ભાગવત રહસ્ય 142: જડભરતની રક્ષા કરવા માટે મૂર્તિ ફાડીને કેમ પ્રગટ થયા હતા માં ભદ્રકાળી, જાણો કારણ

0
528

ભાગવત રહસ્ય – ૧૪૨

હરણ શરીરમાં ભરતજી અતિ સાવધ છે. જેટલા દિવસ હરણબાળ જોડે પ્રેમ કર્યો હતો તેટલાં દિવસ તેમને હરણ શરીરમાં રહેવું પડ્યું. પ્રારબ્ધકર્મ પૂરું થયું. બીજું નવું કોઈ પ્રારબ્ધકર્મ બનાવ્યું નથી. એટલે એક દિવસ “હરયે નમઃ” કરતાં કરતાં પ્રાણ છોડ્યા.

શુકદેવજી વર્ણન કરે છે – રાજન, પવિત્ર બ્રાહ્મણને ઘેર ભરતજીનો જન્મ થયો છે. ભરતજીનો આ છેલ્લો જન્મ છે. તેમને પૂર્વજન્મનું જ્ઞાન છે. ‘હરણમાં મન ફસાયું અને પશુજન્મ મળ્યો તે યાદ છે. હરણના સંગથી હરણ બન્યો, હવે માનવના સંગથી માનવ થઈશ, મારે હવે કોઈનો સંગ કરવો નથી, મારે હવે પરમાત્માના શરણમાં જવું છે.’

ભરતજી બોલતા નથી. એટલે બધા કહે છે – આ તો મૂંગો છે. પોતાના ધ્યાનમાં કોઈ દખલ ના કરે એટલે ભરતજી મૂર્ખ-પાગલ જેવું નાટક કરે છે. એટલે લોકો ભરતજીને મૂર્ખ માને છે. ભરતજી વિચારે છે – લોકો મૂર્ખ માને તો ખોટું શું છે? પૂર્વજન્મમાં જ્ઞાન બતાવવા ગયો અને દુઃખી થયો. પણ હવે જ્ઞાનનો ઉપયોગ ઈશ્વરનું આરાધન કરવા માટે જ કરીશ. પ્રભુમાં તન્મય થયેલા ભરતજીને દેહભાન નથી.

જેને પૈસા કમાવાની અક્કલ છે તેને લોકો ડાહ્યો સમજે છે. મન અને તન વશ કરવાની કળા જેને આવડે છે તેને લોકો ચતુર ગણે છે. સંસારની દૃષ્ટિએ સંત જડ છે. પરંતુ ખરેખર તો ચેતન-આનંદમય પ્રભુને ભૂલી સંસારસુખમાં ફસાયેલો મનુષ્ય જડ છે. દેહભાન ભૂલેલા મહાપુરુષને જડ કેમ કહેવાય? પણ આ સંસારની ઉલટી રીત છે, તેથી લોકોએ તેમનું નામ જડભરત રાખ્યું છે.

જડભરતજીના પિતાજી જડભરતને ભણાવવા લાગ્યા. પિતાને હતું કે – મારો પુત્ર પંડિત થશે. પરંતુ આમની પંડિતાઈ જુદી હતી. ભરતજીમાં સાચી પંડિતાઈ હતી. સાચી ચતુરાઈ હતી. તુલસીદાજીએ કહ્યું છે કે – પરધન, પરમન હરનકુ વે શ્યા બડી ચતુર, તુલસી સોઈ ચતુરતા રામચરણ લવલીન. (પરમાત્માના ચરણોમાં મનને લગાડવું એ જ સાચી ચતુરતા છે, પરધન ને પરમનનું આકર્ષણ કરવામાં તો વે શ્યા પણ બહુ ચતુર છે, પણ એને સાચી ચતુરતા ન કહેવાય)

જડભરતનું સંસારના કાર્યોમાં દિલ નથી, માતા-પિતાના ચાલ્યા ગયા પછી, ચિંતા વગર ફરે છે કોઈ કંઈક આપે તો ખાય છે. દેહભાન છે નહિ, પંચકેશ વધી ગયા છે, કોઈ જ જાતની ચિંતા નહિ એટલે હ્રષ્ટપુષ્ટ થયા છે. એક જગાએ બેસી રહે છે.

એક ભીલ રાજાને સંતાન નહોતું. તેણે ભદ્રકાળીની બાધા લીધી. કે પુત્ર થશે તો નરબલિ અર્પણ કરીશ. તેને ત્યાં પુત્ર થયો. તેણે ભીલોને આજ્ઞા આપી – કોઈ નરને પકડી લાવો. ભીલોની નજર જડભરત પર ગઈ. આ તગડો છે, પાગલ છે તેથી જડભરતને પકડી ભીલરાજા પાસે લઇ આવ્યા.

માતાજીને બલિદાન કરવાનું તે કોઈ જીવનું નહિ પણ કામ, ક્રોધ, લોભ પશુ છે તેનું બલિદાન કરવાનું છે. દેવીભાગવતમાં બલિદાનનો અર્થ આમ સમજાવ્યો છે.

બાળકને મા-ર-વા-થી શું માં રાજી થાય? ભદ્રકાળી દેવી તો સર્વની માં છે. જડભરતજીને નવડાવ્યા, લાલ કપડું પહેરવા આપ્યું છે. ફૂલની માળા પહેરાવી છે, સુંદર પકવાનો જમવા આપ્યા છે. પછી ભદ્રકાળી માતાના મંદિરે લઇ ગયા છે. જડભરતજી માતાજીને પ્રણામ કરી માથું નમાવી શાંત ચિત્તે બેઠા છે, ખાતરી છે કે માં મને મા-ર-શે નહિ. જરાયે બીક મનમાં નથી.

ભીલરાજાએ ભદ્રકાળીની પ્રાર્થના કરી ત-લ-વા-ર લઇ જડભરતને (નરબલિને) મા-ર-વા તૈયાર થયો છે.

સર્વમાં સમભાવ સિદ્ધ કરનાર જડભરતને જોતાં માતાજીનું હૃદય ભરાયું છે. માતાજીથી આ સહન ન થયું. અષ્ટભૂજા ભદ્રકાળી માં મૂર્તિ ફાડી બહાર નીકળ્યાં છે, ભીલરાજાનું મસ્તક તે જ ત-લ-વા-ર-થી કા-પી નાખ્યું છે.

જ્ઞાની ભક્ત માને છે કે મારી પાછળ હજાર હાથવાળો રક્ષણ કરનાર છે, બે હાથવાળા શું રક્ષણ કરવાના? જ્ઞાની ભક્તો માતાજીને પણ વહાલા છે. શિવ અને શક્તિમાં ભેદ નથી.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)