વહુના મુવી જોવા, ફરવા જવા વગેરેથી પરેશાન હતી સાસુ અને કરતી હતી ઝગડો, પછી જે થયું તે … વાંચો

0
678

સાસુ પોતાની વહુ અને પરિવારની ફરિયાદ લઈને મનોવૈજ્ઞાનિક પાસે ગઈ, પછી જે થયું તે દરેકે સમજવા જેવું છે.

એક પંચાવન વર્ષની મહિલા પોતાના પુત્ર, પુત્રવધૂ અને પતિ સાથે મનોવૈજ્ઞાનિક પાસે ગઈ. સમસ્યા હતી સાસુ અને વહુ વચ્ચેના ઝઘડાની, જે હવે વહુને ડિપ્રેશનમાં મૂકી રહી હતી. દીકરો એકલો જ હતો, ન તો તે ઘર છોડીને તેની માતાથી અલગ થઈ શકતો હતો કે ન તો તે તેની પત્નીના દુ:ખને સંભાળી શકતો હતો. પિતાની ધીરજ પણ હવે જવાબ આપી ચૂકી હતી.

મહિલાએ જણાવ્યું કે કેવી રીતે પુત્રવધૂ એવા ઘણા કામ કરે છે જે તેમના જમાનામાં મહિલાઓ ક્યારેય નહોતી કરતી. તે બધી વસ્તુઓ હતી – પુત્રવધૂનું જીન્સ પહેરવું, મૂવી જોવા જવાનું, ટ્રેકિંગ ટ્રિપ્સ અને એવી હજાર નાનકડી વસ્તુઓ જે આજના યુગમાં મોટી થયેલી દરેક સામાન્ય છોકરી કરે છે. પુત્ર પર પણ પત્નીની આવી બધી બાબતોમાં પૂરો સાથ આપવાનો આરોપ હતો. પુત્રવધૂની આ હરકતો પર ધ્યાન ન આપવાનો પતિ પર આરોપ હતો. તેથી આ બદલાયેલા સમીકરણ માટે મહિલાની નજરમાં આખો પરિવાર દોષિત હતો.

પુત્ર અને પિતા ઇચ્છતા હતા કે બંને પક્ષે થોડીક સમજૂતી-સમાધાન થાય તો ગાડી કોઈક રીતે આગળ વધે, આથી તેઓએ ફેમેલી કાઉન્સેલિંગની માંગણી કરી. પરંતુ મનોવૈજ્ઞાનિકે સ્પષ્ટપણે ના પાડી અને કહ્યું કે બીજી વખત તે મહિલા એકલી આવશે.

મહિલાએ વિરોધ કર્યો કે તેણીને આ રીતે આટલે દુર એકલી કેવી રીતે બોલાવી શકાય. તબીબી બાબતોમાં તો કોઈ સાથે હોવું જ જોઈએ. જો ત્યાં નહીં, તો ઓછામાં ઓછું કાર ચલાવવા માટે એક પુરુષની જરૂર પડશે. પરંતુ મનોવૈજ્ઞાનિકે તેમની એક વાત ન સાંભળી. જોકે પુત્રને અલગથી કહેવામાં આવ્યું હતું કે જો માતાનો નિર્ણય નહીં બદલાય, તો તે તેમની સાથે આવી શકે છે.

પણ તે મહિલા એકલી આવી. પુત્રને બળપૂર્વક તેમને બસમાં મોકલ્યા. બીજા સત્રમાં પણ તે માનસિક અસંતોષ બહાર કાઢતી રહી. કેવી રીતે પોતાના સાસુ અને સસરાની સેવામાં તેનું જીવન વીત્યું અને અત્યારે તેમની પુત્રવધૂ જેટલું તે પોતે કરતા હતા તેના કરતાં ચોથા ભાગનું પણ કામ કરતી નથી. એ બિચારી માટે વૃદ્ધાવસ્થામાં કોઈ આધાર નથી.

પછી કાઉન્સેલરે તેણીને થોડું હોમવર્ક આપ્યું કે, આગળના સત્રમાં આવે તે પહેલાં મૂવી જોવા જવાનું, પોતાની જાત માટે એક મોબાઇલ ખરીદવો (તેણી પાસે મોબાઈલ ન હતો અને ક્યારેય તેની જરૂર પણ જણાય નહીં), અને તેણીના મનપસંદ ગીતોની લિસ્ટ જાતે ડાઉનલોડ કરવી.

ઘરે પહોંચી તો દીકરો આ યાદી જોઈને ચિડાઈ ગયો. એક તો તેની પત્ની ઉદાસ હતી અને અહીં મનોવૈજ્ઞાનિક તેની રૂઢિચુસ્ત અને ઘરમાં બેસવાવાળી માતાને મૂવી જોવા મોકલે છે. પરંતુ તેણે મન મારીને પણ સાથ આપ્યો. પછીના અઠવાડિયે કાઉન્સેલિંગ સાથે ફરીથી કંઈક આવું જ હોમવર્ક મળ્યું. થોડીવાર પછી પરિવારને બોલાવવામાં આવ્યો. લડાઈઓ આપોઆપ ઘટી રહી હતી.

પુત્રવધૂએ પણ સાસુને ઘણાં હોમવર્કમાં મદદ કરી હતી, પુરૂષો પાસે સમયના અભાવે બંને એકસાથે ફિલ્મ જોવા ગઈ હતી અને કાઉન્સેલરના કહ્યા મુજબ એકસાથે પાર્લર પણ ગઈ હતી.

જો કે કાઉન્સેલિંગમાં બીજી પણ ઘણી વાતો હતી, લાગણીઓએ સમજવી અને તેમણે સંભળાવી વગેરે, પરંતુ પરિવર્તનનું મુખ્ય કારણ એ હતું કે આ મહિલા પહેલીવાર એવા કામ કરી શકી જે તેણીએ પોતાના સાસુ-સસરાના ડરથી ક્યારેય નહોતા કર્યા. તેણીની સાસુનું તો અવસાન થઈ ગયું હતું, પરંતુ પરંપરાનો ભાર તેણીની સાથે રહ્યો, જે તે પોતાની પુત્રવધૂ પર લાદવા માંગતી હતી. પરંતુ જો વધુ નજીકથી જોઈએ તો તે પોતાની વહુની ક્રિયાઓથી દુ:ખી નહોતી. પણ તે પોતાને સ્વતંત્રતા ન મળવાથી દુઃખી હતી.

પોતાની માઁ ને હંમેશા રસોડામાં જોનારા દીકરાએ ક્યારેય તેમને ફિલ્મ જોવાનું કહ્યું નહોતું કે પતિએ ક્યારેય તેણીને પોતાની બહેનપણીઓ સાથે ફરવા જવાનું કહ્યું નહોતું. અને સાચું કહીએ તો તેણીના મગજમાં ક્યારેય એવું પણ નહોતું આવ્યું કે તે પોતાનું જીવન પણ કોઈ અલગ રીતે અલગ ઝડપે અને અલગ રસ્તે જીવી શકે છે. પણ એક વાર તેણીને આઝાદી મળવા લાગી, પછી વહુની આઝાદી જોઈને ખરાબ લાગવાનું પણ બંધ થઈ ગયું. કાઉન્સેલરે સાસુ-વહુના સમીકરણને બદલે સાસુના જીવન પર ધ્યાન કેન્દ્રિત કર્યું, તેમના શોખ શોધી કાઢ્યા, તેમના સપના વિશે વાત કરી.

આ દિવસોમાં તે પોતાની વહુ સાથે શિમલા જવાના પ્લાનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ આવી સ્ટોરીઓ દરેક ઘરમાં હોય છે. ઘણી વાર આપણે જૂની પેઢીની કઠોરતા વિશે ફરિયાદ કરીએ છીએ, ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે આ એ જ પેઢી છે જેના અસ્તિત્વની રચના જાણે કે જવાબદારી લેવા માટે થઈ હતી. આપણે એવું ઇચ્છીએ છીએ કે તેઓ આપણી સ્વતંત્રતા સમજે, પરંતુ આપણે તેમને (આપણા વડીલોને) વધુ આઝાદ બનાવવાનો પ્રયત્ન ક્યારેય નથી કરતા. જે વ્યક્તિ હંમેશા પોતાના સપનાઓ સાથે સમાધાન કરતી હોય તેને બીજાની આઝાદી કેવી રીતે ગમે?

તેથી સારું એ રહેશે કે, સમાધાન કરવાને બદલે નવી પેઢીએ જૂની પેઢીની કેટલીક જવાબદારીઓ છીનવી લેવી જોઈએ, તેમને પણ મુક્ત કરવા જોઈએ.