સંતાનને ગુણવાન બનાવવા છે તો આચાર્ય ચાણક્યની આ વાતોનું પાલન જરૂર કરો.

0
420

જો તમે તમારા સંતાનને વધુ લાડ લડાવતા હોય તો આ લેખ વાંચી લેજો, જાણો તેમના માટે શું જરૂરી છે?

આચાર્ય ચાણક્યએ નીતિશાસ્ત્રમાં જીવનના તમામ પાસાઓનો વિગતવાર ઉલ્લેખ કરતાં ઘણી સૈદ્ધાંતિક બાબતો કહી છે. જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં આ બધી વાતોનું પાલન કરે છે તો તેને સુખ-સમૃદ્ધિ અને પ્રસિદ્ધિ પણ મળે છે અને તે પોતાના પરિવાર સાથે સુખી જીવન જીવે છે. આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ માટે સૌથી મોટી ખુશી એ છે કે તેના બાળકો સુખી અને ગુણવાન હોય.

આચાર્ય ચાણક્યની નીતિઓ સદીઓ પછી પણ પ્રાસંગિક છે. આચાર્ય ચાણક્ય એક મહાન શિક્ષણશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજકારણી અને કુટનિતિજ્ઞ હતા. તેમના દ્વારા આપવામાં આવેલ શીખ દેશ, કાળ અને પરિસ્થિતિના ત્રાજવા પર ખરી ઉતરે છે. આચાર્ય ચાણક્યએ એક શ્લોકમાં માતા-પિતા માટે પોતાના સંતાનોને ગુણવાન બનાવવાની નીતિનો ઉલ્લેખ કર્યો છે. આચાર્ય ચાણક્યએ આ શ્લોકમાં માતા-પિતાને જણાવ્યું છે કે, પોતાના બાળકોને સદાચારી બનાવવા માટે આ નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ –

લાલનાદ્ બહવો દોષાસ્તાડનાદ્ બહવો ગુણાઃ।

તસ્માત્પુત્રં ચ શિષ્યં ચ તાડયેન્ન તુ લાલયેત્ ॥

આ શ્લોકમાં આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે લાડ કરવાથી પુત્રોમાં અનેક દોષો ઉત્પન્ન થાય છે. પુત્રોને દંડ આપવાથી કે પરીક્ષા લેવાથી તેમનામાં જીવન જીવવાના ગુણોનો વિકાસ થાય છે. આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે પુત્રો અને શિષ્યોને ક્યારેય મર્યાદાથી વધુ લાડ લડાવવા જોઈએ નહીં. તેના બદલે, તેમને શિક્ષા કરીને તેમને મુશ્કેલ પરિસ્થિતિ માટે મજબૂત બનાવવા જોઈએ.

બાળકોને પ્રેમ કરો પણ તેમની ખામીઓ પર પણ ધ્યાન આપો :

આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે બાળકોને લાડ લડાવવા જોઈએ, પરંતુ વધુ પડતા લાડ બાળકોમાં ઘણી ખામીઓ પેદા કરી શકે છે. માતા-પિતાએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લાડના ચક્કરમાં તમે તમારા બાળકોની ભૂલો પર પડદો તો ઢાંકી નથી રહ્યા ને.

બાળકોની દરેક ગતિવિધિ પર ધ્યાન આપો :

આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે જો બાળકો કોઈ ખોટું કામ કરે છે તો તેમને તરત જ સમજાવીને એ ખોટા કામથી દૂર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. માતાપિતાએ તેમના બાળકોની દરેક ગતિવિધિઓ પર નજર રાખવી જોઈએ. બાળક કાંઈ ખોટું કરે ત્યારે તેને લાડ લડાવવા અને તેના ખોટા કામની અવગણના કરવી યોગ્ય નથી.

હંમેશા બાળકને એકલામાં ઠપકો આપો :

બાળકને હંમેશા એકલામાં ઠપકો આપવો જોઈએ. ઘણા બધા બાળકોની વચ્ચે કે પરિવાર કે મિત્રોની વચ્ચે બાળકોને ક્યારેય ઠપકો ન આપવો જોઈએ.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.