જીભને વશમાં રાખવા માટે વૈદ્યજીએ શેઠને જે પાઠ ભણાવ્યો તે આજે કેટલાય લોકો માટે જરૂરી છે, જાણો કઈ રીતે.

0
204

“જીભને વશમાં રાખો”

એક હતા શેઠજી. તેમને ઊધરસ થઈ. પરંતુ તેમને ખાટી વસ્તુઓ ખાવાની ટેવ હતી. ખાટું અથાણું વગેરે ખાતા હતા. જે વૈદ્ય પાસે જાય, તે વૈદ્ય કહે : ખાટી વસ્તુઓ ખાવાનું મૂકી દો, પછી દવા થાય.”

છેલ્લે એક વૈદ્ય મળ્યા. તેણે કહ્યું : “હું દવા કરું છું. તમારી મરજીમાં આવે તે ખાજો.”

દવા આપી અને શેઠજી ખાટી વસ્તુઓ ખાતા રહ્યા. થોડા દિવસ પછી મળ્યા તો શેઠજી બોલ્યા : “વૈઘજી! ઊધરસ વધી નથી. પરંતુ ઓછી પણ થઈ નથી.”

વૈદ્યજીએ કહ્યું : “તમે મારી દવા ખાતા રહો. ખાટી વસ્તુઓ પણ ખાતા રહો, ત્રણ લાભ થશે.”

શેઠજીએ પૂછયું : “કયા કયા લાભ?”

વૈદ્ય બોલ્યો : “પહેલો લાભ એ કે ઘરમાં ચોરી નહિ થાય, બીજો લાભ એ કે કુતરું કરડશે નહિ, અને ત્રીજો લાભ એ થશે કે ઘડપણ આવશે નહિ.”

શેઠજીએ કહ્યું : “આ તો ખરેખર લાભની વાતો છે, પરંતુ ઊધરસમાં ખાટી વસ્તુઓ ખાવાથી આ બધા લાભ કેવી રીતે મળશે?”

વૈઘજી બોલ્યા : “ઊધરસ હોય અને ખાટી વસ્તુઓ ખાધે રાખો તો ઊધરસ કોઈ દિવસ મટશે નહિ. દિવસમાં ઊધરસ થશે, રાત્રે ઊધરસ થશે. તો ઉધરસના અવાજને લીધે ચોર કેવી રીતે આવશે?

ઊધરસ ખાઈ ખાઈને કમજોર થઈ જશો, લાકડી વગર ચાલશે નહિ. હંમેશાં હાથમાં લાકડી હોવાથી કૂતરું પાસે આવશે નહિ, તો પછી કરડશે કેવી રીતે? અને કમજોરીને લીધે મ-રી-જ-શો, જવાનીમાં જ. એટલે કે ઘડપણ આવશે નહિ.”

શેઠજી હવે સમજી ગયા. પરંતુ આપણને સમજ પડતી નથી. આ ચટોરી જીભ માટે આપણે શું શું કરીએ છીએ, કેવી કેવી રીતે પોતાનો નાશ કરીએ છીએ. એટલે સુધી કે માનવતાને ત્યજી દઈએ છીએ.

(બોધ કથાઓ માંથી)