિંદગીને બહેતર બનાવવા માટે :

શ્રીરવિશંકરજી પચ્ચીસ એવાં પગલાં બતાવે છે, જેનો અમલ કરવાથી આપણી જિંદગી જરૂર બહેતર બની શકે. દરેક વ્યક્તિ પોતાની જિંદગી કઈ રીતે બહેતર બનાવી શકે એ અંગે આંતરખોજ કરવી જરૂરી છે.

સૌથી પહેલાં તમે તંદુરસ્ત છો કે નહીં તે જાણી લો. તંદુરસ્તી એટલે રોગમુક્ત શરીર, કંપનમુક્ત શ્વાસ, પ્રાણમુક્ત મન, ભયમુક્ત બુદ્ધિ, વળગણવિહોણી સ્મૃતિ, સર્વનો સમાવેશ કરતો અહમ અને ગ્લાનિમુક્ત આત્મા.

વળી, જિંદગીનો હેતુ શું છે? તેઓ કહે છે તમે અહીં ઉદાસ રહેવા નથી આવ્યા. કોઈનો દોષ કાઢવા નથી આવ્યા. તમે અહીં બિચારા બની રહેવા નથી આવ્યા. તમે અહીં ચિંતા કરવા નથી આવ્યા. તમે અહીં દેખાડો કરવા નથી આવ્યા. તમે ચિડાવા કે કોઈને ચિડવવા નથી આવ્યા. આ જિંદગી એક સુંદર રહસ્ય છે અને તમારે નિર્દોષતાથી એને જીવવાની છે. જીવનના રહસ્યને આવી પૂર્ણતાથી જીવી જાણવું એ જ આનંદ છે.

હવે પેલાં પચીસ પગલાં :

[1] જીવનનો સંદર્ભ સમજો : લાખો વર્ષની આ સૃષ્ટિમાં આપણી સાઠ, સિત્તેર, સો વર્ષની જિંદગી કેટલી નગણ્ય છે ! એટલે જ આ નિર્ણય કરો. જે કંઈ પણ થાય, ઈશ્વરનું રક્ષણ મારા પર છે જ. દરેક પરિસ્થિતિમાં તમારા મનને શાંતિપૂર્ણ રાખો. બાકીનું બધું બરાબર થઈ રહેશે.

[2] જિંદગીની ક્ષણભંગુરતાને ઓળખો : જિંદગીની ક્ષણભંગુરતાને જુઓ. તે સત્ય છે. બધું વીતી જાય છે, આવતીકાલ પણ વીતી જશે. આપણી જિંદગીની આ પ્રકૃતિને ઓળખો તો જણાશે કે તમારી ભીતર કશુંક છે જે નથી બદલાયું. એક એવું બિંદુ છે જેના સંદર્ભે તમે અન્ય બાબતોને બદલાતી જોઈ શકો છો. એ સંદર્ભ બિંદુ જ જીવનનો સ્ત્રોત છે. શાણપણ છે. એનાથી જિંદગીની ગુણવત્તા સુધરે છે.

[3] તમારા સ્મિતને સસ્તું બનાવો : તમારે વધુ સ્મિત કરવું જોઈએ. દરરોજ સવારે ઊઠીને અરીસામાં જોઈ પોતાની જાતને એક સરસ મજાનું સ્મિત આપો. એમ કરવાથી તમારા ચહેરાના તમામ સ્નાયુઓ રિલેક્સ થઈ જશે. મગજના જ્ઞાનતંતુ પણ હળવાશ અનુભવશે. પરંતુ આટલું કિંમતી સ્મિત તમે કેટલી સહેલાઈથી ગુમાવી દો છો. કોઈક તમને મૂર્ખાઈભર્યું કહે એટલે સ્મિત વિલાઈ જાય છે. એ કહેનારના મગજમાં કચરો ભર્યો હોય તો એને તો એ નાખવા માટે કચરાપેટીની જરૂર હોય જ. પણ તમે શા માટે કચરાપેટી બનો છો ? જરાક સમજો. જાગો. તમારા સ્મિતને કોઈના પણ સારા-માઠા શબ્દોનો ભોગ ન બનવા દ્યો. તમારા સ્મિતને સસ્તું અને ગુસ્સાને મોંઘો બનાવો. જેથી તમે સ્મિત વધુ અને ગુસ્સો ભાગ્યે જ કરશો.

[4] ઉત્સાહી બનો અને અન્યની પ્રશંસા કરો : ઉત્સાહ તો જિંદગીની પ્રકૃતિ છે પરંતુ આપણામાંના ઘણાને કોઈના ઉત્સાહ પર ઠંડું પાણી રેડવાની આદત હોય છે. કોઈની પ્રશંસા કરીને ઉત્સાહ વધારવાની દરેક તક ઝડપી લો. ફરિયાદ કરનારને દિવ્ય પ્રેમ પ્રાપ્ત નથી થતો. તમે એવી વ્યક્તિ બનો જેનો ઉત્સાહ કદી ખૂટે જ નહીં.

[5] ધ્યાનને જિંદગીનો હિસ્સો બનાવો : જીવનમાં ઊંચા લક્ષ્યો પામવા રોજ થોડી મિનિટો ધ્યાન અને આંતરખોજ જરૂરી છે. સવાલ થશે કે ધ્યાન શું છે ? હું કહીશ કે ધ્યાન એટલે વ્યગ્રતાવિહોણું મન. હકીકતમાં ધ્યાન એટલે વર્તમાનની ક્ષણનો સ્વીકાર કરી પ્રત્યેક ક્ષણને ઊંડાણપૂર્વક પૂરેપૂરી જીવવી. બસ, આટલી સમજ સાથે રોજ ધ્યાનની પ્રેક્ટિસ કરો. પછી જુઓ, જિંદગીની ગુણવત્તા કેવી બદલાય છે.

[6] સૌથી સુંદર જગ્યાએ જાઓ : આ સુંદર જગ્યા બીજે ક્યાંય નહીં, તમારી ભીતર જ છે ! એક વાર તમે આ જગ્યાએ આવી જાઓ પછી બધાં સ્થળો તમારા માટે સુંદર જ છે. આ જગ્યાએ પહોંચવા તમારે તમારા શ્વાસ માટે કંઈક જાણવું અનિવાર્ય છે. આપણા શ્વાસ પાસેથી આપણે ખૂબ અગત્યનો પાઠ શીખવાનો છે. મનના પ્રત્યેક લયને અનુરૂપ એક લય શ્વાસનો હોય છે. અને શ્વાસના પ્રત્યેક લયને અનુરૂપ તેમાં લાગણીનો એક લય હોય છે. એટલે જ્યારે તમે મનને સીધી રીતે હેન્ડલ ન કરી શકો ત્યારે શ્વાસ થકી તેને હેન્ડલ કરી શકાશે. એટલે જ શ્વાસની કળા શીખો. જોઈએ તો દર વરસે થોડાક દિવસ તમારી જાતને પ્રકૃતિ સાથે જોડી દો. સૂર્યોદય સાથે ઊઠો, થોડી કસરત કરો, યોગ્ય ખોરાક લો. યોગ અને શ્વાસોશ્વાસની કસરત કરો. ગીતો ગાઓ અને સર્જનનું સૌંદર્ય પીતા પીતા મૌનને માણો.

[7] અસરકારક સંવાદ રચો : દરેક સાથે અસરકારક સંવાદ કરવાની કળા શીખો. તે માટે શું કરશો ? તમારાથી વધુ જાણકાર વ્યક્તિને મળો ત્યારે બાળક જેવા થઈ શીખવા માટે તમારા આંખ કાન ખુલ્લા રાખો. તમારાથી ઓછું જાણનાર વ્યક્તિ સાથે નમ્ર બનો અને એને પણ તમારા જેટલું કે તમારાથી વધુ જાણકાર બનાવવા પ્રયાસ કરો. યાદ રહે, હંમેશાં કંઈક ને કંઈક વહેંચવાનું, શીખવાનું અને શીખવવાનું હોય જ છે. આમ તમારી વાતચીત સુધરે છે ત્યારે તમારી જિંદગી પણ સુધરે છે.

[8] તમારે માટે સમય કાઢો : દિવસમાં કમ સે કમ થોડી મિનિટો, તમારી જાત સાથે ગાળો. હૃદયના ઊંડાણ સુધી જાઓ. આંખ બંધ રાખો અને દુનિયાને દૂર ફગાવી દો. (અલબત્ત, કામ કરતા હો ત્યારે પણ આવી રીતે સો ટકા કામમાં રહો.) આમ બધું ત્યજીને બેસશો ત્યારે જ તમારી સર્જકતા કોળશે.

[9] તમારી આસપાસની દુનિયાને બહેતર બનાવો : નદી જ્યારે સામાન્ય હોય છે ત્યારે નિયંત્રિત સ્વરૂપે વહે છે, પણ પૂર વખતે જળની કોઈ દિશા નથી હોતી. એ જ રીતે જિંદગીને દિશા આપવાની જરૂર છે. જીવન-ઊર્જાને નિયત દિશામાં વહેવા માટે નિષ્ઠાની જરૂર પડે છે. સમાજ પ્રત્યે આવી નિષ્ઠા કેળવો તો સમાજનો તમને સાથ મળશે. સમાજ જ નહીં, સમગ્ર દુનિયાને બહેતર સ્થાન બનાવવાની નિષ્ઠા કેળવો.

[10] તમારી સંવેદનાને પોષો : સંવેદના કે લાગણીવિહોણો માણસ સૂકા લાકડા જેવો છે. તમારા જીવનને એવું રસભર બનાવો કે, લોકો તમારી કંપની ઝંખે. સંગીત, પ્રાર્થના અને સેવાથી તમે તમારી જાતને એવી વ્યક્તિ બનાવી શકો. આ દુનિયા પાસેથી શું મેળવી શકું એમ વિચારવાને બદલે આ દુનિયાને શું આપી શકું તેમ વિચારો. તમે દિલથી ગાશો કે પ્રાર્થના કરશો ત્યારે તમારી લાગણીઓ પુષ્ટ બનશે.

[11] ટૂંકા અને લાંબાગાળાનાં લક્ષ્યોનું આયોજન કરો : તમે જોશો કે તમારું મન ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે ભીંસાયા કરે છે. કાં તે ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના અંગે ક્રોધિત યા ઉદાસ હશે, કાં ભવિષ્યની ચિંતાથી ઘેરાયેલું. આનો અર્થ એ નથી કે ભવિષ્ય માટે આયોજન ન કરવું. ટૂંકાગાળાના અને લાંબાગાળાનાં લક્ષ્યોનું આયોજન કરો. એ માટે તમારા મનને વર્તમાનમાં રાખો અને લક્ષ સુધી પહોંચવાનાં સાધનો અને પદ્ધતિ બંનેનું આયોજન કરો. મહત્તમ સંતોષ આપે તેવી ચીજોનું લક્ષ લાંબાગાળાનું રાખો. નાની નાની વસ્તુઓ આપોઆપ સુલભ થઈ જશે.

[12] પ્રાર્થના કરો : જિંદગીને બહેતર બનાવવા માટેનું એક મહત્વનું સાધન છે પ્રાર્થના. પ્રાર્થના બે સ્થિતિમાં થાય છે, તમે જ્યારે એકદમ લાચાર બની જાઓ ત્યારે અને તમે ભગવાન પ્રત્યે ખૂબ જ આભારવશ થઈ જાઓ ત્યારે. તમારાથી શક્ય હોય એટલું કરો અને તમારાથી જે ન થાય તેવું હોય તેને માટે પ્રાર્થના કરો. પણ હંમેશાં યાદ રાખો કે અંતિમ અવાજ ઉપરી સત્તાનો જ રહેશે અને એ હંમેશાં સારા માટે જ હશે.

[13] જરૂર પડે પરિવર્તન કરો : જિંદગીમાં વિવેકબુદ્ધિ પર પડદો પડે છે ત્યારે દુઃખ આવે છે. અને વિવેકબુદ્ધિ શું છે ? આ જીવનમાં સઘળું પરિવર્તનશીલ છે એ જાણવું એ જ વિવેક છે. જીવન સુધારવા માટે જ્યાં અને જ્યારે પરિવર્તનનો અમલ કરવાની જરૂર લાગે ત્યારે એ કરવાની હિંમત દાખવો.

[14] તમારી મર્યાદાઓને ઓળખો : તમે જ્યારે જ્યારે નારાજ હો છો કે લાચાર હો છો ત્યારે તમને તમારી મર્યાદાઓનો પરિચય થાય છે. ત્યારે તમે ઈશ્વરનો આભાર માનો એ પરિચય કરાવવા બદલ અને સમગ્ર સ્થિતિને પ્રાર્થનામાં બદલી નાખો. ઈશ્વરને કહો કે હું બધું તને સમર્પિત કરી દઉં છું. તું શાંતિ લાવ. બસ, તમે હળવા થઈ જશો.

[15] તમારા મિત્રોને ગુમાવો નહીં : જીવનમાં ભૂલો બધાથી થતી હોય છે. ભૂલો બતાવવાની ભૂલ ન કરતા. એનાથી તેને તમે વધુ અપરાધભાવનો અનુભવ કરાવશો. ઉદારદિલ માનવ એમ કરવાને બદલે એ ભૂલોને અનુકંપા અને કાળજીથી સુધારે છે.

[16] સંપૂર્ણતાનો આગ્રહ ન રાખો : આ દુનિયામાં દરેક વખતે દરેક વસ્તુ પરિપૂર્ણ ન હોઈ શકે. ઉદાત્ત હેતુઓથી થયેલાં ઉત્તમ કામોમાં પણ ક્યાંક કંઈક અપૂર્ણતા રહી જવા પામે તેવું બને. એ સ્વાભાવિક છે. કમનસીબે આપણા મનને એ સંપૂર્ણતા પકડીને બેસી જવાની ટેવ હોય છે. અને આ પ્રક્રિયામાં આપણે આપણા મનને અને મિજાજને અપૂર્ણ બનાવીએ છીએ. આ વાહિયાત ચક્રમાંથી બહાર નીકળીએ.

[17] આપણે મશીન ન બનીએ : આપણે ઘણી વાર મશીનની જેમ વર્તીએ છીએ. કોઈ વખાણ કરે કે સ્મિત આપીએ અને અપમાન કરે તો ભવાં ચઢાવીએ. હંમેશાં આપણે એક જ સરખી પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. જુદી રીતે પ્રતિસાદ આપવાની આપણને છૂટ હોવી જોઈએ.

[18] રમૂજવૃત્તિ કેળવો : દરેક વ્યક્તિને બાળસહજ તોફાનીપણું ઈશ્વરે આપ્યું હોય છે. એ રમતિયાળપણાને જીવંત રાખો. રમૂજ આકરી સ્થિતિને હળવી બનાવી દે છે. રમૂજવાળો માણસ ગમે તેવા સંઘર્ષમાંથી પાર ઊતરે છે. રમૂજ તમને અપમાનથી બચાવે છે. અપમાન અને અવહેલનાથી ભરેલી આ દુનિયામાં રમૂજ એક તાજી હવાના સ્પર્શ જેવી છે. પણ હા, રમૂજમાં હંમેશાં કાળજી ભળવી જોઈએ. તેનો અતિરેક થાય તો ખરાબ. શાણપણ અને સંવેદનશીલતા વિનાની રમૂજ સમસ્યાઓ સર્જે છે.

[19] ભૂલ થવાનો ડર ન રાખો : ભૂલ થઈ ગઈ છે તેવું ભાન તમને તમે નિર્દોષ હો ત્યારે જ થાય છે. જે કોઈ ભૂલ થઈ એ માટે પોતાની જાતને પાપી ન ગણો, કેમ કે વર્તમાન ક્ષણમાં તમે નવા અને શુદ્ધ છો. ભૂલો કરવાનો ડર ન રાખો. પણ હા, એક ને એક ભૂલ ફરી ન કરો.

[20] તમારા પૂર્વગ્રહોને અતિક્રમી જાઓ : તમારા પૂર્વગ્રહો તમને આસપાસના લોકો સાથે મુક્તપણે એકરસ થવા દેતા નથી. કોઈની સામે પૂર્વગ્રહ ન રાખો. સાથે જ, તમારી પોતાની ઓળખ અંગે પણ ક્ષોભમાં ન રહો. પૂર્વગ્રહને અતિક્રમીને જ તમે સહજ બની શકશો અને તમારી જિંદગીની ગુણવત્તા બહેતર બનશે.

[21] ઈશ્વરના આશીર્વાદનો સદા અનુભવ કરો : જીવનમાં કોઈ નિષ્ફળતા છે જ નહીં. દેખીતી બધી નિષ્ફળતાઓ વધુ મોટી સફળતા તરફ લઈ જતી સીડીઓ જ છે. જ્યારે અવરોધો અસહ્ય લાગે ત્યારે અંતરના ઊંડાણથી કરેલી પ્રાર્થના ચમત્કાર કરી શકે છે. ઈશ્વરનો મને આશીર્વાદ છે એવી લાગણી તમને કોઈ પણ નિષ્ફળતામાંથી બહાર આવવામાં મદદ કરશે.

[22] સદવર્તન કરતા રહો : તમે સદવર્તન કરો છો ત્યારે તમારી ખરી પ્રકૃતિ પ્રગટ થાય છે. પણ દયા અને સેવાની આ પ્રવૃત્તિ મિકેનિકલ ન હોવી જોઈએ. સહજભાવે આવાં સત્કૃત્યો કરો.

[23] હંમેશાં વિદ્યાર્થી રહો : તમે હંમેશ માટે વિદ્યાર્થી રહો. જ્ઞાન કોઈ પણ ખૂણામાંથી આવી શકે છે. જીવનમાં દરેક પ્રસંગ અને વ્યક્તિ આપણને કાંઈક અને કાંઈક શીખવે છે. આ દુનિયા આપણી ગુરુ છે અને તમે સતત શીખતા રહેવાની વૃત્તિ રાખશો તો તમે બીજાની કિંમત ઓછી આંકવાની બંધ કરશો.

[24] અશક્ય સાધવાનું સપનું જુઓ : તમારી પાસે સપનું હશે તો જ એને સાકાર કરી શકશો. અશક્ય લાગે તે સાધવાનું સપનું જુઓ. આપણે સહુ આ દુનિયામાં કશુંક અદ્દભુત અને અનોખું કરવા આવ્યા છીએ. આ તકને સરકી જવા ન દેતા. મોટાં સપનાં જોવાની અને પછી તેને સાકાર કરવાની હિંમત કેળવો.

[25] તમારા દેખાવની તુલના કરો : નવા વર્ષની ઉજવણી તમને શાણા થવાનો અવકાશ આપે છે. ભૂતકાળમાંથી શીખવા જેવું શીખો, ભૂલવા જેવું ભૂલો અને આગળ વધો. ગરીબ માનવી વર્ષમાં એક જ વાર નવું વર્ષ ઊજવે છે. અમીર માણસ દરરોજ ઊજવે છે. પણ સૌથી સમૃદ્ધ તો એ છે જે જીવનની ક્ષણેક્ષણને ઊજવે છે. તમે કેટલા સમૃદ્ધ છો તેના તરફ આ નવું વર્ષ ઉજવતા ઉજવતા એક નજર કરજો. આ તમારું હોમવર્ક છે અને તમારા આ વર્ષના દેખાવની ગયા વર્ષના તેમજ તેના આગલા વર્ષ સાથે તુલના કરશો. હંમેશાં સ્મિત કરતા રહેજો. હૃદય હંમેશાં જૂની વાતોને ઝંખે છે અને મન નવી બાબતોને. જિંદગી આ બંને બાબતોનું મિશ્રણ છે.

– બલદેવપરી

(શિક્ષણના પ્રેરણા પુષ્પોમાંથી)